Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

સુરેશ તો ભારે ગરમ હો...ઘરવાળીને પડતી મુકી પોલીસમેનને ઢીકો મારી લાતો ફટકારી!

આંબેડકરનગરમાં પત્નિ સાથે ઝઘડતા શખ્સને સમજાવવા જતાં પોલીસમેનની ફરજમાં રૂકાવટ : કોન્સ્ટબેલ અજયભાઇ ડાભીની ફરિયાદ પરથી સુરેશ ભોજાણી સામે થોરાળા પોલીસે કરી કાર્યવાહી

રાજકોટ તા. ૫: એંસી ફુટ રોડ પર કાનાભાઇના મફતીયાપરા આંબેડકરનગરમાં સ્મશાન પાસે રહેતાં સુરેશ નાથાભાઇ ભોજાણી નામના વણકર શખ્સે પોતાની પત્નિ સાથે ઝઘડો શરૂ કર્યો હોઇ થોરાળા પોલીસ મથકના કોન્સ્ટેબલ કોલ મળવાથી ત્યાં જતાં આ શખ્સને સમજાવતાં પત્નિ સાથેનો ઝઘડો પડતો મુકી પોલીસમેનની સામે થઇ ગયો હતો અને ગાળો દઇ છાતીમાં ધૂંબો મારી દઇ તેમજ પગમાં લાતો ફટકારતાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.

બનાવ અંગે પીએસઆઇ કે. કે. પરમારે થોરાળાના કોન્સ. અજયભાઇ ભીખાભાઇ ડાભીની ફરિયાદ પરથી સુરેશ નાથાભાઇ ભોજાણી (વણકર) (ઉ.૩૫) સામે આઇપીસી ૩૩૨, ૩૨૩, ૫૦૪ મુજબ ગુનો દાખલ કર્યો છે. કોન્સ. અજયભાઇના કહેવા મુજબ ગઇકાલે પોતે પોલીસ મથકમાં નોકરી પર હતાં ત્યારે સાંજે સવા ચારેક વાગ્યે કોલ આવ્યો હતો કે આંબેડકરનગર કાનાભાઇના મફતીયાપરામાં સ્મશાન પાસે મહિલા હેલ્પ લાઇનની ૧૮૧ ગાડી પતિ-પત્નિના ઝઘડાની રાવ સંદર્ભે આવી છે અને સુરેશ ભોજાણી નામનો શખ્સ તેની પત્નિ સાથે ઝઘડો કરે છે. આથી પોતે પીસીઆર વેન લઇને ત્યાં જતાં સુરેશ ભોજાણી નામનો શખ્સ તેના ઘરના ફળીયામાં હોઇ તેને ઝઘડા બાબતે પુછતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને પોતાને છાતીમાં ધૂંબો મારી દઇ તેમજ પગમાં લાતો ફટકારી ગાળો દઇ ફરજમાં રૂકાવટ કરી હતી.

નશો પણ કરેલો હોઇ અલગ ગુનો નોંધાયો

આ શખ્સ નશો કરેલી હાલતમાં પણ હોઇ તે અંગે અલગથી ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પી.આઇ. એસ. એન. ગડુની રાહબરી હેઠળ પીએસઆઇ પરમારે આ શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી કરી કાયદાનું ભાન કરાવ્યું છે.

(12:54 pm IST)