Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

નવી ચેતના - પ્રાણવાયુ આપી ગુજરાતને પુનઃ જલદી આર્થીક આર્થીક રીતે ધબકતું કરી દેશે ૧૪ હજાર કરોડનું રાહત પેકેજ

કોરોનાગ્રસ્ત બનેલા અર્થતંત્રની સ્વદેશી - સ્વરોજગારીની આર્થિક દવાથી સારવાર કરનારા આત્મનિર્ભર પેકેજને ઉમળકાભેર આવકારતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટ તા. ૫: કોરોના જેવી અકળ અને તબીબો માટે પણ અઘરી એવી મહામારીથઈ અસરગ્રસ્ત સમાજ જીવન અને અર્થતંત્રને ફરી દોડતું કરવા રૂ. ૨૦ લાખ કરોડનું પેકેજ કેન્દ્ર સરકારે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ જાહેર કર્યા પછી ગઇ કાલે ગુજરાતના  મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ પણ રૂ. ૧૪ હજાર કરોડનું પેકેજ જાહેર કરી સમાજના લગભગ તમામ વર્ગની આર્થિક સ્થિતિની ચિંતાનો ઉકેલ આપ્યો છે. એક તરફ વિકસિત રાષ્ટ્રોમાં અરાજકતા અને વંશવાદના તોફાનો ચાલી રહ્યાં છે ત્યારે ભારતમાં આટવા મોટા પડકારનો પણ ધૈર્ય પૂર્વક સામનો થઇ રહ્યો છે એમાં અહીંની પ્રજા અને શાસકો વચ્ચેનું તાદાત્મ્ય કેટલું છે એનો વિશ્વને પરિચય થઇ રહ્યો છે.તેવું ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું.

રાજુભાઇએ આ પેકેજ અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું કે જેમ કોઇ દરદી બીમાર હોય. એને પુનઃ પૂર્વવત સ્થિતિમાં લાવવા માટે એક નિષ્ણાત અને બાહોશ તબીબી તમામ રસ્તા અપનાવે, એને ગ્લુકોઝ ચડાવે, દવા આપે એવી રીતે કોરોનાને લીધે થોડો સમય ધીમાં પડેલાં ગુજરાતના અર્થતંત્રને પુનઃ દોડતું રવા માટે મુખ્યમંત્રી વિજયભાઇ રુપાણી અને એમની ટીમે પેકેજ જાહેર કર્યું છે જેમાં પ્રોપર્ટી ટેકસ ભરતા સામાન્ય માણસો પણ છે અને ટ્રાવેલ્સ સંચાલકો પણ છે. વેપાર,ઉદ્યોગ,નોકરિયાત તમામ વર્ગનું હિત જોઇને જાહેર થયેલું આ આત્મનિર્ભર ગુજરાત પેકેજ આગામી દિવસોમાં દેશના અન્ય રાજયો માટે પણ એક મોડેલ તરીકે ઉપસી આવશે.વિજયભાઇની સંવેદનશીલતા અને પ્રજાવત્સલતાનો આ પુરાવો છે.

વાણિજિયક એકમોને વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક પ્રોપર્ટી ટેકસના ચુકવણામાં ૨૦ ટકાની માફી આપવામાં આવશે. રૂ.૬૦૦ કરોડની આ માફીનો લાભ રાજયના અંદાજિત ૨૩ લાખ વાણિજિયક એકમોને મળશે. જેનો લાભ અંદાજીત ૭૨ લાખ પ્રોપર્ટી ધારકોને થશે અને તેમને રૂ. ૧૪૪ કરોડની રાહત મળશે. માસિક ૨૦૦ યુનિટ કરતા ઓછો વીજ વપરાશ કરનાર રહેણાંક વીજ ગ્રાહકોનું ૧૦૦ યુનિટનું વીજળી બીલ એક વખત માટે માફ કરવામાં આવશે. વીજળીનું ણ્વ્(ઔધોગિક) કનેકશન ધરાવતા વીજ ગ્રાહકોને મે ૨૦૨૦ના ફિકસ ચાર્જિસનું રૂ. ૪૦૦ કરોડનું ભારણ હાલમાં ન પડે તે હેતુથી આ ફિકસ ચાર્જિસના ચુકવણા માટે મુદત વધારી સદર રકમ સપ્ટેમ્બર ૨૦૨૦ થી ડિસેમ્બર ૨૦૨૦ એમ ચાર મહિનામાં વ્યાજ વગર સરખા ભાગે ચુકવવાની છુટ આપવામાં આવે છે.

રાજુભાઇએ ઉમેર્યું કે કરિયાણા, તૈયાર કપડાં, મેડીકલ સ્ટોર, હાર્ડવેરના વેપારીઓ, વકીલો, ચાર્ટ્રર્ડ એકાઉન્ટન્ટ, ટ્રાવેલ એજન્ટ, કોચીંગ કલાસ, ટ્રાન્સપોર્ટ, પ્રોવિઝન સ્ટોરને લોકડાઉનમાં આવક થઇ નહોતી. આ વેપારીઓને જુન, જુલાઇ અને ઓગસ્ટના ત્રણ માસનો વીજકર ૨૦ ટકાથી ઘટાડી ૧૫ ટકા કરવામાં આવશે. ખાનગી બસ-ટ્રાવેલ સંચાલકોને તા. ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધીનો રોડ ટેકસ ભરવા માંથી મુકિત અપાશે. જેનો લાભ ૬૩ હજાર વાહન ચાલકોને મળશે.જેને લીધે આ ક્ષેત્રની આર્થિત સ્થિતિ પણ સુધરશે.

કોરોનાને લીધે ધીમી પડેલી ઔદ્યોગિક પ્રવૃત્તિને વેગવંતી બનાવવા માટે રૂ. ૭૬૮ કરોડની મૂડી અને વ્યાજ મળીને સબસીડીનું ચુકવણું જુલાઇની ૨૧મી તારીખ સુધીમાં કરવામાં આવશે જેને લીધે ઉદ્યોગોની નાણાભીડ ઓછી થશે. ડેકસટાઇલ ઉદ્યોગને પણ આ રાહતમાં સમાવી લેવાયો છે. રાજયના ૩૨૦૦ કરતાં વધુ નાના વેપારીઓને રૂ. ૧૨૦૦ કરોડનું પડતર વેટ રીફંડ તા. ૩૧ જુલાઇ ૨૦૨૦ સુધીમાં ચુકવવામાં આવશે.

ઉદ્યોગ સાહસિકોને બાજપેયી બેન્કેબલ યોજનામાં રૂ.૧૯૦ કરોડની સબસીડીની રકમ ૩૧ જુલાઇ સુધીમાં ચુકવાશે. ઉપરાંત સોલાર રુફટોપ યોજના હેઠળ ૬૫૦૦૦ કુટુંબો માટેની રૂ.૧૯૦ કરોડની સબસિડી પણ ચૂકવવામાં આવનાર છે. વેટ કાયદા હેઠળ વર્ષ ૨૦૧૬-૧૭ અને તા.૦૧.૦૪.૨૦૧૭થી તા.૩૦.૦૬.૨૦૧૭ સુધીની આકારણીની કામગીરીમાં

રૂ.૧૦ કરોડથી ઓછું વાર્ષિક ટર્નઓવર ધરાવતા વેપારીઓના કિસ્સામાં આકારણી માટે આપવામાં આવેલ નોટીસ પરત ખેંચવામાં આવશે. આ વેપારીઓ પૈકી આંતરરાજય વેચાણો ધરાવતા વેપારીઓના કિસ્સામાં કેન્દ્રીય કાયદા મુજબ માત્ર ધારાકીય ફોર્મ પુરતી જ આકારણી હાથ ધરાશે.

રાજુભાઇએ કહ્યું કે કૃષિ ક્ષેત્રને પણ સ્વભાવિક રીતે આ પેકેજમાં સમાવી લેવાયું છે. કૃષિ અર્થવ્યવસ્થાને વધુ મજબુત બનાવવા મુખ્ય મંત્રી પાક સંગ્રહ યોજના અંતર્ગત ખેડૂતોને

ખેતરમાંનાના ગોડાઉન (ઓન ફાર્મ સ્ટોરેજ સ્ટ્રકચર) બનાવવા માટે એકમ દીઠ રૂ.૩૦,૦૦૦ સહાય આપવા રૂપિયા ૩૫૦ કરોડ ફાળવવામાં આવશે.

ખેડૂતોને હળવા ભારવાહક વાહનની ખરીદી માટે રૂ.૫૦ હજારથી ૭૫ હજાર સુધીની સહાય આપવા માટે રૂ.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.

આ પેકેજનું સૌથી આકર્ષક પાસું એ છે કે આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-ર હેઠળ નાના વેપારીઓ, મધ્યમ વર્ગની વ્યકિતઓ, કારીગરો તથા શ્રમિકોને રૂપિયા ૧ લાખથી વધુ અને મહત્ત્।મ રૂપિયા ૨.૫૦ લાખની મર્યાદામાં સહકારી બેંકો તથા ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટી મારફત ધિરાણ પ્રાપ્ત થશે. રાજય સરકાર દ્વારા વાર્ષિક ૪ ટકા વ્યાજ સહાય આપવામાં આવશે, જયારે બાકીના ૪ ટકા વ્યાજ લાભાર્થીએ ચૂકવવાનું રહેશે. અગાઉ રૂ. ૧ લાખની લોન મંજુર થઇ હતી હવે એ મર્યાદા રૂ. ૨.૫૦ લાખ કરી દેવાઇ છે.

કોરોનાના ટેસ્ટથી લઈને સારવાર અને હવે તો રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. તો બીજી તરફ ઘાયલ અર્થતંત્રને આવી રીતે પુનઃ ધબકતું કરવાનો આ સંનિષ્ઠ પ્રયાસ લોકોએ પણ બિરદાવ્યો છે. ગુજરાતના અર્થતંત્ર અને પ્રજાને નવી શકિત, ગતિ અને વિકાસની એક નવી દિશા દેવાવાળા આત્મનિર્ભર રાહત પેકેજ માટે રાજુભાઈ ધ્રુવે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને ખુબ અભિનંદન સાથે પાઠવ્યા છે.

(12:55 pm IST)