Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

તંત્રનું ઓરમાયુ વર્તન

વોર્ડ નં. ૧૫માં વિકાસ કામો નથી થતાઃ વિપક્ષી નેતા

બોક્ષગટર, કોમ્યુનિટી હોલ, ભૂગર્ભ ગટર, સિમેન્ટ રોડ, પાણીની લાઈન, મેટલીંગ રોડ સહિતના પ્રજાલક્ષી કામોની ફાઈલો દબાવી દેવાઈઃ સીટી ઈજનેર વિરૂદ્ધ મ્યુ. કમિશ્નરને ફરિયાદ કરતા વોર્ડ નં. ૧૫ના કોંગી કોર્પોરેટરો

રાજકોટ, તા. ૪ :. શહેરના વોર્ડ નં. ૧૫ પ્રત્યે મ્યુ. કોર્પોરેશનના તંત્ર વાહકો ઓરમાયુ વર્તન રાખીને પ્રજાલક્ષી વિકાસ કામો નહીં કરતા હોવાના આક્ષેપો વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠિયા સહિત વોર્ડ નં. ૧૫ના તમામ કોંગી કોર્પોરેટરોએ લગાવ્યા છે અને આ બાબતે આ વોર્ડનું કાર્યક્ષેત્ર સંભાળતા સીટી ઈજનેર વિરૂદ્ધ મ્યુ. કમિશ્નરને પત્ર પાઠવી ફરીયાદ કરી છે.

આ ફરીયાદમાં વોર્ડના કયા - કયા કામો નથી થયા ? તેની વિગતો રજૂ કરી છે.

આ અંગે રાજકોટ મહાનગરપાલિકાના વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની  યાદી જણાવે છે કે હાલ રાજકોટ મનપાના ઈસ્ટઝોન કચેરીના સીટી ઇનજેર ચિરાગભાઈ પંડ્યા હાલ ફરજ બજાવી રહ્યા છે ને અમારા વોર્ડ નં.૧૫ તરફ ઓરમાયું વર્તન કરી રહ્યા હોય તેવું ચારેય કોર્પોરેટરને અને વોર્ડ નં.૧૫ની જનતાને દેખાય છે જેના પુરાવા સાથે કમિશ્નરશ્રીને પણ લેખિતમાં આ બાકી કામો ની અંગે પત્ર પણ આપેલ છે.

જેમાં જણાવાયુ છે કે, થોરાળા પોલીસ સ્ટેશનથી આજી નદી સુધીનો વોંકળાની ય્ઘ્ઘ્ બોક્ષ ગટર (બાંધવાનો છે) સીટી ઈજનેરશ્રીએ રૂબરૂ ચર્ચા કરવા તા.૩૧/૦૮/૨૦૧૮ થી આજદિન સુધી કોઈ જ નિર્ણય કરેલ નથી અને કોઈ જ ચર્ચા કરેલ નથી ફાઈલો ના નોટિંગ પાનાંમાં કોઈ જ વિગત લખેલ નથી.

ગંજીવાડા શેરી નં.૨૯માં કોમ્યુનીટી હોલ બનાવવાનું કામ ફાઈલ નં.૫૨૨/૧૭-૧૮ તા.૧૪ ડિસેમ્બર ૨૦૧૭ સીટી ઈજનેર પાસે છે જે આજદિન સુધી નિકાલ કરવામાં આવેલ નથી.૮૦ ફૂટના રોડ ઉપર વોર્ડ ઓફીસ બનાવવાનું કામ ટેન્ડર થઇ ગયા બાદ આ કામે એગ્રીમેન્ટ તા.૧૨જુલાઇ ૨૦૧૮ના રોજ થયું છે જે હજુ પણ સીટી ઈજનેરશ્રીએ પ્લાનીંગ માં ફેરફાર કરવા બાબતે હજુસુધીમાં કોઈ જ નિર્ણય કરેલ નથી અને કોન્ટ્રકટર  દ્વારા તા.૦૨જુલાઇ૨૦૧૯ના રોજ કામ કરવાની નાં પડેલ છે.

ગંજીવાડાની ડ્રેનેજ લાઈનનું કામ વર્ષ ૨૦૧૬/૧૭ની ફાઈલ વારંવાર યેનકેન પ્રકારે ઠેગે ચડાવી હજુ સુધીમાં કોઈ નિર્ણય લેવામાં આવેલ નથી ખોટી રીતે નિર્ણય લઇ આ કામે પાઈપ ઉપર બીજો પાઈપ નાખી ઉલટાના પ્રશ્નો સર્જી છેલ્લે ડ્રેનેજ લાઈન નું કામ હાલ સીટી ઈજનેરશ્રીની ઓફીસમાં પેન્ડીંગ પડેલ છે. ભારત નગરમાં સીસી રોડ અને પેવિંગ બ્લોક નાખવાનું કામ ફાઈલ નં.૪૭૩ વર્ષ૨૦૧૮-૧૯ નું ટેન્ડર થઇ ગયા હોવા છતાં ભાવો પણ આવી ગયા હોય તેમ છતાં  આ કામનું રી-ટેન્ડર કરવાની પેરવી કરી રહ્યા છે જેના હિસાબે આ વિસ્તારના લોકોને સીટી ઈજનેરના અક્કડ વલણના કારણે ફરી બે-ત્રણ વર્ષ રાહ જોવી પડશે.નેશનલ હાઈવે આજી નદી થી ખોખડદળ નદીના પુલ સુધી પાણીની પાઈપલાઈનનું કામ ફાઈલ નં.૫૩૨ વર્ષ ૨૦૧૮-૧૯ હજુ તમામ પ્રોસીઝર પૂરી થઇ ગઈ હોવા છતાં કામ ચાલુ કરાવતા નથી. દૂધસાગર રોડ ચુનારાવાડના પુલ નું કામ અમારા ઉપવાસ આંદોલન પછી તત્કાલન કમિશ્નર શ્રી એ મંજુર કરેલ જે કામ છેલ્લા ત્રણ વર્ષ થી ચાલુ છે જે હજુ સુધી પૂરું કરવામાં આવેલ  નથી.  અવધપાર્કની બાકીની શેરીનું મેટલીંગ કામ જે ફાઈલ નં.૪૦ વર્ષ ૧૨-૧૩ની છે જેની એક શેરી ને બાદ કરતા તમામ શેરીઓનું કામ થઇ ગયેલ છે. આ અવધ પાર્કમાં ડ્રેનેજ પાણી લાઈટ , ૮૦ ટકા મેટલીંગ કામ ફકત ૨૦ કામ બાકી છે જે યેનકેન પ્રકારે ટલ્લે ચડાવવામાં આવે છે આ શેરી માંથી ક્રિશ્ના પાર્ક, અવધ પાર્ક , ન્યુ સર્વોદય સોસાયટી ની અમુક શેરીઓમાં જવા માટેનો મુખ્ય માર્ગ છે પરંતુ, આ ફાઈલ પ્રત્યે દુર્લક્ષ સેવવામા આવે છે.

આમ આ ઉપરોકત કામો વોર્ડ નં.૧૫ના ચારેય કોર્પોરેટરો વશરામભાઈ સાગઠીયા, મકબુલભાઈ દાઉદાણી, ભાનુબેન સોરાણી, માંસુબેન હેરભા દ્વારા અવારનવાર રજુઆતો કરવા છતાં ભાજપ તરફથી કોંગ્રેસના વોર્ડમાં કામ અધિકારીઓ દ્વારા કામ નહી કરી ઓરમાયુ વર્તન રાખી રહ્યા હોય તેવું પ્રથમ નઝરે દેખાય છે તેવો આક્ષેપ યાદીનાં આક્ષેપ અંતે કર્યો છે.

(3:33 pm IST)