Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કર્મી દારૂની બોટલ સાથે દેખાયો

તસવીરો વાયરલ થતાં ચકચાર મચી : ગાંધીના ગુજરાતમાં આમ જો દારૂબંધી છે તેમ છતાં દર વર્ષે કરોડનો દારૂ વહેચાય પણ છે અને ખરીદાય પણ છે

રાજકોટ,તા.૫ : થોડા વર્ષો પહેલા રઈશ નામની શાહરૂખ ખાન ની ફિલ્મ આવી હતી. જે અમદાવાદના જે તે સમયના મોટા ગજાના બુટલેગર લતીફના જીવન પર આધારિત હતી. ગાંધીના ગુજરાતમાં આમ જો દારૂબંધી છે  તેમ છતાં દર વર્ષે હજારો કરોડ રૂપિયાનો દારૂ વહેચાઈ પણ છે અને ખરીદાય પણ છે. ત્યારે દારૂની રેલમછેલ પહોંચી છે સરસ્વતીના ધામ એવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સુધી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગના એક કર્મચારી હાથમાં દારૂની એક બોટલ સાથે ઝડપાઈ ગયા છે. ત્યારે તેઓ પાસે રહેલ દારૂની બોટલ છુપાવવાનો તેવો પ્રયાસ કરી રહ્યા છે. જે કોઈ જાગૃત નાગરિક દ્વારા પોતાના મોબાઇલ ફોનની અંદર કેદ કરી લેવામાં આવ્યું છે. તો સાથે જ એક તસવીર એવી પણ સામે આવી છે

          જેમાં દારૂની જુદી-જુદી ત્રણ જેટલી બ્રાન્ડની બોટલો કચરા માં પડી હોવાનું સામે આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી ની પાછળ દર વર્ષે અઢળક રૂપિયાનું આંધણ ફૂંકવામાં આવે છે. સીસીટીવી કેમેરાના મેં પણ અઢળક રૂપિયા ખર્ચી નાખવામા આવ્યા છે. તેમ છતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ની અંદર ગુનાહિત પ્રવૃત્તિ પર લગામ કસવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશો નિષ્ફળ નીવડી રહ્યાં હોય તે પ્રકારના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે શિક્ષણ ના ધામમાં દારૂબંધીના લીરેલીરા ઊડી રહ્યા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવતાં સત્તાધીશો ના પગ તળેથી જમીન સરકી ગઇ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. સમગ્ર મામલે મીડિયા સાથેની વાતચીતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપ કુલપતિ વિજય દેસાણીએ જણાવ્યું હતું કે, જે પ્રકારના બનાવ નું રિપોર્ટિંગ માધ્યમોમાં થયું છે. તેના આધારે એક તપાસ સમિતિની રચના કરવામાં આવશે. જે સમગ્ર મામલાની ઝીણવટપૂર્વક તપાસ કરશે. જે વ્યક્તિ ફોટામાં દેખાય છે તે પરીક્ષા વિભાગનો હોવાનું સામે આવી રહ્યું છે. સમગ્ર મામલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવશે. જોકે, આ તસવીરો કોણે ક્લિક કરી છે અને આ કર્મચારીના હાથમાં જે બોટલ છે તે ખાલી દારૂની બોટલ છે તે અંગે હવે તમામ માહિતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તપાસ સમિતીની તપાસ બાદ જ જાણી શકાશે. ત્યાં સુધી હાલમાં તો સરસ્વતીનું આ ધાન કલંકિત થયું છે.

(9:30 pm IST)