Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અંકિતે છોકરીનો અવાજ કાઢી જયને છેતરી મળવા બોલાવી મારી નાખ્યો!

કાલંભડીમાં ચરખડીના ખાંટ યુવાન જયેશ ઉર્ફ જયની હત્યામાં તેની પ્રેમિકાના ભાઇ અંકિત સહિત ૪ શખ્સોને એલસીબીએ ઝડપી લઇ લોધીકા પોલીસને સોંપ્યાઃ હોસ્પિટલના બિછાનેથી હુમલામાં ઘાયલ મૃતકના પિત્રાઇ દિલીપે કહ્યું- જયને 'કાલંભડી બસ સ્ટેશનની સામે જ અમારી વાડી છે, ત્યાં આવજો' તેમ કહેતાં અમે બાઇક લઇને રાત્રે બે વાગ્યે પહોંચ્યા અને ટ્રોલી પડી છે એ વાડી જ છે ને?...તેની ખાત્રી કરી અંદર ગયા ત્યાં જ ચાર જણા તૂટી પડ્યાઃ પછી ખબર પડી કે ફોન છોકરીએ નહિ, અંકિતે કર્યો'તો : હત્યાનો ભોગ બનનાર ૧૭ વર્ષનો જય ગોંડલ આઇટીઆઇમાં ભણતો'તો અને માતા-પિતાનો એકનો એક પુત્ર હતો

રાજકોટ તા. ૫: લોધીકાના કાલંભડી ગામે પ્રેમિકાને મળવા ગયેલા ગોંડલના ચરખડીના ખાંટ યુવાનની હત્યામાં સામેલ પ્રેમિકાના ભાઇ સહિત ચાર શખ્સોને રૂરલ એલસીબીએ ઝડપી લઇ લોધીકા પોલીસને સોંપ્યા છે. તે સાથે એવી વિગતો સામે આવી છે કે હત્યાનો ભોગ બનનાર યુવાનને પ્રેમિકાએ નહિ, પણ તેણીના ભાઇએ જ છોકરીનો અવાજ કાઢી છેતરીને રાત્રીના સમયે જ મળવા આવવાનું કહી કાવત્રુ ઘડી પતાવી દીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ ગોંડલના ચરખડીમાં રહેતાં જયેશ ઉર્ફ જય કિશોરભાઇ વેગડવા (ઉ.૧૯) નામના ખાંટ યુવાનને લોધીકાના કાલંભડી ગામે પરમ દિવસે મોડી રાત્રે બે વાગ્યે પ્રેમિકાએ મળવા બોલાવતાં તે પોતાના પિત્રાઇ ભાઇ દિલીપ કાળુભાઇ વેગડવા (ઉ.૨૪)ની સાથે બાઇક લઇને કાલંભડી પહોંચતા અને ફોનમાં થયેલી વાત મુજબ તેની વાડીમાં અંદર જતાં જ પ્રેમિકાના ભાઇ સહિતનાએ લાકડી-કેબલથી બેફામ માર મારવામાં આવતાં જયનું મોત નિપજ્યું હતું.  હુમલામાં ઘાયલ થયેલા પિત્રાઇ ભાઇ દિલીપ વેગડવાને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તેણે જણાવ્યું હતું કે, જયને છોકરીએ રાત્રીના સમયે જ મળવા આવવાનું કહ્યું હતું. તેની સાથે ફોન પર વાત કર્યા બાદ અમે ત્યાં પહોંચ્યા હતાં. વાડીમાં જતાં અમારા પર હુમલો થયો હતો. એ પછી ખબર પડી હતી કે ફોન છોકરીએ નહિ, પણ તેના ભાઇ અંકિતે છોકરીનો અવાજ કાઢીને કર્યો હતો.

હોસ્પિટલના બિછાનેથી દિલીપ વેગડવાએ વધુમાં જણાવ્યું હતું કે મારા કાકાના દિકરા જયને કાલંભડીના અંકિત મગનભાઇ વરાણ (ખાંટ)ની બહેન સાથે પ્રેમસંબંધ હતો. જયને તેણીએ ફોન કરીને મળવા આવવાનું કહ્યું હતું. આથી જયએ મને સાથે આવવાનું કહેતાં હું તેને મારા બાઇક ઉપર બેસાડીને કાલંભડી સુધી લાવ્યો હતો. છોકરીએ જયને રાત્રીના સમયે જ કોઇપણ ટાઇમે આવવાનું કહ્યું હતું. અમે રાતે બે વાગ્યા આસપાસ કાલંભડી પહોંચ્યા હતાં. એ પછી છોકરીએ ગામના બસ સ્ટેશન સામે જ પોતાની વાડી છે ત્યાં અંદર જવા ફોનમાં ધીમા અવાજે વાત કરી હતી.

અમે બસ સ્ટેશન સામે વાડીએ પહોંચ્યા હતાં પછી જયએ ફરીથી ફોન કરી 'જે વાડીમાં ટ્રોલી પડી છે એ જ વાડી છે ને?' તેમ પુછી ખાત્રી કરતાં તેણીએ 'હા એ જ વાડી છે' તમે અંદર જાવ...એવું કહેતાં અમે અંદર જતાં જ અચાનક ચાર શખ્સોએ ઘેરી લીધા હતાં અને જય ઉપર જ લાકડી અને પ્લાસ્ટીકના કેબલથી હુમલો કરી બેફામ માર મારી ગાળો દીધી હતી. હું વચ્ચે બચાવવા પડતાં મને પણ બેફામ માર માર્યો હતો અને મારો તથા જયનો મોબાઇલ ફોન પણ બળજબરીથી પડાવી લીધો હતો. છોકરી ત્યાં હતી જ નહિ.  એ પછી અમને છોડી દેતાં હું જયને બાઇકમાં બેસાડી ડેરૈયા ગામ પાસે પહોંચતા જય બેભાન થઇ ગયો હતો. મેં પરિવારજનોને જાણ કરી તી. ત્યાં જયએ દમ તોડી દીધો હતો.

જયના પિતા કિશોરભાઇ વેગડવા ખેતી કરી ગુજરાન ચલાવે છે. જય એક બહેનથી નાનો અને માતા-પિતાનો એકનો એક લાડકવાયો હતો. તે ગોંડલ આઇટીઆઇમાં અભ્યાસ કરતો હતો.

લોધીકા પોલીસે દિલીપ કાળુભાઇ ઉર્ફ હસમુખભાઇ વેગડવા (ઉ.૨૪)ની ફરિયાદ પરથી અંકિત મગનભાઇ વરાણ, વિશાલ રમેશભાઇ વરાણ, નરવિન સોમાભાઇ વરાણ અને ગજેન્દ્ર ઘુસાભાઇ વરાણ સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૩૦૨, ૩૯૨, ૧૧૪, ૩૭ (૧), ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો હતો. આ ચારેય આરોપીઓને એલસીબીના પી.આઇ. એમ.એન. રાણા તથા પીએસઆઇ એચ. એ. જાડેજા સહિતે ઝડપી લીધા છે. પોલીસ પુછતાછમાં અંકિતે એવી કેફીયત આપી હતી કે તેની બહેનના પ્રેમીને પોતે જ છોકરીનો અવાજ કાઢીને ફોન કરી મળવા બોલાવી પતાવી દીધો હતો. લોધીકા પીએસઆઇ એચ. એમ. ધાંધલે ચારેયની વધુ પુછતાછ હાથ ધરી છે.

(3:38 pm IST)