Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

વિનામુલ્યે નીકળતાં 'મા અમૃતમ્ કાર્ડ' રૂ.૧૫૦૦માં કાઢી આપતાં ધવલની શોધ

કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડો. મનિષ ચુનારાની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યોઃ બેડીનાકા પાસે બાલાજી કોલ્ડ્રીંકસનો સંચાલક કિશોરભાઇ ગોરવાડીયા કાર્ડ કાઢી આપનારા ધવલ વતી નાણા સ્વીકારતો હતો

રાજકોટ તા. ૫: સરકારશ્રીની 'મા' યોજનના અમૃતમ્ કાર્ડ કે જે બે લાખ સુધીની આવક ધરાવતાં લોકોને વિનામુલ્યે કાઢી આપવામાં આવે છે તે કાર્ડ એક શખ્સ રૂ. ૧૫૦૦ લઇને કાઢી આપતો હોવાનો પર્દાફાશ થતાં મ્યુ. કોર્પોરેશનના આરોગ્ય અધિકારીએ ફરિયાદ નોંધાવતાં પોલીસે ઠગાઇનો ગુનો નોંધી ધવલ નામના શખ્સની શોધખોળ આદરી છે.

આ બારામાં એ-ડિવીઝન પોલીસે સેટેલાઇટ પાર્ક મારૂતિનગર મેઇન રોડ પર  રહેતાં અને કોર્પોરેશનમાં મેડિકલ ઓફિસર તરીકે ડો. મનિષ બી. ચુનારાની ફરિયાદ પરથી ધવલ નામના શખ્સ સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધ્યો છે. ડો. મનિષ ચુનારાએ ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પૂર્વ ઝોનના ઇન્ચાર્જ નાયબ આરોગ્ય અધિકારી તરીકે પણ ફરજ બજાવે છે. ગત સાંજે પોતે ફરજ પર હતાંં ત્યારે મ્યુનિસિપલ કમિશ્નર તરફથી સુચના મળી હતી કે મા યોજના અંતર્ગત કાર્ડ બાબતે કેસરી પુલ પાસે તકાર થઇ છે તો વિજીલન્સને સાથે લઇને તપાસ કરવી. આ સુચના અંતર્ગત પોતે વિજીલન્સ સ્ટાફને લઇને સ્થળ પર જતાં કેસરી હિન્દ પુલના છેડે બેડીનાકા તરફ પોપટ ભગતની ગરબી થાય છે ત્યાં આવેલા બાલાજી કોમ્પલેક્ષની બાલાજી કોલ્ડ્રીંકસ નામની દૂકાને એક વ્યકિત ઉભા જોવા મળ્યા હતાં.

જેણે પોતાનું નામ મહેશભાઇ જયંતિભાઇ દાદુકીયા (રહે. બેડીપરા) જણાવ્યું હતું અને તેણે કહેલ કે મા અમૃતમ્ કાર્ડ કઢાવવાની જરૂરિયાત હોઇ પોતે મ્યુ. કોર્પોરેશન કચેરીએ જતાં ત્યાંથી એક પત્રીકા અપાઇ હતી. જેમાં ધવલ અને તેના ફોન નંબર લખેલા હોઇ તેનો સંપર્ક કરવા જણાવાયું હતું. આથી મહેશભાઇએ એ નંબર પર ફોન કરતાં ધવલે ભગવતીપરા આરોગ્ય કેન્દ્રમાંથી કાર્ડ મળી જશે તેમ કહ્યું હતું. ત્યાં દસ્તાવેજી પુરાવા રજુ કરતાં કાર્ડ મળી ગયું હતું. પણ બાદમાં ધવલે આ કાર્ડ માટેના રૂ. ૧૫૦૦ માંગતા અને આ રકમ બાલાજી કોલ્ડ્રીંકસમાં આપી દેવાનું કહેતાં મહેશભાઇ ત્યાં ગયા હતાં. કોલ્ડ્રીંકસવાળા કિશોરભાઇ ગોરવાડીયાને ૨૦૦૦ની નોટ મહેશભાઇએ આપતાં તેણે બાકીના ૫૦૦ છુટા નથી સાંજે ધવલ દૂકાને આવે ત્યારે ૫૦૦ આપશે પછી તમે લઇ જજો તેમ દુકાનદારે કહ્યાની વિગતો પોતાને (ડો. મનિષકુમારને) અરજદાર મહેશભાઇ તરફથી જાણવા મળી હતી.

આમ વિનામુલ્યે નીકળતા મા યોજનાના કાર્ડ ધવલ નામનો શખ્સ રૂ. ૧૫૦૦ લઇ કાઢી આપી છેતરપીંડી કરતો હોવાનું સામે આવતાં તેના વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરાવાઇ છે. પી.એસ.આઇ. આર. સી. રામાનુજ અને ટીમે મોબાઇલ નંબરને આધારે ધવલની શોધખોળ હાથ ધરી છે.

(12:53 pm IST)