Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રાજકોટનાં હેલ્થ વર્કરોને ન્યાય મળશે? અમદાવાદમાં દરેકને રૂ.૧પ૦નું વધારાનું ભથ્થુ

અમદાવાદ મ્યુ. કોર્પોરેશને ૧ માર્ચથી ર૦ મે એમ ત્રણ મહિના દરમિયાન આરોગ્યનાં કર્મચારીઓને વધારાનું દૈનિક ભથ્થુ મંજૂર કર્યુ

રાજકોટ તા. પ :.. અમદાવાદ મ્યુ. કોર્પોરેશને કોરોનાં મહામારી દરમ્યાન જીવનાં જોખમે ફરજ બજાવનાર આરોગ્ય વિભાગનાં દરેક કર્મચારીઓને વધારાનું રૂ. ૧પ૦ નું દૈનિક ભથ્થું મંજૂર કરીને સંવેદનશીલ અને પ્રેરક કાર્ય કર્યુ છે. ત્યારે રાજકોટ કોર્પોરેશન દ્વારા પણ આવો નિર્ણય લઇ અને આરોગ્ય કર્મચારીઓને ન્યાય અપાશે કે કેમ ? તેવા સવાલો રાજકોટ કોર્પોરેશનનાં આરોગ્ય કર્મચારીમાં ઉઠવા પામ્યા છે.

અમદાવાદ મ્યુ.કોર્પોરેશને ખાસ પરિપત્ર બહાર પાડયો છે. જેમાં જણાવાયું છેકે વિશ્વ આરોગ્ય નોવેલ કોરોના (વૈશ્વિક મહામારી) જાહેર કરેલ છે. આ વાયરસથી વિશ્વના વિવિધ દેશો પ્રભાવિત થયેલ છે. અમદાવાદ શહેરમાં કોરોના વાયરસનું સંક્રમણ ગુજરાતમાં મોખરે છે. જેમાં દિન-પ્રતિદિન કેસોમાં વધારો થઇ રહેલ છે. જેની ગંભીરતાને ધ્યાનમાં લઇ કોરોના વાયરસની મહામારીને અટકાવવાની કામગીરીમાં  અવિરત સેવા આપી રહેલ અર્બન હેલ્થ સેન્ટરમાં એ.એન.એમ. મલ્ટી પરપઝ વર્કરો-લેબ. ટેકનીશન / ફાર્માસીસ્ટ વિગેરે કોન્ટ્રાકટચ્યુઅલ સ્ટાફ અને આશા વર્કરો તેમજ અન્ય વર્ગ-૪ના કોન્ટ્રાકચ્યુઅલ સ્ટાફને પ્રોત્સાહીત કરવા માટે માહે ૧ માર્ચ ર૦ થી ૩૧ મેર૦ દરમ્યાન ત્રણ માસ માટે માસિક ફીકસ વેતન ઇન્સેન્ટીવ ઉપરાંત દૈનિક ધોરણે રૂ.૧પ૦ હાજરીના દિવસો મુજબ વધારાનું સ્પે. ભથ્થુ આપવા અને આ અંગેનો કુલ રૂ.૩.પ૦ કરોડની મર્યાદામાં ખર્ચની માન. મ્યુનિ.કમિશનરની તા.૪/પ/ર૦ર૦ ની મંજુરી મળેલ છે જે મુજબ સબંધિત સ્ટાફને સ્પે. ભથ્થુ ચુકવવામાં આવશે.

દરમિયાન રાજકોટમાં પણ મ્યુ. કોર્પોરેશનનાં આરોગ્ય કર્મચારીઓએ જંગલેશ્વર સહિતનાં કોરોનાં સંક્રમતિ સ્થળોએ આરોગ્ય કેન્દ્રોમાં દિવસ - રાત જોયા વગર નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી છે. ત્યારે રાજકોટનાં આ હેલ્થ વર્કરોને ભથ્થું આપીને તંત્રએ સંવેદનશીલતા દાખવવી જોઇએ તેવુ આરોગ્ય કર્મીઓમાં ચર્ચાઇ રહ્યું છે.

(3:49 pm IST)