Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

હું આત્મકથા છુઃ શનીવારે ઉજવાશે આત્મકથાનો ઉત્સવ

ગુજરાતી ભાષાની કેટલીક આત્મકથાના અંશોનું થશે મંચનઃ ફિલ્મ નિર્માણની કંપની સેવન્થ સેન્સ કન્સેપ્ટનો પણ સહયોગઃ કોઇ પાસ,રજિસ્ટ્રેશન વગર, વિનામૂલ્યે-વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશઃ ગુજરાતની પાંચ વિભૂતિ પાત્રોના રૂપમાં કરશે વાત અને ગુજરાતી આત્મકથા કહેશે પોતાની કથાઃ પત્રકાર જવલંત છાયાની પરિકલ્પના-લેખન અને રક્ષિત વસાવડાના : દિગ્દર્શનને સાકાર કરશે રાજકોટના નિવડેલા કલાકારોઃ જીવંત કળા ઉપરાંત ઓડિયો-વિઝયુલ માધ્યમથી રજૂ થશે નર્મદ, મણિલાલ : દ્વીદેવી, ગાંધીજી, ક.મા.મુનશી, ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાના અંશ

રાજકોટ, તા. ૫ : રાજકોટમાં અવાર નવાર ઉજવાતા વિશિષ્ટ સાહિત્યિક કાર્યક્રમો, રંગભૂમિના અનેક પ્રયોગમાં ઉમેરો કરતો પણ થોડો નવો અને નોખો પ્રયોગ તા.૭મી જુલાઈ શનિવારે રાત્રે ૯ વાગ્યે હેમુગઢવી હોલના મીની થિયેટરમાં થશે. ગુજરાતી ભાષામાં આત્મકથા લખાઈ એને ૧૫૧ વર્ષ થયા એ નિમિતે રાજકોટના કેટલાક ભાષાપ્રેમી મિત્રોએ આ કાર્યક્રમનું આયોજન કર્યુ છે. ગુજરાતી ભાષામાં લખાયેલી આત્મકથા પૈકી મહત્વની અને શાશ્વત ગણી શકાય એવી પાંચ આત્મકથા પસંદ કરી એના અંશ લેવાયા છે. કોઈને કોઈ કલાકાર એ આત્મકથા લખનારનું પાત્ર ભજવશે. કાર્યક્રમનું નામ છે હું આત્મકથા છું. એટલે આ શોમાં ગુજરાતી આત્મકથા પોતે પણ પોતાના ૧૫૨ વર્ષની વાત કરશે.

સાહિત્ય અને રંગમંચ બંનેના સમન્વય સમાન આ શોમાં ઘણા નવા પ્રયોગ છે. ગુજરાતના મોટા ગજાના શકાય એવા આ પાત્રોને લઈને અલગ અલગ નાટક કે મંચન અનેક વાર પ્રતિષ્ઠિત કલાકાર, સંસ્થાએ કરીને આ બધાને અંજલી આપી છે. પરંતુ પાંચ વ્યકિતની આત્મકથા ના્ટય રૂપાંતર સ્વરુપે પ્રથમ વાર મંચ પર આવશે. હું આત્મકથા છુંનું સમગ્ર વિચારમંથન ચિત્રલેખા સામયિકના રાજકોટ સ્થિત પત્રકાર, લેખક જવલંત છાયાનું છે. એમણે પોતે પોતાની આ પરિકલ્પનાને થોડાં સંશોધન અને સંકલન બાદ લેખનનું સ્વરુપ આપ્યું છે. ગુજરાતી આત્મકથા પોતે પોતાની વાત કરે, કયા સમયમાં એને કયા લેખકે કેવી રીતે વાચક સમક્ષ મુકી એવી કથની કહે અને વચ્ચે વચ્ચે પાંચ મહાનુભાવોની આત્મકથાના અંશ આવતા જાય.

વીર નર્મને ૧૫૧ વર્ષ પહેલાં આત્મકથા લખી હતી. ત્યારથી આ શોની શરુઆત થશે. નર્મદ પછી જાણીતા સાક્ષર,વિદ્વાન અને તત્વચિંતક મણિલાલ ન, દ્વીવેદી, ક.મા. મુનશી, મહાત્મા ગાંધી અને ચંદ્રકાન્ત બક્ષીની આત્મકથાના અંશ અહીં લેવાયા છે. દરેક પાત્રને અનુરુપ વીડીયો કલીપીંગ, સંગીત, સુંદર લાઇટીંગ અને આકર્ષક સેટિંગ્સ આખી વાતને રસપ્રદ બનાવશે.

જવલંત છાયાની સ્ક્રીપ્ટને દિગ્દર્શન દ્વારા સુંદર રીતે નાટ્યરુપે ઢાળી છે રાજકોટના જાણીતા નાટ્યકલાકાર, દિગ્દર્શક રક્ષિત વસાવડાએ. છેલ્લા ૨૦ વર્ષના પોતાના રંગભૂમિના અનુભવનો નિચોડ એમણે આ શોમાં આપ્યો છે. એ પોતે પણ બે પાત્ર ભજવશે. આત્મકથા આમ તો પહેલો પુરુષ એક વચનમાં લખાયેલી વાત હોય. પણ અહીં એનું મૂળ જાળવીને કંઇ ફેરફાર વગર આ કલાકાર પોતે એ પાત્ર ભજવશે. આ અંગે જવલંત છાયા જણાવે છે કે આત્મકથાના અંશમાં એક પણ શબ્દનો ફેરફાર કરાયો નથી. જે પુસ્તકમા છે એ જ  વાત એ પાત્રના મુખે લેવાઇ છે. દરેક વિભૂતિના જીવનના અત્યંત મહત્વના પ્રંસગ આવરી લેવાયા છે. જો કે આ આખું આયોજન સમગ્ર ટીમને આભારી છે. મેં તો સ્ક્રીપ્ટ લખવા સિવાય કંઇ કર્યું નથી.

હું આત્મકથા છુંમાં રક્ષિત વસાવડા, હર્ષિત ઢેબર, હિતાર્થ ભટ્ટ અને દેવર્ષ ત્રિવેદી અલગ અલગ પાત્રોમાં દેખાશે. સમગ્ર વાતને સંચાલન-સંકલનના તાંતણે બાંધશે આકાશવાણી રાજકોટના ઉદઘોષિકા કાનન છાયા. કળા નિર્દેશન અને સેટિંગ્જ કેયુર અંજારિયાએ કર્યાં છે. લાઇટીંગ અને બેકસ્ટેજની અન્ય જવાબદારી યુવા કલાકાર ચેતસ ઓઝા સંભાળશે એમને સહાય કરશે બિરદ છાયા. સંગીત સંચાલન કુ. ઘટા વસાવડા કરશે. જાણીતા લેખક અભિમન્યુ મોદીએ પણ સહાયક ભૂમિકા ભજવી છે. મેકઅપનો કસબ રાકેશ કડિયા અજમાવશે.

સમગ્ર શોનું નિર્માણ જવલંત છાયાનું છે જયારે નિર્માણ સહયોગ જાણીતા ફિલ્મ દિગ્દર્શક અને ક્રિએટિવ કાર્યો માટે જાણીતા એવા હારિતઋષિ પુરોહિત અને એમની સેવન્થ સેન્સ કન્સેપ્ટ્સ કંપનીએ કર્યો છે. શોનું ઇનોવેટિવ પ્રચાર-પ્રસારનું કામ, સોશિયલ મીડિયા પર થઇ રહેલી સુંદર પબ્લિસિટી પણ સેવન્થ સેન્સ દ્વારા થઇ છે.

રાજકોટમાં આવો અભિનવ પ્રયોગ પહેલીવાર થઇ રહ્યો છે. કોઇ પ્રવેશ ફી, કોઇ પાસ કે કાર્ડ,નિમંત્રણ આ કાર્યક્રમ માટે રખાયાં નથી. પ્રથમ એક હરોળ ખાલી રાખીને વહેલો તે પહેલોના ધોરણે કોઇ પણ વ્યકિત-ભાષાપ્રેમી-ભાવક આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવી શકે છે. આત્મકથા જેવા સાહિત્યસ્વરૂપની ચર્ચા જ ઓછી થાય છે ત્યારે એને આમ નાટકનું રૂપ આપી, રંગમંચના તમામા પાસાંનો સુંદર ઉપયોગ કરીને ભાવકો સમક્ષ પહોંચાડવાનો આ અભિગમ તદ્દન નવો છે. રાજકોટમાં આવો કાર્યક્રમ અગાઉ થયો નથી. વાંચન-સાહિત્યમાં રસ ધરાવતા સૌ કોઇ આમાં સાદર નિમંત્રિત છે.

તસ્વીરમાં ''અકિલા'' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે શ્રી જવલંતભાઈ છાયા (મો.૯૯૦૯૯ ૨૮૩૮૭) તેમજ યુવા ટીમ નજરે પડે છે. (તસ્વીરઃ વિક્રમ ડાભી)

(5:00 pm IST)