Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મકાન વેરામાં ૧૦% વળતર ચાલુ છે : હવે કઇ રાહત આપવી ?

રાજ્ય સરકારના આત્મનિર્ભર પેકેજની ટેક્ષ રાહત બાબતે તંત્ર દ્વિધામાં : વાણીજ્ય મકાનોમાં સરકારે ૨૦% રાહત આપવા સૂચવ્યું છે : હવે વેરામાં રાહત બાબતે સરકારના જાહેરનામુ આવ્યા બાદ જ વળતર યોજના અમલી બની શકે : મેયર બીનાબેન આચાર્ય સહિતના પદાધિકારીઓ દ્વારા આત્મનિર્ભર પેકેજને આવકાર

રાજકોટ તા. ૫ : રાજ્ય સરકારે કોરોના મહામારીના કાળમાં રાજ્યના લોકોને લોકડાઉનને કારણે થયેલ નુકસાનીમાં રાહત આપવા ગઇકાલે વધુ એક આત્મનિર્ભર પેકેજ જાહેર કર્યું છે. જેમાં રાજ્યની ૮ મહાનગર પાલિકાઓને રહેણાંક મકાનોમાં ૧૦ ટકા વેરા વળતર અને વાણિજ્ય મકાનોમાં ૨૦ ટકા વેરા રાહત આપવા સુચવ્યું છે પરંતુ રાજકોટ મ.ન.પા. દ્વારા વર્ષોથી મકાન વેરામાં ૧૦ થી ૧૨ ટકાની વળતર યોજના અમલી છે. હાલમાં પણ જુલાઇ સુધી ૧૦ થી ૫ ટકા વળતર યોજના અમલી છે ત્યારે હવે રાજ્ય સરકારની જાહેરાત મુજબ વેરામાં વળતર યોજના કેવી રીતે લાગુ કરવી તે બાબતે રાજકોટ મ.ન.પા.ના તંત્ર વાહકો હજુ દ્વિધામાં છે.

આ બાબતે મેયર બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની જાહેરાત મુજબ રાજકોટ કોર્પોરેશન મકાન વેરામાં રાહતો આપશે પરંતુ હાલમાં ૧૦ થી ૧૫ ટકા રાહતની યોજના ચાલુ જ છે ત્યારે સરકારની જાહેરાત મુજબ રહેણાંકમાં ૧૦ ટકા અને વાણિજ્ય મકાનોમાં ૨૦ ટકા વળતર યોજનાનો અમલ કેવી રીતે કરવો તેના માટે સરકારનાં જાહેરનામાની રાહ જોવી પડશે. જાહેરનામામાં આ બાબતે વિસ્તૃત વિગતો હોય તો તેનો અભ્યાસ કરીને પછી જ આ બાબતનો અમલ થઇ શકે.

દરમિયાન મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વીનભાઈ મોલીયા, સ્ટે.કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર દ્વારા એક સંયુકત યાદીમાં જણાવ્યું હતું.

આ પેકેજમાં તમામ વર્ગને આવરી લેવામાં આવેલ છે. જેમ કે, ઓફીસ, રેસ્ટોરન્ટ, દવાખાનાની પ્રોપર્ટી ટેક્ષમાં ૨૦% રાહત, રહેણાંક મિલકતો પ્રોપર્ટી ટેક્ષમાં ૧૦% રાહત, રહેણાંક વીજ ગ્રાહકને ૧૦૦ યુનિટ સુધી વીજ બીલ માફ, કોમર્શિયલ વીજ ગ્રાહકો મે-૨૦૨૦ નો ફિકસ ચાર્જ માફ, નાની દુકાનો, મેડિકલ, કરીયાણાને ૩ મહિનાનો વીજ કર ૨૦% થી ૧૫% સુધી, બસ, વાહનો, ટેક્ષી, કેબને ૬ મહિનાનો રોડ ટેક્ષ માફ, ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ ફિકસ વીજ બીલ માફ, ઔધોગિક એકમો ટેક્ષટાઇલ ઉદ્યોગો, મેગા ઇન્ડસ્ટ્રીઝને કેપીટલ-વ્યાજ સબસીડીની ચુકવણીનું પેકેજ આપવામાં આવશે. તેમજ ૧૦ કરોડ થી ઓછુ ટર્નઓવર ધરાવતા વેપારીઓને આકારણીની નોટીસ પછી ખેચાશે. તેમજ આદિવાસી શ્રમિકો, મહિલા સખીમંડળો, લારી-ફેરિયાવાળા તથા વેપારીઓ અને સામાન્ય વર્ગ તમામને ધ્યાને રાખી સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભરતા પેકેજની જાહેરાત કરવામાં આવેલ છે. સ્વરોજગાર માટે ૫૨૫ કરોડ રૂપિયાની જાહેરાતો કરી છે. તેમજ શ્રમિક કલ્યાણ માટે ૪૬૬ કરોડની રાહતો આપશે. તેમજ ૯૨ લાખ લોકોને વીજ બીલ માફીનો લાભ મળશે.

આમ વિજયભાઈ રૂપાણીની સંવેદનશીલ સરકાર દ્વારા તમામ વર્ગના લોકોને આવરીને ગુજરાતના આત્મ નિર્ભરતાનું રાહત પેકેજ આપેલ છે. જેનાથી અર્થતંત્રની ગતિ ફરી તેજ બનશે.

(2:58 pm IST)