Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

કોરોનાની મહામારીમાં ખાનગી શાળા-કોલેજોમાં ૬ માસ સંપુર્ણ ફી માફ કરોઃ એનએસયુઆઇની ડીઇઓને ઉગ્ર રજુઆત

ડીઇઓ કચેરી સામે સુત્રોચ્ચાર-આવેદનઃ ૫ કાર્યકરોની અટકાયત

રાજકોટઃ ફી પ્રશ્ને આજે જિલ્લા શિક્ષણાધીકારી કચેરી ખાતે એનએસયુઆઇના કાર્યકરોએ રજુઆત કરી સુત્રોચ્ચાર કર્યા હતા તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૪: કોરોનાની મહામારીમાં ખાનગી શાળા-કોલેજોની ૬ માસ ફી સંપુર્ણ માફીની માંગણી સાથે આજે એનએસયુઆઇએ ડીઇઓ કચેરીએ દેખાવો કર્યો હતો. પોલીસે પ કાર્યકરોની અટકાયત કરી છે.

એનએસયુઆઇએ એક યાદીમાં જણાવ્યું છે કે કોવિડ-૧૯ કોરોના વાયરસ સંક્રમણ અટકાવવા અને ખાસ કરીને બાળકોમાં ચેપ ન લાગે તે માટે રાજયમાં આવેલ તમામ શાળા-કોલેજો લોકડાઉન પહેલાથી  ૧૫માં માર્ચથી બંધ કરવાના આદેશ આપેલ છે. શાળા-કોલેજો બંધ કરવામાં આવી ત્યારથી ખાનગી શૈક્ષણિક સંસ્થાઓને ઈલેકટ્રીક સિટી, પાણી ટ્રાન્સપોર્ટેશન, સફાઈ વગેરે જેવા દૈનિક ખર્ચાઓ થતાં નથી. બીજી બાજુ હાલ લોકડાઉનના કારણે મધ્યમ અને નાના વર્ગના નોકરી-ધંધા- રોજગાર કરતા પરિવારો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. આવા પરિવારોને રાહત આપવા ખાનગી શાળા સંચાલકો વાલીઓ પાસેથી ફી ના ઉઘરાવે તે માટે વાલી મંડળના પ્રતિનિધિઓ કે વાલીઓના અભિપ્રાય લીધા સિવાય રાજય સરકારે ખાનગી શાળા-કોલેજના સંચાલકો સાથે બેઠક યોજી હતી અને આ બેઠકમાં સંચાલકોની અનુકુળતા મુજબ આગામી શૈક્ષણિક વર્ષની ફી ન વધારવાનું સ્વીકારીને ખાનગી શાળા સંચાલકોને અનુકુળતા કરી આપવામાં આવી છે.

એનએસયુઆઇની યાદીમાં જણાવાયું છે કે ૧૫ મી માર્ચથી શાળા-કોલેજો બંધ કરવાના આદેશ રાજય સરકાર દ્વારા આપવામાં આવેલ છે. આગામી સમયમાં શાળા-કોલેજો કયારે શરૂ થશે તે હજુ નક્કી નથી એટલે કે બાળકોના આરોગ્યને ધ્યાનમાં રાખીને કોરોના મહામારીમાં શાળા-કોલેજો સૌથી પહેલા બંધ કરવામાં આવી હતી અને સૌથી છેલ્લે શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળા કોલેજોમાં બાળકો અભ્યાસ કરવા માટે જવાના જ નથી તેવા સમયે સરકારી અને ખાનગી શાળા કોલેજ સંચાલકો કોરોનાના કપરા કાળમાં નાના અને મધ્યમ વર્ગના ગરીબ પરિવારો પાસે ફી લે નહિ અને ધંધા રોજગાર બંધ છે તેવા સમયે ગરીબ પરિવારના બાળકોને રાહત મળી રહે તે માટે ઓછામાં ઓછા છ - મહિના સંપુર્ણ ફી માફ થાય તે યોગ્ય કરી આપવા માંગણી કરીએ છીએ.

કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ શહેર એન.એસ.યુ.આઈ. પ્રમુખ નરેન્દ્ર સોલંકી, વિશ્વદિપસિહ જાડેજા, દેવેન્દ્રસિંહ જાડેજા, દિગ્પાલસિંહ જાડેજા, માધવ આહિર, મંથન પટેલ, પાર્થ ગઢવીં, ભવ્ય પટેલ, પુષ્પરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, કર્મદિપસિંહ જાડેજા, રોહિત રાઠોડ, વિશ્વજીતસિંહ જાડેજા, વિગેરેએ જીલ્લા શિક્ષણાધિકારીશ્રીને રૂબરૂ આવેદન આપી જરૂરી કાર્યવાહી માંગણી કરેલ છે.

(3:43 pm IST)