Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મોરબી રોડ ગાયત્રી સોસાયટીમાં દયાબેન અને પડોશી મા-દિકરી પર હુમલોઃ તોડફોડ

પ્રતાપ, કરણ સહિતે પૈસા માંગી ધમાલ મચાવ્‍યાનો આક્ષેપ

રાજકોટ તા. ૫: મોરબી રોડ પર જકાતનાકા નજીક આવેલી ગાયત્રી સોસાયટીમાં રાત્રીના સાડા અગિયારેક વાગ્‍યે ત્રણેક શખ્‍સોએ એક મહિલા અને તેના પડોશમાં રહેતાં માતા-પુત્રી પર હુમલો કરી ધોકા, ઢીકાપાટુનો માર મારી તેમજ ઘરની ડેલીમાં તોડફોડ કરી હતી. મારામારીમાં ઘાયલ મા-દિકરી સારવાર માટે દાખલ થઇ હતી.

ગાયત્રી સોસાયટીમાં રહેતી હર્ષાબેન હસમુખભાઇ મોરાણીયા (ઉ.૪૩) અને તેની પુત્રી ગાયત્રી હસમુખભાઇ મોરાણીયા (ઉ.૨૦)ને રાતે તેના પડોશમાં રહેતી દયાબેન મહેશભાઇ ચોૈહાણ (ઉ.૩૫) નામની મહિલા સિવિલ હોસ્‍પિટલે લાવી હતી. પોતાના પર પ્રતાપ, કરણ અને અજાણ્‍યાએ ધોકાથી હુમલો કરી ઢીકાપાટુનો માર માર્યાનું જણાવતાં તબિબે હર્ષાબેન અને પૂજાને સારવાર માટે દાખલ કરી હતી. દયાબેને પ્રાથમિક સારવાર લીધી હતી.

હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં બી-ડિવીઝન પોલીસ પહોંચી હતી. પરંતુ એ પહેલા રજા લઇ લીધી હતી. પોલીસ ઘટના સ્‍થળે પણ પહોંચી હતી પરંતુ ઘરે પણ કોઇ મળ્‍યું નહોતું. દરમિયાન દયાબેને ટેલિફોનીક વાતચીતમાં આક્ષેપો સાથે જણાવ્‍યું હતું કે પોતે અને પડોશી હર્ષાબેન તથા તેની દિકરી ઇમિટેશનનું કામ કરે છે. પ્રતાપ સહિતના પણ અગાઉ ઇમિટેશનનો ધંધો કરતાં હતાં. હાલમાં પોતે પોતાની રીતે ધંધો કરે છે. રાતે પ્રતાપ સહિતનાએ આવી જો ધંધો કરવો હોય તો અમને પૈસા આપવા પડશે તેમ કહી મારકુટ કરી ડેલીમાં અને બારીમાં તોડફોડ કરી હતી. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)