Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ચિત્રકુટના 'નેત્રકુંભ'માં અનન્ય સેવા બદલ ડો. બી.કે.જૈનનું દિલ્હીમાં સન્માન

રાજકોટ, તા., પઃ આ વર્ષે પ્રયાગરાજ-અલ્હાબાદમાં યોજાયેલ દિવ્યકુંભ-મહાકુંભ મેળામાં આવનારા શ્રધ્ધાળુઓ માટે નેત્ર ચિકિત્સાનું એક નવુ પ્રકલ્પ સ્વયંસેવી સંસ્થા સક્ષમ સમુહ દ્વારા આયોજીત કરવામાં આવ્યું હતું. આ આયોજનને નેત્રકુંભ-ર૦૧૯નું નામ અપાયેલું હતું. જેમાં ભારતભરનાં જુદા-જુદા નેત્ર સેવાનાં સંસ્થાનો દ્વારા એક સાથે મળીને કુંભમેળા દરમિયાન મફત નેત્ર સેવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.

આ નેત્ર કુંભમાં પૂ.ગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજ દ્વારા સ્થાપીત સંસ્થા સદગુરૂ નેત્ર ચિકિત્સાલય સદગુરૂ સેવા સંઘ ટ્રસ્ટ ચિત્રકુટ દ્વારા વિશેષ યોગદાન અને આગેવાનના રૂપમાં નેત્ર સેવા કરવા બદલ સંસ્થાના ટ્રસ્ટી અને નિર્દેશક ડો.બી.કે.જૈનને દિલ્હીમાં વિશેષ પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવેલ.

સદગુરૂ નેત્ર ચિકિત્સાલય ચિત્રકુટ દ્વારા પ્રયાગરાજ કુંભમાં બે જુદા-જુદા સ્થાને અખંડ નેત્રસેવાનું કાર્ય કરવામાં આવ્યું. જેમાં નેત્ર કુંભમાં નેત્ર પરીક્ષણ શિબિર અને સાથે રણછોડનગરમાં ડાયાબીટીક રેટીનોપેથીનું ડાયાબીટીઝના દર્દીઓ માટે થનારા નેત્રરોગ માટે શિબિરની વિશેષ સેવા આપવામાં આવી હતી. નેત્રકુંભ ર૦૧૯ના સફળ આયોજન માટે અભિનંદન સમારોહ નવી દિલ્હીમાં માનેકશા અકાદમી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેત્ર કુંભમાં સહયોગ આપનારી તમામ સંસ્થાઓને તેમના અમુલ્ય યોગદાન વર્તી ધન્યવાદ અર્પિત કરવામાં આવ્યું.

ઉલ્લેખનીય છે કે નેત્રકુંભ ર૦૧૯નાં અંતર્ગત એક વિશિષ્ટ રેકોર્ડ લીમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ નોંધ થઇ હતી. એક દિવસમાં સૌથી વધુ ૬૬૬૦ લોકોનું નેત્ર પરીક્ષણનું કીર્તીમાન રેકોર્ડ સ્થાપીત કરેલ.

(4:05 pm IST)