Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

ત્રણ કોલેજીયન છાત્રો ગાંજાની પુડી સાથે પકડાયાઃ વેંચવા આવેલો પ્રોઢ વિરેન્દ્ર દેસાઇ પણ દબોચાયો

રાજકોટમાં પર્ણકુટીર ચોકી નજીક જ માદક પદાર્થની લેતી-દેતી થઇ અને એસઓજીએ ૪ને દબોચી લીધા : ગાંજો પીવાની ટેવ ધરાવતો ગાંધીગ્રામનો વિરેન્દ્ર ઉર્ફ મહાદેવ ૨૦૦ વાળી પડીકી ૧૦૦૦માં વેંચી પોતાનો ખર્ચ કાઢતો હોવાનું રટણઃ તે કોની પાસેથી લાવતો, કોને-કોને કેટલા સમયથી વેંચતો? તે સહિતના મુદ્દે તપાસ કરવા રિમાન્ડ મંગાશે : પ્રોઢ પાસેથી ૨૮.૩૨ ગ્રા અને છાત્રો પાસે ૧૬.૦૩ ગ્રામ મળી રૂ. ૨૬૬નો ગાંજો મળ્યોઃ પણ વિદ્યાર્થીઓ પકડાયા તે મોટી વાતઃ પોલીસ કમિશનર અવાર-નવાર 'હોપ' અંતર્ગત શાળા-કોલેજોમાં સેમિનાર યોજી છાત્રોને નશાથી દૂર રહેવા સમજાવવા સેમિનારો યોજાવતા રહે છે : ઝડપાયેલામાં કિશન વાઘેલા અને કેયુર વાઘેલા સગા પિત્રાઇ ભાઇઓ, જ્યારે જતીન આ બંનેના મામાનો દિકરોઃ ત્રણેય ડિપ્લોમા, એફવાયબીકોમ અને બીએસસીના છાત્ર

રાજકોટ તા. ૪: શહેર એસઓજીએ વધુ એક દરોડામાં ગાંજા સાથે ત્રણ કોલેજીયન છાત્રો અને વેંચવા આવેલા વણિક પ્રોઢને પકડી લીધા છે. ગાંજો તો માત્ર ૨૬૬ રૂપિયાનો જ છે પરંતુ છાત્રો રવાડે ચડી ગયાનું સાબિત થયું છે. બીજા છાત્રો પણ આવો નશો કરવાના રસ્તે વળ્યા હોઇ તો તે ચેતી જાય એ માટે થઇને એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરી છે. ગાંજાની પડીકી વેંચવા આવેલો ગાંધીગ્રામનો વણિક પ્રોઢ ખુદ ગાંજો પીવાનો બંધાણી છે. તેણે ૨૦૦માં મળતી પડકી ૧૦૦૦માં છાત્રોને વેંચી હતી. આ છાત્રોમાં બે સગા પિત્રાઇ ભાઇ છે અને એક આ બંનેનો મામાનો દિકરો છે. આ ત્રણેયે પોતે જ નશો કરતાં હોવાનું રટણ કર્યુ છે. તે પ્રોઢ પાસેથી લઇને અન્ય કોઇને વેંચતા હતાં કે કેમ? તેની પણ તપાસ થશે. આગળની તપાસ માટે માલવીયાનગર પોલીસ ચારેયના કોવિડ ટેસ્ટ કરાવી ધરપકડ કરી રિમાન્ડ મેળવવા તજવીજ કરશે.

એસઓજીની ટીમને શહેરમાં નારકોટીકસને લગતી હેરાફેરી કે વેંચાણ થતાં હોય તો અટકાવવા અને આવા શખ્સોને પકડી લેવા પોલીસ કમિશનરની સુચના મળી હોઇ એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાની રાહબરીમાં એસઓજીના પી.આઇ. આર.વાય. રાવલ અને ટીમે પેટ્રોલીંગ શરૂ કર્યુ હતું. એ દરમિયાન પર્ણકુટીર પોલીસ ચોકી નજીક રોડ પરથી  પસાર થતાં હતા ત્યારે કોન્સ. રણછોડભાઇ આલને બે એકટીવા પર ચાર શખ્સો શંકાસ્પદ જણાતાં પ્રોઢ વયના શખ્સને અટકાવી તલાશી લેતાં તેના પેન્ટના જમણા ખિસ્સામાંથી ખાખી કલરનું એક કવર મળી આવ્યું હતું. તેની અંદર અર્ધસુકા પાંદડા, ડાળખા જેવો પદાર્થ હોઇ સુંઘી જોતાં ગાંજો જણાતાં પંચની હાજરીમાં ખાતરી કરી કાર્યવાહી કરાઇ હતી. આ પ્રોઢે પોતાનું નામ વિરેન્દ્ર ઉર્ફ મહાદેવ ચંદુભાઇ દેસાઇ (જૈન વણિક) (ઉ.૫૬-રહે. માતૃ સ્મૃતિ, ગાંધીનગર-૧, મામા સાહેબના મંદિર પાસે ગાંધીગ્રામ) જણાવતાં તેને અટકાયતમાં લઇ તેનું જીજે૦૩ડીએસ-૧૪૫૯ નંબરનું એકટીવા પણ જપ્ત કરાયું હતું.

આ પ્રોઢથી નજીક જ અન્ય એક એકટીવા કે જેની આગળની નંબર પ્લેટ વાળેલી હતી તેના પર બેઠેલા ત્રણ યુવાનને પણ શંકાને આધારે સકંજામાં લઇ તલાશી લેવાતાં એકટીવા નં.જીજે૦૩કેઆર-૦૧૫૫ની ડેકીમાંથી ખખી કલરનું કવર મળ્યું હતું. જેમાંથી ગાંજો મળી આવ્યો હતો. આ ત્રણ શખ્સોએ પોતાના નામ કિશન અશોકભાઇ વાઘેલા (કોળી) (ઉ.૨૨, રહે. વાઘેલા વિલા, મનહર પ્લોટ-૧૧), તથા કેયુર રજનીકાંતભાઇ વાઘેલા (કોળી) (ઉ.૧૮-રહે. રત્નમ વિલા બી-૧૨, અમી હાઇટ્સ પાસે નાગેશ્વર રોડ ઘંટેશ્વર) તથા જતીન કિશોરભાઇ પંચાસરા (કોળી) (ઉ.૨૩-રહે. શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૧૦૧, મનહર પ્લોટ-૧૧/૧૫નો ખુણો) જણાવ્યા હતાં.

આ ત્રણેય પાસેના વાહનની ડેકીમાંથી ૧૬.૦૩ ગ્રામ ગાંજાની પડીકી મળી હતી. જ્યારે આ ત્રણેયને પડીકી આપનાર વણિક પ્રોઢ વિરેનદ્ર ઉર્ફ મહાદેવ પાસેથી મળેલા કવરમાં ૬૦.૦૧ ગ્રામ ગાંજો હતો. બંનેનો મળી કુલ રૂ. ૨૬૬.૧૦નો ગાંજો પકડી ચારેયની સામે એનડીપીેઅસ એકટ હેઠળ માલવીયાનગર પોલીસમાં ગુનો નોંધાવી ચારેયને ત્યાં સોંપાયા હતાં.

પોલીસે બે વાહનો, મોબાઇલ ફોન, રોકડા મળી કુલ ૮૭૧૪૭નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયાની રાહબરીમાં પીઆઇ આર.વાય. રાવલ, હેડકોન્સ. કિશનભાઇ ખેંગારભાઇ આહિર, મોહિતસિંહ જાડેજા, કોન્સ. રણછોડભાઇ આલ, અજયભાઇ શુકલ, ગિરીરાજસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા સહિતની ટીમે આ કામગીરી કરી હતી.

પકડાયેલામાં વિરેન્દ્ર ઉર્ફ મહાદેવ એકલવાયુ જીવન જીવે છે અને પોતે પણ ગાંજો પીવાની ટેવ ધરાવે છે. જ્યારે કેયુર તથા કિશન કાકા-બાપાના ભાઇઓ છે અને જતીન આ બંનેનો મોટાબાપુનો દિકરો છે. કેયુર એફવાય બીકોમમાં, કિશન ડિપ્લોમા મિકેનિકલના ત્રીજા વર્ષમાં અને જતીન એફવાય બીએસસીમાં અભ્યાસ કરે છે.    માલવીયાનગરના પીઆઇ એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ વી. કે. ઝાલા, ભાવીનભાઇ, અરૂણભાઇ, હરપાલસિંહ, મશરીભાઇ સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે.

(11:26 am IST)