Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

આહીર બોર્ડીંગના બઘડાટી પ્રકરણના કેસમાં થયેલ ફરીયાદ રદ કરવા હાઇકોર્ટનો હુકમ

રાજકોટ, તા. પ : અત્રે ભકિતનગર સ્ટેશન પ્લોટ પાસે આવેલ આહીર બોર્ડીંગ પાસે ગેરકાયદેસર મંડળી રચી પ્રાણઘાતક હથીયારો સાથે મૃત્યુ નિપજાવવાની કોશિષ કરવાના ગુન્હામાં પક્ષકારો વચ્ચે સમાધાન થતા ગુજરાત હાઇકોર્ટ દ્વારા ફરીયાદ રદ કરવાનો હુકમ કરેલ હતો.

સને ર૦૧૬માં ધુળેટીના તહેવાર નિમિતે છાત્રાલયના છાત્રો હોળી રમતા હોય તે દરમ્યાન આરોપીઓએ એક સંપ કરી ગેરકાયદેસર મંડળી રચી તલવાર, છરી બેઝબોલના ધોાકા તથા પાવડા ત્રિકમના લાકડાના હાથા જેવા પ્રાણઘાતક હથીયારો ધારણ કરી બોર્ડીંગમાં પ્રવેશ કરતા જે અંગેની ફરીયાદ દેશાભાઇ લક્ષ્મણભાઇ ચાવડા દ્વારા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવેલ અને વિજય પ્લોટના રહીશો ત્રેવીસ (ર૩) સામે ગુન્હાનું ચાર્જશીટ કરવામાં આવેલ.

આ કામમાં ફરીયાદી તથા ઇજા પામનારા અને આરોપીઓ વચ્ચે બન્નેની જ્ઞાતિના વડીલો અને સમાજના અગ્રગણ્ય લોકોએ આ પ્રકરણની કાયમી ધોરણે અંત લાવવા અને સુખ નિવેડો લાવવા માટે લોક અદાલતના અભિગમને ધ્યાને લઇને અને પક્ષકારોની કુમળી વયને લક્ષમાં લઇને અને અભ્યાસ કરતા બાળકોની ભાવી કારર્કીદીને લક્ષમાં લઇને ત્વરીત કાર્યવાહીઓ કરવાનું નક્કી કરવામાં આવેલ.

આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં ફરીયાદ રદ કરવા માટેની કાર્યવાહી કરેલ જેમાં ફરીયાદી તથા ઇજા પામનાર સાહેદો હાજર રહીને પક્ષકારો વચ્ચે સુખદ નિવેડો આવેલ હોવાની રજૂઆત કરેલ.

આ કામમાં પક્ષકારોની રજૂઆતો ધ્યાને લઇને તેમજ આરોપીઓ તરફે એડવોકેટશ્રી કૃણાલ એલ. શાહીએ સુપ્રીમ કોર્ટના ચુકાદાની કાયદાકીય પરિસ્થિતિ રજૂ કરીને ફરીયાદ રદ કરવા માટે વિનંતી કરેલ.

આ કામમાં પક્ષકારોની રજૂઆત રેકર્ડને લક્ષમાં લઇ ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિશ્રી એસ.એચ. વોરા એવા મંતવ્ય પર આવેલ કે જયારે ફરીયાદી પ્રોસીકયુશનના કેસને સમર્થન આપતા નથી અને જેઓએ સમાધાન અંગેનું સોગંદનામુ રજૂ કરેલ છે, જેથી ફરીયાદ સફળ થવાના સંજોગો ન હોય જેથી સમય, નાણાનો વ્યય કેસ ચલાવવા પાછળ થાય તેમ હોય જેથી ફરીયાદ રદ કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ તરીકે શ્રી કૃણાલ એલ. શાહી રોકાયેલ હતાં.(૮.૧પ)

(4:58 pm IST)