Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ભાજપમાં નારાજગી યથાવતઃ બેઠકમાં કોર્પોરેટરોની પાંખી હાજરીથી નિરૂત્સાહ

'સંપર્ક સે સમર્થન' અભિયાનની મીટીંગમાં ૩૯ પૈકી ૨૫થી ૩૦ જેટલા જ નગર સેવકો ઉપસ્થિત રહ્યા

ભાજપના કોર્પોરેટરની બેઠકની કેટલીક તસ્વીરો સોશ્યલ મિડીયા પર વહેતી થઇ હતી તે પૈકીની તસ્વીર જોઇ શકાય છે.

રાજકોટ તા.૫: મ્યુનિ. કોર્પોરેશનમાં નવા પદાધિકારીઓની વરણી બાદ શહેર ભાજપમાં એક પછી એક પાંચ થી છ કોર્પોરેટરો જાહેરમાં નારાજગી વ્યકત કરી હતી જો કે બાદમાં તેઓને મનાવી લેવાયાનું જાહેર થયુ હતુ પરંતુ આમ છતા ભાજપમાં આજે પણ કેટલાક કોર્પોરેટરોની નિષ્ક્રિયતા બહાર આવી રહી છે. કેમ કે, પક્ષના કાર્યક્રમો અને બેઠકમાં કોર્પોરેટરોની પાંખી હાજરીથી નારાજગી અને નિરૂત્સાહી વાતાવરણની ચર્ચા એરણે ચડી છે.

દરમિયાન પ્રદેશ હાઇકમાન્ડના આદેશથી મહાનગરોમાં કોર્પોરેટરોને પક્ષને સર્મથીત મતદારનો સંપર્ક સાધવા માટે 'સંપર્ક સે સમર્થન ' અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે.જે અંતર્ગત ગઇકાલે સાંજે શહેર ભાજપ કાર્યાલયમાં એક માર્ગદર્શક બેઠક યોજાય હતી.પરંતુ આ બેઠકમાં ભાજપના ૩૯ કોર્પોરેટરો પૈકી માત્ર  ૨૫થી ૩૦ જેટલા કોર્પોરેટરો જ હાજર રહ્યાનું જાણવા મળ્યુ છે.આમ મહત્વની બેઠકમાં પણ કોર્પોરેટરોની પાંખી હાજરીથી શહેર ભાજપમાં હજુ નારાજગી નો દોર યથાવત હોવાની ચર્ચા ભાજપ વર્તુળમાં જાગી છે.

નોંધનીય છે કે, હાલમાં કોંગ્રેસનાં ધારાસભ્ય અને પ્રદેશ આગેવાન કુંવરજીભાઇ બાવળીયાના ભાજપ પ્રવેશથી પણ રાજકોટ ભાજપમાં જબ્બરો કચવાટ ફેલાયો છે ત્યારે શહેર ભાજપમાં આગામી દિવસોમાં મોટી નવા જુનીના અંધાણ દર્શાય રહ્યા છે.(૨૮.૧)  

(5:14 pm IST)