Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

કારના પૈસાના મામલે રાજકોટથી વિલેશનું અપહરણ કરવા રાજેશે રાજસ્‍થાનથી બીજા આરોપીઓને અમદાવાદ બોલાવ્‍યા'તા

ચોટીલાનો શખ્‍સ પોતાની કાર મારફત બધાને રાજકોટ લાવ્‍યો હતોઃ ક્રાઇમ બ્રાંચ પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા, પીઆઇ એલ. એલ. ચાવડાની ટીમે ૭ આરોપીઓને પકડી કાયદાનું ભાન કરાવ્‍યું

રાજકોટઃ મુળ સુરતના અને હાલ રાજકોટ ઢેબર રોડ શ્રમજીવી સોસાયટી-૪/૫ના ખુણે રહેતાં વિલેશભાઇ પરમાર (કડીયા) (ઉ.વ.૩૯) નામના યુવાનનું રવિવારે બપોર બાદ તેની પત્‍નિ અને મિત્રની નજર સામે  જ કારમાં અપહરણ કરી જવાયું હતું. ભક્‍તિનગરમાં આ મામલે ફરિયાદ નોંધાઇ હતી. આ ગુનામાં ક્રાઇમ બ્રાંચે ૭ આરોપીઓ રાજેશ ભૈરૂલાલ જોષી (ઉ.૪૨-રહે.ચોસલા વિજયનગર, તા. મસુદા જી. અજમેર), રાધેક્રિષ્‍ના ઉર્ફ ભારમલ વધારામ ગુજ્જર (ઉ.૪૦-બહાદુરપુરા તા. વિજયનગર અજમેર રાજસ્‍થાન), રામલાલ શિવરાજ જાટ (ઉ.૩૦-રહે. ખુટીયા, વિજયનગર), શિવરાજસિંહ સુજાનસિંહ રાજપુત (ઉ.૪૪-રહે. ગુલાબપુરા તા. વિજયનગર અજમેર), પ્રેમચંદ શ્રવણલાલ જાટ (ઉ.૩૫-રહે. દોલતપુરા તા. વિજયનગર), જીવરાજ બલરામ ચોૈધરી (ઉ.૪૨-રહે.દોલતપુરા વિજયનગર) અનેમનિષ ઉર્ફ મનસુખ બાલકૃષ્‍ણ પંડયાની ધરપકડ કરી છે. મુખ્‍ય સુત્રધાર રાજેશ જોષીએ અન્‍ય આરોપીઓને કાવત્રાના ભાગરૂપે રાજસ્‍થાનથી અમદાવાદ કાલુપુર રેલ્‍વે સ્‍ટેશને બોલાવ્‍યા બાદ ત્‍યાંથી રાજકોટ આવી અપહરણ  કર્યુ હતું. જીવરાજ ચોૈધરી કે જે ચોટીલા બ્‍લાસ્‍ટીંગનું કામ કરે છે તે પ્રેમચંદ, રામલાલનો મિત્ર હોઇ તેણે પોતાની કારથી આરોપીઓને ચોટીલાથી રાજકોટ પહોંચાડી મદદ કરી હતી. ફરિયાદી વિલેશ કાર લઇને ઢેબ રોડના શિવ ગેરેજે પહોંચ્‍યો કે નહિ તેની રેકી કરાયા બાદ બધા ત્‍યાં પહોંચ્‍યા હતાં અને અપહરણ કર્યુ હતું. વિલેશે સુરતના મનસુખ ઉર્ફ મનિષ પાસેથી કાર ગિરવે રાખી તેને બે લાખ દીધા હોઇ આ કાર રાજસ્‍થાનના રાજેશ જોષીની હોઇ મનિષે તેને પુરા પૈસા ચુકવ્‍યા ન હોઇ રાજેશે કાવત્રુ ઘડી કાર અથવા પૈસા મેળવવા વિલેશનું અપહરણ કર્યુ હતું.

 પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ વાય. બી. જાડેજા, જે. વી. ધોળા, પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એમ. જે. હુણ, કે. ડી. પટેલ, બી. વી. બોરીસાગર તથા ટીમોએ આ કામગીરી કરી હતી. (ફોટોઃ અશોક બગથરીયા)

(3:13 pm IST)