Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

ત્રાસ અને ખાધાખોરાકીના કેસો પાછા ખેંચી લેવા એકતા કુંડલીયાને ધમકી

દિયર મિલન કુંડલીયા, દેરાણી ડેનીશા, કાકાજી અજય કુડલીયા અને સાસુ જ્યોતિબેન સામે એ-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો : સતત ત્રાસને લીધે પાંચ દિવસ પહેલા આ યુવતિએ ઝેર પણ પી લીધુ હતું

રાજકોટ તા. ૫: કરણપરામાં રહેતી લોહાણા મહિલાને ભરણપોષણનો કેસ પાછો ખેંચી લેવાનું કહી દિયર, દેરાણી, સાસુ અને કાકાજી સસરાએ ગાળોદઇ જાપટો મારી ચોટલો ખેંચી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે હાલ કરણપરા મેઇન રોડ યશ રીજેન્સી હોટેલ સામે પિતા રવિકિરણભાઇ વૃજલાલભાઇ કોટકને ત્યાં રહેતી એકતાબેન વિશાલ કુંડલીયા (ઉ.૨૭)ની ફરિયાદ પરથી ગાયત્રીનગર-૩માં રહેતાં તેણીના દિયર મિલન જીતુભાઇ કુંડલીયા, દેરાણી ડેનીશા મિલન, સાસુ જ્યોતિબેન જીતુભાઇ કુંડલીયા અને કાકાજી સસરા અજયભાઇ કાંતિલાલ કુંડલીયા સામે ગુનો નોંધ્યો છે.

એકતાબેનના કહેવા મુજબ તેના લગ્ન દોઢ વર્ષ પહેલા વિશાલ જીતુભાઇ કુંડલીયા સાથે થયા છે. લગ્ન બાદ કાકાજી, સાસુ, દિયર, દેરાણી કરિયાવર તથા ઘરકામ બાબતે મેણાટોણા મારી ત્રાસ આપતાં હોઇ તમામ વિરૂધ્ધ મહિલા પોલીસમાં ફરિયાદ કરી હતી. પાંચ માસથી પોતે માવતરને ત્યાં રિસામણે છે અને ખાધાખોરાકીનો કેસ કર્યો છે. પોતે બજારમાં નીકળે તો સસરા પક્ષના લોકો ગુસ્સાથી સામે જોવે છે. કેસની તારીખ હોઇ પોતે ૩૦/૫ના રોજ ફેમિલી કોર્ટ ખાતે ગઇ ત્યારે કાકાજી કે જે સ્ટર્લિગ  હોસ્પિટલ પાછળ રહે છે અને તેને લાડકી નામની દૂકાન છે તેણે કોર્ટ કમ્પાઉન્ડમાં જ કેસ પાછો ખેંચી લેવા કહી ગાળો દઇ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. તેમજ દિયર, દેરાણી અને સાસુ અગાઉ પોતે બાલાજી મંદિરે દર્શન કરવા ગઇ ત્યારે ત્યાં આવ્યા હતાં અને ગાળો દીધી હતી. તેમજ પોતાના દિકરા વિશાલના મૈત્રી કરાર કરાવી નાંખશે તેવી વાત કરી હતી.

ત્રાસને કારણે પોતે ૩૦/૬ના રોજ બાલાજી મંદિર પાસે બેગોન દવા પણ પી ગઇ હતી. ભાનમાં આવ્યા બાદ ફરિયાદ નોંધાવી છે. મહિલા પોલીસનો અને ખાધા ખોરાકીનો કેસ પાછો ખેંચી લેવા બાબતે ધમકી મળતાં ફરિયાદ કરી છે. એ-ડિવીઝનના પીએસઆઇ આર. સી. રામાનુજે વધુ તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)