Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

એવરેસ્ટ બિલ્ડીંગમાં પબ્લીસીટીના ધંધાર્થી વચ્ચે હિસાબ મામલે ધબધબાટીઃ સામસામી ફરિયાદ

ગ્લોબલ પબ્લીસીટીના જયદિપભાઇ રેણુકા અને પેસિફિક પબ્લીસીટીના વિરાજ જાની વચ્ચે ડખ્ખોઃ બંને પક્ષના સાત જણા સામે એ-ડિવીઝન પોલીસ મથકમાં ગુના દાખલ

રાજકોટ તા. ૫: શાસ્ત્રી મેદાન સામે એવરેસ્ટ બિલ્ડીંગમાં ત્રીજા માળે પબ્લીસીટીની ઓફિસ ધરાવતાં યુવાન અને કનક રોડ પર પબ્લીસીટીની ઓફિસ ધરાવતાં યુવાન વચ્ચે  એવરેસ્ટ બિલ્ડીંગમાં રૂપિયાની લેતીદેતીના હિસાબ મામલે મારામારી અને ગાળાગાળી થતાં તેમજ એક બીજાને મારી નાંખવાની ધમકી અપાતાં પોલીસે બંને પક્ષે સાત જણા સામે ફરિયાદ નોંધી છે.

માલવીયા કોલેજ પાછળ દોશી હોસ્પિટલની બાજુમાં નાગેશ્વર કોમ્પલેક્ષમાં રહેતાં જયદિપભાઇ હસમુખલાલ રેણુકા (ઉ.૪૧) નામના યુવાનની ફરિયાદ પરથી વિરાજ જાની અને તેની બહેન સ્નેહા ત્રિવેદી સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધાયો છે. જયદિપભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું પરિવાર સાથે રહુ છું અને એવરેસ્ટ બિલ્ડીંગમાં ત્રીજા માળે ૩૦૩ નંબરની ઓફિસમાં ગ્લોબલ પબ્લીસીટી નામે વેપાર કરુ છું. મારા બીજા બે ભાઇઓના નામ પ્રદિપભાઇ અને સંદિપભાઇ છે.

ગુરૂવારે બપોરે બે વાગ્યે હું તથા શૈલેષભાઇ, મિલનભાઇ અમારી ઓફિસે હતાં ત્યારે વિરાજ જાની અને તેની બહેન સ્નેહાએ ઓફિસે આવી 'તમે લોકો અમારો હિસાબ છે તે સમજતા નથી, અમારા ખાતામાં રૂપિયા ન હોવા છતાં તમે કેમ અમારો ચેક નાંખ્યો હતો?' તેમ કહેતાં મેં કહેલ કે મારા નાના ભાઇ પ્રદિપભાઇ આવે ત્યારે તેની સાથે વાત કરી લેજો. આમ કહેતાં વિરાજ ઉશ્કેરાઇ ગયેલ અને મારી સાથે ઝઘડો કરી હવે તો રૂપિયા આપવા જ નથી, થાય તે કરી લેજો તેમ કહી 'તું કેમ ધંધો કરે છે, તને જોઇ લઇશ...હવે બહાર નીકળ એટલે તને પુરો કરી નાંખવો છે...' તેમ કહી ધમકી આપી હતી. તેમજ તેની બહેને પણે ઉશ્કેરાઇની મારો કાંઠલો પકડી લીધો હતો. ઝઘડો ચાલતો હતાં ત્યાં પ્રદિપભાઇ અને તેનો મિત્ર આવી ગયા હતાં. વિરાજે તેની સાથે પણ મારામારી કરી લીધી હતી. મને પણ વિરાજે ઢીકા-પાટુ મારી લીધા હતાં. બાદમાં તેને મારા ભાઇએ બહાર કાઢ્યો હતો.

વિરાજે જોરજોરથી બૂમબરાડા પાડી ગાળો દીધી હતી. માણસો ભેગા થઇ જતાં તે અને તેની બહેન જતાં રહ્યા હતાં. 

વિરાજ જાનીની ફરિયાદ

પોલીસે મંગળા રોડ પર પ્રગતિ હોસ્પિટલ પાસે રહેતાં વિરાજ અશ્વિનભાઇ જાની (ઉ.૨૪)ની ફરિયાદ પરથી પ્રદિપભાઇ રેણુકા, જયદિપભાઇ રેણુકા, મિલનભાઇ ગોહેલ, શૈલેષભાઇ વિસપરા અને અજાણ્યા છોકરા સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધ્યો છે. વિરાજે ફરિયાદમાં જણાવ્યું છે કે હું કુટુંબ સાથે રહુ છું અને કનક રોડ પર પેસિફિક એડવર્ટાઇઝમેન્ટ નામે ધંધો કરુ છું. હું તથા મારી બહેન સ્નેહા ગુરૂવારે બપોરે એવરેસ્ટ બિલ્ડીંગમાં ગ્લોબલ પબ્લીસીટીમાં ધંધાના કામે અને હિસાબના પૈસા દેવા ગયા હતાં. હું હિસાબની લેતીદેતી જયદિપભાઇ, શૈલેષભાઇ અને મિલનભાઇ સાથે કરતો હતો. સાથે મારા બહેન બાજુમાં બેઠા હતાં. હિસાબ લખાવતો હતો ત્યારે બહારથી પ્રદિપભાઇ અને અજાણ્યો છોકરો આવ્યા હતાં.

પ્રદિપભાઇએ ઉશ્કેરાઇ જઇ તારો અગાઉનો હિસાબ બાકી છે, અમારે કંઇ લખવાનું થતું નથી. તેમ કહી ઉશ્કેરાઇ જઇઝઘડો કરતાં મારી બહેન સમજાવવા જતાં તેણીને ધક્કો મારી બહાર કાઢી હતી. હું બહેનને બચાવવા જતાં મને ગાળો દીધી હતી અને કાંઠલો પકડી લીધો હતો. તેમજ ઢીકા-પાટુનો માર માર્યો હતો. મારી બહેનને પણ પ્રદિપભાઇએ એક ઝાપટ કારી દીધી હતી. તેમજ મને કહેલ કે તારો હિસાબ નીકળે છે એ રૂપિયા આપી દેજે નહિતર જીવતો નહિ છોડું. આમ હિસાબ બબાતે આ બધાએ ભેગા મળી મારકુટ કરી ધમકી આપી હતી.

પીએસઆઇ જે. ડી. વસાવા અને એએસઆઇ આર. આર. સોલંકીએ બંને બનાવમાં તપાસ હાથ ધરી છે.

(4:01 pm IST)