Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કોરોના યોધ્ધાઓનું મ.ન.પા. કરશે અભિવાદન

સંસ્થા, પોલીસ, ડોકટર્સ તથા મીડિયાને 'હું પણ કોરોના વોરિયર છું'નું સન્માન પત્ર અપાશેઃ બીનાબેન, ઉદય કાનગડ તથા આશીષ વાગડીયાની સતાવાર જાહેરાત

રાજકોટ,તા.૫: રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેવાકીય સંસ્થા, મીડિયા કર્મચારી, પોલીસ કર્મચારી તથા ડોકટર્સને 'હું પણ કોરોના વોરિયર છું'નું સન્માનપત્ર આપવામાં આવનાર હોવાનું બિનાબેન આચાર્ય, ઉદય કાનગડ તથા આશીષ વાગડીયા દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવી છે.

આ અંગે મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઈ વાગડિયા જણાવે છે કે, હાલ વિશ્વમાં મોટાભાગના દેશોમાં કોરોના વાઇરસ (કોવિદ-૧૯)ના કારણે ફેલાયેલી મહામારી સામે તમામ દેશો ઝઝુમી રહ્યા છે અને આ રોગચાળો આગળ ફેલાતો અટકાવવા લોકોના આરોગ્ય માટે પગલા લઇ રહ્યા છે. ભારતમાં પણ કેન્દ્ર સરકાર અને રાજય સરકાર દ્વારા તમામ ક્ષેત્રે આ મહામારી નાથવા સ્તુત્ય પ્રયાસો શરૂ કરાયા છે.  જેમાં શહેરની સેવાકીય સંસ્થા કે જેના સ્વયંસેવકોએ રાત-દિવસ જોયા વગર પોતાના જીવને જોખમમાં નાખીને જરૂરિયાતમંદોને ભોજન, કરીયાણાની કીટ, દવા વગેરે ઘર-ઘર સુધી પહોંચાડી હોય તેવી સેવાકીય સંસ્થા તથા પોતાના જીવને જોખમમાં નાખી અને આવા મહામારીના સમયમાં પણ અફવાઓથી દુર રાખવા અને લોકોને હકીકતોથી માહિતગાર કરવાની કપરી ફરજ બજાવનાર મીડિયા મિત્રોને પણ વંદન છે.

સમાજમાં ડોકટરને ભગવાનનું સ્વરૂપ કહેવામાં આવે છે. તેઓ પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાત-દિવસ કોરોના પોઝીટિવ આવ્યો હોય તેવા દર્દીને સારવાર આપવામાં પાછી પાની કરેલ નથી તેવા ડોકટર પણ અભિનંદનને પાત્ર છે. જે કોઈ પણ પરિવારનું અને રાજકોટનું પણ ધ્યાન રાખ્યું હોય તેવા, જેઓ એ કર્ફ્યુ હોય કે લોકડાઉન હોય ખડે પગે કોરોના ફેલાય નહિ તેના માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યું હોય તેવા પોલીસ કર્મચારી મિત્રને પણ ખુબ ખુબ અભિવાદન.

ત્યારે રાજકોટ મહાનગરપાલિકા ઉપર દર્શાવેલ તમામ સેવાકીય સંસ્થાઓ, મીડિયા કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, ડોકટર્સને સન્માનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત કોરોના મહામારીમાં ગરીબ અને મધ્યમ વર્ગ અને શ્રમિકોને લોકડાઉન દરમ્યાન ભોજન, રાશન કીટ, જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ વગેરે મળી રહે તે માટે શહેરની અનેક સંસ્થાઓ કાર્યરત રહેલ. આ સન્માનપત્ર સેવાકીય સંસ્થા ચલાવતા હોય અને જેઓએ નિયમ મુજબ કલેકટર કચેરી ખાતેથી સેવાકીય સંસ્થાના પાસ કઢાવેલ હોય તેઓને આ સન્માન પત્ર આપવામાં આવશે. જે પણ સંસ્થા નવી હોય કે નાની હોય કે મોટી હોય જેણે આ કપરા સમયમાં તન, મન અને ધનથી નાની-મોટી સેવાઓ આપી હોય તથા કોઈ પણ જાતની સેવા આપી હોય તેવી તમામ સંસ્થાઓ, મીડિયા કર્મચારીઓ, પોલીસ કર્મચારીઓ, ડોકટર્સ આ કોવિડ-૧૯ ની મહામારી સામે કોરોના વોરિયર તરીકે બહાર આવ્યા હોય, તેવા તમામ વ્યકિતઓને ખુબ ખુબ વંદન. કોરોના મહામારીના વોરિયરને સન્માનપત્ર એનાયત કરવામાં આવશે.

સન્માનપત્ર કેવી રીતે આપવામાં આવશે...

. એક સમય દરમિયાન ફકત એક જ સંસ્થાને આપવામાં આવશે. સોશ્યલ ડિસ્ટન્સ પણ મેઇન્ટેન થાય અને કોઈને પણ સંક્રમિત થવાનો ભય ન રહે તે રીતે અલગ અલગ મીડિયા મિત્ર પછી ડોકટર્સ અને પોલીસમેનને પણ આપવામાં આવશે.

(3:52 pm IST)