Gujarati News

Gujarati News

News of Sunday, 5th July 2020

મકાન કરતા રોડ ઊંચા, લાચાર વૃધ્ધાના ઘરમાં ગંદા પાણી

રૈયાધાર સ્લમ વિસ્તારમાં એકલા રહેતા બિમાર વૃધ્ધાની કરૂણ કહાની : માત્ર એક પાઇપ ફીટ કરવાથી પ્રશ્ન ઉકલે તેમ છે : માનવતાના ધોરણે તત્કાળ કાર્ય થાય તે જરૂરી

રાજકોટ તા. ૪ : ગુજરાતમાં સંવેદનશીલતાનો નારો અમલમાં છે. મુખ્યમંત્રીના શહેર રાજકોટમાં સંવેદના ઝણઝણી જાય તેવી એક સ્ટોરી છે.

રૈયાધાર સ્લમ વિસ્તારમાં મકાનો કરતા રોડના લેવલ ઊંચા થઇ જતા અમુક મકાનોમાં ગંદા પાણી ઘુસી જાય છે. રૈયાધાર સ્લમ વિસ્તારમાં પ્લોટ નં. ૩૧૮માં એક વૃધ્ધા એકલા રહે છે. મોટી ઊંમર, બિમારી તથા શાન-ભાન ગુમાવી ચુકેલા આ વૃધ્ધા ચાલી પણ શકતા નથી.

રોડ લેવલ મકાનથી ઊંચા થઇ જતા આ વૃધ્ધાના મકાનમાં વરસાદના પાણી ઘુસી જાય છે. લાચાર વૃધ્ધાની હાલત કફોડી બની જાય છે. પાણીની સમસ્યાનો તંત્રને અનેક વખત રજૂઆત કરી, પરંતુ કામ થતું નથી.

આ અતિ ગંભીર સમસ્યાનો ઉકેલ સાવ સરળ છે. મકાનથી ભૂગર્ભ ગટરમાં એક પાઇપ જોડાઇ જાય તો પાણીનો નિકાલ આસાનીથી થઇ શકે છે. આ માટે સેવાભાવી લોકોએ પાઇપ પણ લઇ દીધો છે, છતાં કોન્ટ્રાકટર કે તંત્રએ કોઇ રસ ન દાખવતા વૃધ્ધાની દશા કફોડી બની છે.

તંત્ર પૈસા ખર્ચીને લોકોની સુવિધા વધારે છે, પરંતુ આયોજનના અભાવના કારણે સુવિધા દુવિધા જેવી બની જાય છે. વરસાદના ગંદા પાણી ઘરમાં ઘુસી રહ્યા છે છતાં નિરાધારોનો અવાજ સાંભળનાર કોઇ નથી. અધિકારીએ કે આ વિસ્તારના નેતાઓ વૃધ્ધાની દશા જુએ તો ખ્યાલ આવે કે લોકો કેવી હાલાકી ભોગવી રહ્યા છે. વિસ્તારમાં લાચાર - અપાહીજ વૃધ્ધાનો પ્રશ્ન તત્કાળ ઉકલે તેવી લોકલાગણી છે.

મેયરશ્રી, કંઇક તો કરો...

રાજકોટ : કોરોના મહામારીમાં રાજકોટની નેતાગીરી સંપૂર્ણપણે નિષ્ક્રિય છે. અધિકારી વર્ગ પર જ બોજ ઝીંકી દેવાયો છે. મહામારી તો ઠીક, શહેરના અન્ય પ્રશ્ને પણ નેતાગીરીની કોઇ ભૂમિકા દેખાતી નથી.

સામાન્ય લોકોના પ્રશ્નો તત્કાળ ઉકેલવા તો સક્રિય બનવું જોઇએ. રૈયાધાર સ્લમ વિસ્તારના બીમાર લાચાર વૃધ્ધાના ઘરમાંથી ગંદા પાણીના નિકાલનો સાવ સામાન્ય પ્રશ્ન ઉકેલવા પણ આજીજી કરવી પડે તેવી દશા રાજકોટની થઇ ગઇ છે. મેયર, કમિશનર, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન, શહેર ભાજપ પ્રમુખ આ બધા નેતા - અધિકારીઓએ લોકોના પ્રશ્નો ઉકેલવા સમય કાઢવો જોઇએ તેવી લોકલાગણી છે.

મેયરશ્રીમાં સંવેદનશીલતા હોય તો રૈયાધાર સ્લમ વિસ્તારમાં રૂબરૂ જઇને આજે જ પ્રશ્ન ઉકેલવો જોઇએ.

(3:39 pm IST)