Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

આમ્રપાલી બ્રીજ માટે રેલ્વેને પૈસા ચૂકવ્યાઃ સોરઠીયાવાડી ચોક બ્રીજનો સર્વે

ર૦૧૯-ર૦નાં બજેટમાં સુચવાયેલા ઓવર-અન્ડર બ્રીજનાં કામો-નવા વોકર્સ ઝોન-આજી રીવર ફ્રન્ટ-બાગ બગીચા સહીતનાં વિકાસકામોના લેખા-જોખા રજુ કરતા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાની

રાજકોટ, તા., ૫: શહેરનાં આમ્રપાલી ફાટકે બ્રીજ બનાવવાની કામગીરી આગળ ધપી હોવાનું અને આ બ્રીજ માટે રેલ્વેમાં ડિપોઝીટ ભરી દેવાયાનું અને સોરઠીયાવાડી ચોકે બ્રીજ બનાવવા માટે સર્વે શરૂ થઇ ગયાનું મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીએ જાહેર કર્યુ છે.

  આ અંગે સતાવાર જાહેર ગયેલ વિગતો મૂજબ રાજકોટ મહાનગરપાલિકાનાં વર્ષૅં ૨૦૧૯-૨૦ના બજેટમાં મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરના વિવિધ ક્ષેત્રના વિકાસલક્ષી પ્રોજેકટસ અને અન્ય યોજનાઓ સૂચવેલ અને ત્યારબાદ સ્ટેન્ડિંગ કમિટીએ આ પ્રસ્તાવો પૈકી જે જે પ્રોજેકટ્સ અને યોજનાઓ મંજુર કરેલ તેની કામગીરીની પ્રગતિની સમીક્ષા મ્યુનિ. કમિશનરશ્રી દ્વારા કરવામાં આવી રહી છે.

આ  સંદર્ભમાં વાત કરતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, આ બજેટમાં રજુ કરાયેલા અને સ્ટેન્ડિંગ કમિટીએ મંજુર કરેલા વિવિધ કામો અત્યારે અલગઅલગ તબક્કે પહોંચ્યા છે. જેમાં શહેરમાં નવા હોકર્સ ઝોન બનાવવા માટેની યોજનામાં વોર્ડ નં.૯ ગુરુજીનગર આવાસ યોજના પાસે રૂ. ૧૪ લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન બનાવવાની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે. જયારે હોસ્પિટલ ચોકમાં નવા રેનબસેરાનું કાર્ય પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવી ચૂકયું છે. વોર્ડ નં.૦૭માં ટાગોર રોડ પર દસ્તૂર માર્ગ કોર્નર થી વિરાણી ચોક સુધી તેમજ અન્ય રસ્તાઓ પર રૂ. ૧૦૦ લાખના ખર્ચે સેન્ટ્રલ એલ.ઈ.ડી. લાઈટની કામગીરી પૂર્ણ કરવામાં આવેલ છે.

વોર્ડ નં.૧૦માં પુષ્કરધામ મેઈન રોડ પર રૂ. ૧૦૧.૨૬ લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન અને વોર્ડ નં.૧માં ૧૫૦ ફીટ રીંગ રોડ પર સ્ટર્લિંગ હોસ્પિટલ પાસે રૂ.૩૨.૩૨ લાખના ખર્ચે મોડેલ હોકર્સ ઝોન બનાવવાની કામગીરી ચાલુ છે. બજેટમાં ૦૯ ડસ્ટ ફ્રી રોડ તૈયાર કરવાની યોજનામાં અત્યારે રૂ. ૯૪.૩૯ લાખના ખર્ચે વોર્ડ નં.૧૦ પુષ્કરધામ મેઈન રોડનું કામ ચાલુ છે. વોર્ડ નં.૦૯ રૈયા રોડથી સાધુવાસવાણી રોડ પાટીદાર ચોક સુધી રૂ. ૧૪૭ લાખના ખર્ચે તૈયાર કરવાની કામગીરી ચાલી રહી છે. વોર્ડ નં.૧૧ મવડી મેઈન રોડનું  રૂ. ૧૪૧.૩૮ લાખનું કામ હાલ ચાલુ છે.

અન્ય કામો વિશે વાત કરતા મ્યુનિ. કમિશનરશ્રી બંછાનિધિ પાનીએ કહ્યું હતું કે, રૂ. ૭૦ લાખના ખર્ચે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં નવી ગેલેરીઓ બનાવવાનું કામ હાલ ચાલુ છે. રૂ. ૩૭ લાખના ખર્ચે વિદેશી વાંદરા બબુન માટે આધુનિક પાંજરું બનાવવાનું કામ હાલ ચાલુ છે. શહેરના તમામ ગાર્ડનમાં બાળકો માટે રૂ. ૨૦ લાખના ખર્ચે રમત-ગમતના સાધનો અને સિનીયર સિટીઝન્સ માટે કસરતના સાધનો વસાવવા માટેની કામગીરીમાં હાલે કામગીરીમાં વર્ક ઓર્ડર મુજબથી શહેરના ઇસ્ટ /વેસ્ટ ઝોન વિસ્તારના બગીચાઓમાં કામગીરી શરૂ કરવામાંઆવેલ છે. શહેરના ૦૫ મુખ્ય ચોકમાં રૂ. ૨૨ લાખના ખર્ચે એલ.ઈ.ડી. હાઈમાસ્ટ લાઈટો મુકવા માટેવર્ક ઓર્ડર આપેલ છે. કામગીરી ચાલુ છે.

કમિશનરશ્રીએ વિશેષમાં કહ્યું હતું કે, આજી રીવર રી-ડેવલપમેન્ટ પ્રોજેકટ આગળ ધપાવવાની કામગીરી ચાલી રહી છે જેમાં હાલ રૂ. ૭૦૦ લાખના ખર્ચે આજી નદી ઉપર હાઇલેવલ બ્રીજની તથા  નદીનાં બંને કિનારે ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર લાઈન નાખવાની કામગીરી ચાલુ કરેલ છે. વોર્ડ નં.૦૯માં વોર્ડ ઓફિસની સામે રૂ. ૪૫૦ લાખના ખર્ચે કોમ્યુનિટી હોલ બનાવવાના પ્રોજેકટમાં એજન્સી સાથે કરારનામું કરેલ છે અને કાર્ય વર્ક ઓર્ડર સ્ટેજ પર પહોંચી ગયું છે. ગોંડલ ચોકડી અને મવડી ચોકડી પર મોર્ડન પે એન્ડ યુઝ ટોઇલેટ્સ બનાવવા માટેની શરૂ થનાર છે.

૫૦૦ નવી સાઈકલ સાથે સાઈકલ શેરિંગ પ્રોજેકટ્સ ટેન્ડર પ્રક્રિયામાં છે. આ પ્રોજેકટ માટે રૂ. ૧૦૦ લાખની જોગવાઈ થયેલી છે. તેમજ ૧૦૦ ઈ-રિક્ષા ખરીદવા સખી મંડળને સબસિડીની જોગવાઈ અંગેની કામગીરી ગતિમાં છે. જયારે વોર્ડ નં.૮માં અમીન માર્ગ-૧૫૦ ફીટ રીંગ રોડ પાસે રૂ. ૨૦.૬૧ લાખના ખર્ચે હોકર્સ ઝોન બનાવવાની યોજનાની ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે.

વોર્ડ નં.૧૦ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી રોડનું રૂ. ૧૧૭.૧૩ લાખનું કામ તથા વોર્ડ નં.૧૦ વૃંદાવન રોડનું રૂ.૧૦૬ લાખનું કામ એસ્ટીમેટ મંજુરીની પ્રક્રિયામાં પહોંચી ગયું છે. સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૧૨ નંગ ટ્રક માઉન્ટેડ વેકયુમ સ્વીપીંગ મશીન ખરીદ કરવાનું સ્ટેન્ડિંગ કમિટીના ઠરાવથી મંજુર થયેલ છે. એજન્સીને વર્કઓર્ડર આપવામાં આવેલ છે અને કામગીરી ચાલુ થવાની તૈયારીમાં છે, તેમ પણ મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ ઉમેર્યું હતું.

નવા સ્કુલ બિલ્ડીંગ માટે ટેન્ડર તૈયાર છે તથા ફાઈલ ખર્ચ મંજુરીની પ્રક્રિયામાં છે. રૂ. ૧૫૪ લાખના ખર્ચે ૨૨ ઈ-ટોઇલેટ વસાવવાની કામગીરી હાલ વાટાદ્યાટ તબક્કે પહોંચી ચુકી છે. આગામી માસમાં ત્રણેય ઝોનમાં સ્વચ્છતા માટેની સ્પર્ધાનું આયોજન કરવામાં આવનાર છે.

કમિશનરશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, આમ્રપાલી રેલ્વે બ્રિજનાં પ્રોજેકટમાં રેલ્વે વિભાગ દ્વારા જણાવેલ સંપૂર્ણ ડીપોઝીટની રકમ ભરપાઇ કરવા માટેની પ્રક્રિયા પૂર્ણ થવામાં છે. જયારે ૧૫૦ ફૂટ રીંગ રોડ/નાના મવા ચોકડી ખાતે ઓવરબ્રીજ બનાવવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ છે. સોરઠીયાવાડી ઓવરબ્રિજ પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટ દ્વારા સર્વેની કામગીરી થઇ રહેલ છે. જયારે લક્ષ્મીનગર રેલ્વે અંડર પાસ બનાવવાના પ્રોજેકટ માટે રેલ્વે વિભાગને ડીપોઝીટથી કામગીરી કરવા જણાવેલ છે. રેલ્વે ડીવીઝન દ્વારા ડીઝાઇન, ડ્રોઇંગ તૈયાર કરી રેલ્વે મુખ્યાલય મુંબઇ ખાતે મંજુરી અર્થે મોકલવામાં આવેલ છે. ઉપરાંત હોસ્પીટલ ચોક પ્રોજેકટમાં હાલ ત્રીજી વખત આ કામનું ટેન્ડર વેબસાઇટ ઉપર મુકવામાં આવેલ છે.

(3:38 pm IST)