Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સદર વિસ્તારમાં વાહનચોર બેફામઃ ગઠીયો પગપાળા આવ્યો ને નિરાતે સ્કૂટી ચોરીને ભાગી ગયોઃ સીસીટીવી ફૂટેજને આધારે પ્ર.નગર પોલીસે ઝડપી લેવા ઝાળ બીછાવી

રાજકોટઃ સદર વિસ્તારમાં વાહન ઉઠાવગીર બેફામ બન્યા હોય તેમ ધોળે દિવસે વાહનચોરીના બનાવ શરૂ થયા છે. આ બાબતે પ્ર.નગર પોલીસને જાણ થતાં પી.આઇ. બી.એમ. કાતરીયાએ ડી. સ્ટાફની ટીમને વાહનચોરને ઝડપી લેવા કામે લગાડી છે. 'અકિલા દૈનિક' કાર્યાલય પાસેથી જ આજે બપોરે પોણા બાર આસપાસ એક સ્કૂટી ચોરી જવાયું છે. ઉઠાવગીર ગઠીયો આશરે ૨૦ થી ૨૨ વર્ષનો ભીલવાસ ચોક શ્રી રોકડીયા હનુમાનજી મંદિર તરફથી ચાલીને આવે છે અને અકિલા કાર્યાલય બહાર પાર્ક કરાયેલા સ્કૂટીમાં ચાવી લગાવવા પ્રયાસ કરે છે. એ પછી થોડો દુર જાય છે અને ફરીથી સ્કૂટી પાસે આવે છે અને નિરાંતે પાર્કિંગમાંથી બહાર કાઢીને સ્કૂટીને દોરીને આગળ પાર્ક કરાયેલી કાર પાછળ લઇ જાય છે. ત્યાંથી ચાલુ કરી ફરીથી જે તરફથી આવ્યો હતો એ તરફ એટલે કે ભીલવાસ તરફ ભાગી જાય છે. ઉઠાવગીરની આ તમામ હરકતો સીસીટીવી કેમેરામાં કેદ થઇ છે. પોલીસે આ ફૂટેજ મેળવીને તેના આધારે આ ઉઠાવગીરને પકડી લેવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તસ્વીરોમાં ઉઠાવગીર આવે છે અને સ્કૂટી લઇને ભાગે છે ત્યાં સુધીનો ઘટનાક્રમ જોઇ શકાય છે. તસ્વીરમાં દેખાતા આ શખ્સની કોઇને માહિતી મળે તો પોલીસને અથવા મો. નં. ૯૮૨૪૪ ૫૬૨૬૬ ઉપર જાણ કરવા જણાવાયું છે. (૧૪.૧૫)

(5:09 pm IST)