Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

રાજકોટ જેલમાં હત્યાના કેદી સાવંત ઉર્ફ લાલીએ બરમૂડામાં છુપાવેલો મોબાઇલ મળ્યોઃ બીજો મોબાઇલ સંડાસની દિવાલ ઉપર ચાર્જ થતો'તો

સાવંતે ૨૦૧૬માં મિત્ર સતિષ પરમાર સાથે મળી જંકશન પ્લોટમાં ૨૦૧૬માં નિદોર્ષ યુવાન જીજ્ઞેશ ગોકાણીની હત્યા નિપજાવી હતી

રાજકોટ તા. ૫: રાજકોટની સેન્ટ્રલ જેલમાંથી ફરી એક વખત મોબાઇલ ફોન મળ્યા છે. આ વખતે હત્યાના ગુનાના કેદીએ પહેરેલા બરમુડાના ખિસ્સામાંથી એક મોબાઇલ ફોન તથા બીજો ફોન સંડાસ બાથરૂમની દિવાલ ઉપર ચાર્જીંગમાં રખાયો હોઇ ત્યાંથી મળી આવ્યો છે. જેલર દ્વારા એક કેદીના નામ જોગ તથા બીજા અજાણ્યા કેદી વિરૂધ્ધ ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.

ગ્રુપ-૨ જેલર ડી. પી. રબારીએ પ્ર.નગર પોલીસમાં સાવંત ઉર્ફ લાલી સંજયભાઇ વાઘેલા તથા અજાણ્યા કાચા કેદી સામે ધ પ્રિઝન એકટની કલમ ૪૨, ૪૩, ૪૫ની પેટા કલમ ૧૨ મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. જેલર શ્રી રબારીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું તથા સ્થાનીક જડતી સ્કવોડના સુબેદાર મહેન્દ્રસિંહ જાડેજા બીજા જડતી સ્ટાફને સાથે રાખી નવી જેલ-૦૨ યાર્ડ નં. ૨ બેરેક નં. ૨ની જડતી કરતાં હતાં ત્યારે આરોપી સાવંત ઉર્ફ લાલી સંજયભાઇ વાઘેલાની જડતી કરતાં તેણે પહેરેલા બરમુડામાંથી નોકીયા કંપનીનો કાળા કલરનો એક મોબાઇલ ફોન મળી આવ્યો હતો. આ ફોન જેલ સહાયક દિગ્વીજયસિંહ વાળાએ શોધી કાઢ્યો હતો.

આ ઉપરાંત યાર્ડ નં. ૨ની બેરેક નં. ૩માં તપાસ કરતાં સંડાસ બાથરૂમની દિવાલની ઉપરના ભાગે આવેલા લેમ્પના વાયરમાં ચાર્જીંગ થઇ રહેલો બીજો એક સેમસંગ કંપનીનો બ્લુ રંગનો ફોન મળી આવ્યો હતો. સાથે ચાર્જર પણ હતું. આ બીનવારસી ફોન-ચાર્જર જેલ સહાયક અતુલભાઇ ભેડાએ શોધી કાઢ્યા હતાં. પ્રતિબંધીત મોબાઇલ ફોન અને ચાર્જર મળતાં એક કેદીના નામ જોગ અને બીજા અજાણ્યા જોગ ફરિયાદ નોંધાવી હતી.

થોડા દિવસો પહેલા અમદાવાદજની જડતી સ્કવોડે જેલમાં સંડાસના પોખરામાં દાટેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતાં. ત્યાં હવે હત્યાના ગુનાના કાચા કેદીના બરમુડામાંથી અને સંડાસ બાથરૂમની દિવાલ પરથી બે ફોન અને એક ચાર્જર મળી આવ્યા છે.

નોંધનીય છે કે જેની પાસેથી ફોન મળ્યો એ સાવંત ઉર્ફ લાલી વાઘેલાએ વર્ષ ૨૦૧૬ની ૩૧મી ઓગષ્ટના રાતે જંકશન પ્લોટ ૧૫માં  રાજપુત માતા-પુત્રીના વૃજવિહારનામના મકાનમાં ઉપરના માળે ભાડેથી રહેતાં જીજ્ઞેશ જગદીશભાઇ ગોકાણી (ઉ.વ.ર૯) નામનાં લોહાણા વેપારીની છરી ઝીંકી હત્યા કરી હતી. આ ગુનામાં સાવંત ઉર્ફ લાલી સાથે તેનો મિત્ર સતિષ પરમાર પણ સામેલ હતો. બંને રાતે ચોરી કરવાના ઇરાદે નીકળ્યા ત્યારે જીજ્ઞેશ ગોકાણીના ઘર પાસે ઉભા રહી પેશાબ કરતાં હોઇ જીજ્ઞેશે દૂર જવાનું કહેતાં લાલીએ તેના પર હુમલો કરતાં જીજ્ઞેશે બચાવ માટે તેના વાળ પકડી લેતાં લાલીએ છરીનો ઘા ઝીંકી દીધો હતો અને તે તથા સતિષ ભાગી ગયા હતાં.

રહસ્યમય એવી આ હત્યાનો ભેદ એ વખતે ઘટનાના બાર દિવસ પછી ક્રાઇમ બ્રાંચની ટીમના પી.એસ.આઇ. કે. બી. રાજવી, ભાનુભાઇ મિંયાત્રા, ફિરોઝભાઇ શેખ, ભરતસિંહ ગોહિલ અને કૃપાલસિંહ ઝાલાને મળેલી બાતમી પરથી ઉકેલાયો હતો. ત્યારે સાવંત ઉર્ફ લાલી જામનગર રોડ વાલ્મીકી વાડી પાસે ઝૂપડપટ્ટીમાં રહેતો હતો. હત્યા બાદ તે અને સતિષ પોતપોતાની રીતે રખડતા રહ્યા હતાં. હત્યા થઇ ગયાની બંનેને ખબર પણ નહોતી. ક્રાઇમ બ્રાંચના ભાનુભાઇ મિંયાત્રા અને પી.આઇ. નિનામાએ વિડીયો ફૂટેજને આધારે તપાસ કરતાં આ બંનેની ઓળખ થઇ હતી.

હવે સાવંત પાસેથી જેલમાંથી ફોન મળતાં તેનો પ્ર.નગર પોલીસ કબ્જો મેળવી તેને જેલમાં ફોન કઇ રીતે મળ્યો? કોણે આપ્યો? તે સહિતના મુદ્દે તપાસ કરશે. પીઆઇ વી. એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એમ. બી. ગોસ્વામીએ વિશેષ તપાસ હાથ ધરી છે.

(11:30 am IST)