Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

સુનિલ નેપાળી રૂ. ૫૦૦ની ઉઘરાણી કરતો હોવાથી પતાવી દેવાનો પ્રયાસ થયો હતો

બાલાજી હોલ પાસેની ઘટનામાં હત્યાની કોશિષનો ગુનો નોંધાયોઃ સાથે કડીયા કામ કરતાં રમેશે ડાભીએ પકડી રાખ્યો ને સંજય ધુળધોયાએ ઘા ઝીંકયા'તા

રાજકોટ તા. ૫: પરમ દિવસે રાતે મવડી ૧૫૦ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે સુનિલ જંગબહાદુર વિશ્વકર્મા (ઉ.૩૫) નામના નેપાળી યુવાનને છરીના ઘા ઝીંકાયા હતાં. જે તે વખતે તે અર્ધબેભાન થઇ ગયો હોઇ પરેશ નામના શખ્સે છરી ઝીંકયાનું રટણ કર્યુ હતું. તે ભાનમાં આવ્યા બાદ તાલુકા પોલીસે તેની ફરિયાદ નોંધતા અલગ જ વિગતો બહાર આવી હતી. તે પોતાની સાથે જ કડીયા કામ કરતાં બે શખ્સો રમેશ ડાભી અને સંજય ધુળધોયા પાસેથી દરરોજ ધમકાવીને પૈસા પડાવતો હોઇ જેથી આ બંનેએ તેની હત્યાનો પ્રયાસ કર્યાનું ખુલ્યું છે.

તાલુકા પોલીસે સુનિલ નેપાળીની ફરિયાદ પરથી સંજય અને રમેશ સામે આઇપીસી ૩૦૭ મુજબ ગુનો નોંધ્યો છે. સુનિલના કહેવા મુજબ તે બાર વર્ષથી તેના ભાઇ રૂપેશ નેપાળી સાથે મવડીમાં રહી કડીયા કામ કરે છે. હાલમાં ભાઇ સાથે મનદુઃખ ચાલતું હોઇ બાલાજી હોલની ફૂટપાથ પર સુઇ રહે છે. પરમ દિવસે રાતે તે સુતો હતો ત્યારે સંજય ધુળધોયા અને રમેશ ડાભીએ આવી 'તું કેમ રોજ અમને ધમકાવીને પૈસા માંગે છે?' તેમ કહી ગાળાગાળી કરી હતી. બાદમાં રમેશે તેને પકડી રાખ્યો હતો અને સંજયે છરી કાઢી છાતી-પેટના ભાગે ઘા ઝીંકી દીધા હતાં. રમેશના હાથમાંથી છરી પડાવવા જતાં સંજયએ પણ પીઠમાં એક ઘા ઝીંકી દીધો હતો.

લોકો ભેગા થઇ જતાં બંને હુમલાખોર ભાગી ગયા હતાં. સુનિલે વધુમાં જણાવ્યું હતું કે સંજય અને રમેશ બંને સાથે કડીયા કામ કરે છે. પોતાને સંજય પાસેથી રૂ. પાંચસો લેણા નીકળતાં હોઇ તેની ઉઘરાણી કરતાં તેણે તું કેમ દરરોજ પૈસા માંગે છે? તેમ કહી છરીના ઘા ઝીંકી દીધા હતાં. પોલીસે બંને આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(3:00 pm IST)