Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

ચોમાસુ મગફળીના વાવતેર માટે ખેડૂતો જોગ કૃષિ વૈજ્ઞાનિક ભલામણ

બિયારણ, ખાતર અને દવા મેળવી લેવી

રાજકોટઃ આગામી ચોમાસાની ઋતુમાં મગફળીનું વાવેતર કરતા ખેડૂતોએ જાત પસંદગી અને વાવેતર સમયે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે ગ્રામીણ કૃષિ મૌસમ સેવા, સૂકી ખેતી સંશોધન કેન્દ્ર, જુ.કૃ.યુ.,તરદ્યડિયા દ્વારા કૃષિ વૈજ્ઞાનિક ભલામણો કરાઇ છે.

જે મુજબ ચોમાસુ મગફળીમાં આગોતરું વાવેતર કરતા ખેડૂતોએ જીજી-૨૨, જીજી-૨૦, જીજી-૧૧ જાતના બિયારણની પસંદગી કરવી તથા ચોમાસું મગફળીના આગોતરા વાવેતર માટે જમીનની તૈયારી કરવી અને સેન્દ્રિય ખાતર ઉમેરવું. વાવેતર સમયે સિંગલ સુપર ફોસ્ફેટ ૧૫૬ કી.ગ્રા./હે., એમોનીયમ સલ્ફેટ ૬૨ કી.ગ્રા./હે., અને એરંડીનો ખોળ ૫૦૦ કી.ગ્રા./હે. અથવા ડી.એ.પી. ૫૪ કી.ગ્રા. અને જીપ્સમ ૫૦૦ કી.ગ્રા./હે. સાથે એરંડીનો ખોળ ૫૦૦ કી.ગ્રા./હે. પાયામાં આપવો.

 જયારે વરસાદ આધારીત મગફળીનું વાવેતર કરતા ખેડૂતોએ અર્ધ વેલડી જીજી-૨૦, જીજી-૨૨,ઉભડી –જીજી-૨, જીજેજી-૩૨, ટીજી-૫૧, ટીએજી-૨૪, ટીએલજી-૪૫, ટીપીજી-૪૧ તથા ટીજી-૩૭-એ પૈકી જાતના બિયારણની પસંદગી કરવી તથા ૨.૫ કી.ગ્રા./હે ટ્રાયકોડર્માં ફૂગનો પાઉડર ૫૦૦ કી.ગ્રા./હે એરંડીનાં ખોળ સાથે મિશ્ર કરી પાયામાં વાવણી સમયે આપવો. વાવતી વખતે બિયારણને થાયરમ અથવા મેન્કોઝેબ અથવા વાયટાવેક્ષ દવાનો ૨-૩ ગ્રામ/કી. બીજને પટ આપવો.મગફળીમાં સફેદ મુંડાનાં નિયંત્રણ માટે કલોરોપાયરીફોસ ૨૦ % ઈસી દવાનો ૨૫ મિલી ૧ કી.ગ્રા. બીજને વાવેતર પહેલા પટ આપવો.

 ખાસ કરીને આગામી ચોમાસું માટે પસંદગીના કોઇપણ પાક માટેનું બિયારણ, જરૂરી ખાતર અને દવા સમયસર મેળવી લેવું. ખાનગી કં./અન્ય પાસેથી ખરીદેલ બીજનો ઉગાવો થોડું સેમ્પલ લઈ ચકાસી લેવા યાદીમાં જણાવાયું છે.

(11:29 am IST)