Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ચોમાસામાં સ્વચ્છનગર અભિયાન

કાલથી દરરોજ ૧ વોર્ડમાં સર્વાંગી સફાઇ ઝુંબેશ : ઉદય કાનગડ

દરરોજ ૧ વોર્ડમાં જેસીબી - ડમ્પરો - કામદારોની ટુકડીઓ દ્વારા ડ્રેનેજ - ન્યુ સન્સ પોઇન્ટ - રસ્તાઓ - ખુલ્લા પ્લોટની સફાઇ થશે : સ્ટેન્ડીંગ ચેરમેન કાનગડ - સેનીટેશન ચેરમેન અશ્વિન ભોરણિયા, આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરના માર્ગદર્શન હેઠળ તમામ ૧૮ વોર્ડમાં 'વન ડે વન વોર્ડ' ઝુંબેશ

રાજકોટ તા. ૫ : ચોમાસાની ઋતુમાં રોગચાળો વકરે નહી તે માટે આવતીકાલથી દરરોજ એક વોર્ડમાં સર્વાંગી સફાઇ એટલે કે ભૂગર્ભ ગટર, ખુલ્લા પ્લોટ, ન્યુ સન્સ પોઇન્ટ, રસ્તાઓ સહિતના સ્થળોએ સફાઇ અને દવા છંટકાવની ઝુંબેશાત્મક કાર્યવાહી મ્યુ. કોર્પોરેશન દ્વારા થનાર છે.

 

સ્ટેન્ડિંગ ચેરમેન ઉદયભાઈ કાનગડ, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, સેનિટેશન ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયાએ એક સંયુકત યાદીમાં જણાવ્યા મુજબ રાજકોટ સ્વચ્છ રાજકોટ સ્વસ્થ રાજકોટ રહે તે ધ્યાનમાં રાખી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'વન ડે વન વોર્ડ' સ્વચ્છતા તથા આરોગ્યલક્ષી ઝુંબેશ શહેરના તમામ વોર્ડમા યોજાય તેવું આયોજન કરવામાં આવેલ છે.

આ ઝુંબેશ દરમ્યાન સંબંધિત વોર્ડના કોર્પોરેટર, મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી, સંબંધિત વોર્ડના આસી.કમિશનર, પર્યાવરણ ઈજનેર, મદદનીશ પર્યાવરણ ઈજનેર, વોર્ડ ઓફિસર, વોર્ડ એન્જીનીયર, એસ.આઈ., એસ.એસ.આઈ., તથા મેલેરિયા વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહેશે.

આ ઝુંબેશ દરમ્યાન ખુલ્લા પ્લોટમાં એકઠો થયેલ કચરો જે.સી.બી. તથા ડમ્પર વિગેરે મારફત નિકાલ કરવામાં આવશે. આ ઉપરાંત સખી મંડળો દ્વારા કરવામાં આવતી સફાઈનું કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવશે. સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના અધિકારીઓ દ્વારા દરેક સ્થળોએ સ્વચ્છતાની જાળવણી માટે લેવાના પગલા અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. વોર્ડ વિસ્તારમાં કચરાના ઢગલા જરૂરિયાત મુજબ મીની ટીપર, જે.સી.બી. કે ટ્રેકટર મારફત ઉપડાવવામાં આવશે. શહેરના ન્યુસન્સ પોઈન્ટ ઉપરથી કાયમી ધોરણે કચરો ઉપાડવા માટે બપોરબાદ મીની ટીપરની કામગીરી ચાલુ રખાવવામાં આવશે. તેમજ જે કોઈ રસ્તા પર સ્વીપીંગ મશીનથી રાત્રી સફાઈની કામગીરી કરવામાં આવે છે. તે રાત્રીના ૧૦ થી સવારના ૮ સુધી ચાલુ રહે તે પ્રમાણે કામગીરી હાથ ધરવામાં આવશે. સાથો સાથ આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લોકોના ઘેર ઘેર ફરી પાણીના ટાંકામાં દવા નાખવાનીં કામગીરી, મોટા અને ખુલ્લા પાણીના ટાંકામાં પોરાભક્ષક ગપ્પી માછલી મુકવાની કામગીરી, મેલેરિયાની ટીમ દ્વારા દરેક ઘરમાં તથા જાહેર શેરી અને રસ્તામાં ફોગીંગનિ કામગીરી હાથ ધરવામાં આવશે. લોકો આરોગ્ય માટે જાગૃત બને તે માટે પત્રિકા વિતરણની કામગીરી પણ હાથ ધરવામાં આવશે.

અંતમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીએ આ સફાઈ ઝુંબેશમાં સહયોગ આપવા શહેરના નાગરિકોને અપીલ કરેલ છે.(૨૧.૨૬)

 

(5:08 pm IST)