Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

જાતી પ્રત્યે હડધુત કરી ખુનની ધમકીના એટ્રોસીટીના ગુનામાં આરોપી જામીન પર

રાજકોટ, તા.,૫: જળસંપતિનાં વિભાગનાં કર્મચારીને જ્ઞાતિ વિશે હળધુત કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની અંગેની એટ્રોસીટીની ફરીયાદમાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો કોર્ટે ફરમાવેલ છે.

અત્રે રાજકોટમાં શ્યામનગર શેરી નં. ૪ ગાંધીગ્રામ ખાતે રહેતા અને જળસંપતિ વિભાગમાં લેબોરેટરી આસીસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા નરેન્દ્રભાઇ મંગાભાઇ સાંડપાએ અત્રેના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં આરોપી હરેશભાઇ અમરૂભાઇ વાળા, સતીશભાઇ ચંદ્રકાંતભાઇ વાળા, હિેરન ચંદ્રકાંતભાઇ વાળા, ચંદ્રકાંતભાઇ વાળા તથા કનાભાઇ ચૌહાણ વિરૂધ્ધ એટ્રોસીટી એકટ  તથા આઇપીસી મુજબ ફરીયાદ નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદના કામે આરોપીઓ રાજકોટના એડવોકેટશ્રી કેતન પી. દવે મારફત જામીન ઉપર મુકત થવા માટે અરજી કરેલી અને અરજીમાં રજુઆત કરેલ કે આરોપીઓએ  ફરીયાદીને જ્ઞાતિ પ્રત્યે હળધુત કરેલ નથી કે કોઇ ધમકી આપેલ નથી તેમજ ફરીયાદી સામે લતાવાસીઓએ અલગ અલગ આઠથી દસ ફરીયાદ કરેલ છે તેના ઉપરથી ફરીયાદી કયા પ્રકારનું વ્યકિતત્વ ધરાવે છે તે ફલીત થાય છે. આ તમામ રજુઆતો સાંભળી એડી. સેસન્સ જજશ્રી વી.વી.પરમારે આરોપીઓને ઉપરોકત ગુન્હાના કામે જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરેલ છે.

આ કામે આરોપીઓ તરફે રાજકોટના વિદ્વાન ધારાશાસ્ત્રી કેતન પી.દવે, બીનીતા શાહ, બલરામ પંડીત તથા ધારા પંડીત રોકાયેલ હતા.

(3:07 pm IST)