Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

રતનપરમાં મીરાએ ઝેર પી જીવ દીધો

એક માસની પુત્રી મા વિહોણી થઇઃ મુળ મધ્યપ્રદેશની પરિણીતા પતિ સહિતના પરિવારજનો સાથે વાડીમાં રહી મજૂરી કરતી'તીઃ કારણ અકળ

રાજકોટ તા. ૫: મોરબી રોડ પર આવેલા રાજકોટના કુવાડવા તાબેના રતનપરમાં પતિ સહિતના સ્વજનો સાથે વાડીમાં રહી મજૂરી કરતી મુળ મધ્યપ્રદેશની મીરા પરેશ ગણાવા (ઉ.૨૩) નામની આદિવાસી પરિણીતાએ ઝેર પી જીવનનો અંત આણી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

મીરાએ ગઇકાલે બપોરે ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી. પરંતુ સારવાર કારગત ન નિવડતાં સાંજે દમ તોડી દીધો હતો. તેણીના લગ્ન દોઢ વર્ષ પહેલા થયા હતાં. હજુ એક મહિના પહેલા જ તેણે દિકરીને જન્મ આપ્યો હતો. જે મા વિહોણી થઇ ગઇ છે.  પતિ પરેશ ગણાવા સહિતના પરિવારજનો રતનપર કાનબાપુની વાડીમાં રહે છે. પત્નિએ દવા શા માટે પીધી? તે અંગે પોતે અજાણ હોવાનું પરેશે રટણ કર્યુ હોઇ કુવાડવા પોલીસે તપાસ યથાવત રાખી છે.

(11:45 am IST)