Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

R.M.C.માં ૯૮ લાખનું મોબાઇલ-પેટ્રોલ એલાઉન્સઃ કૌભાંડની ગંધ

ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮માં ૭૦૦ કર્મચારીઓને મોબાઇલ અને પેટ્રોલ એલાઉન્સ કેવી રીતે આપ્યું ?: લોકલ ઓડીટ ફંડે મ્યુ. કમિશ્નરને ખુલાસો પુછતાં ખળભળાટ : અનેક અધિકારીઓ કોર્પોરેશનનાં વાહનોનાં ઉપયોગ કરે છે છતાં પેટ્રોલ એલાઉન્સ લેતા હોવાના કિસ્સા અગાઉ ઝડપાયા હતા

રાજકોટ તા. ૪ :..  મ્યુ. કોર્પોરેશનનાં કર્મચારીઓને આપવામાં આવતુ મોબાઇલ અને પેટ્રોલનાં એલાઉન્સમાં જબરા ગોટાળા હોવાની શંકાએ રાજય સરકારની લોકલ ઓડીટ ફંડની કચેરીએ ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮ એબ બે વર્ષમાં ૭૦૦ કર્મચારીઓને અપાયેલ આ બન્ને એલાઉન્સની અપાયેલ કુલ ૯૮ લાખની રકમ અંગે કવેરી કાઢીને આટલી મોટી રકમ કેવી રીતે ? શા માટે ? ચૂકવી તે બાબતનો ખૂલાશો  મ્યુ. કમિશનરનો પૂછયો હોવાનું જાણવા મળતાં ખળભળાટ મચી ગયો છે.

આ અંગે સત્તાવાર સુત્રોમાંથી પ્રાપ્ત માહીતી મુજબ મ્યુ. કોર્પોરેશન દ્વારા કલાસ-૧ અધિકારીઓ સહિત આવશ્યક સેવાનાં કર્મચારીઓ, ફિલ્ડવર્કનાં કર્મચારી - અધિકારીઓ વેરા વસુલાતનાં અધિકારીઓ - કર્મચારીઓ, જગ્યા રોકાણ વિભાગનાં કર્મચારીઓ - અધિકારીઓ વગેરે સહિતનાં કર્મચારી-અધિકારીઓને મોબાઇલ રિચાર્જ અને તેઓનાં વાહનોમાં પેટ્રોલ ભરાવવા માટે પેટ્રોલ એલાઉન્સ આપવામાં આવે છે.

આ મુજબ ર૦૧૬-૧૭ અને ર૦૧૭-૧૮ એમ આ બે વર્ષ દરમિયાન ૭૦૦ કર્મચારીઓને કુલ ૯૮ લાખનું મોબાઇલ રિચાર્જ ત્થા પેટ્રોલનું એલાઉન્સ આપવામાં આવ્યુ હતું.

મોબાઇલ અને પેટ્રોલ એલાઉન્સ માટેે બે વર્ષમાં આટલી મોટી રકમ ખર્ચાઇ ગયાનું લોક ઓડીટ ફંડનાં ઓડીટ દરમિયાન બહાર આવતાં સરકારનાં આ વિભાગની આંખો પહોળી થઇ હતી. અને આમાં કયાંક ગોટાળો થયો હોવાની શંકા જતાં બીલમાં કવેરી કાઢી હતી.

સરકારનાં આ ઓડીટરે મ્યુ. કમિશનરશ્રીને વિસ્તૃત પત્ર પાઠવી ઉકત બે   વર્ષે દરમિયાન અપાયે મોબાઇલ-પેટ્રોલ એલાઉન્સની રકમ બરાબર છે કે ભૂલ છે ? કર્મચારી - અધિકારીઓને કેવી રીતે આ એલાઉન્સ કેવી રીત અપાયુ છે ? વગેરે બાબતોનો ખૂલાશો કરવા અને જે કર્મચારી  - અધિકારી લાયકાત ધરાવતા ન હોવા છતાં આ બંને એલાઉન્સ ચૂકવાયા હોય તો તેની પાસેથી રિકવરી કરવા સહિતની ભલામણો કરી હોવાનું જાણવા મળ્યું છે.

અત્રે નોંધનીય છે કે અગાઉ પણ મ્યુ. કોર્પોરેશનનાં બે - ત્રણ અધિકારીઓ મ્યુ. કોર્પોરેશનનાં વાહનોનો ઓફીસ સમય દરમિયાન ઉપયોગ કરતાં હોવા છતાં પેટ્રોલ એલાઉન્સ મેળવતાં હોવાનાં કિસ્સાઓ બહાર આવ્યા હતાં.

ત્યારે હવે સરકારનાં લોકલ ઓડીટ ફંડે પણ  કર્મચારીઓ - અધિકારીઓને અપાયેલ ૯૮ લાખ જેટલી માતબર રકમનાં એલાઉન્સી લ્હાણી કરી દેવા સામે સવાલો ઉઠાવતાં. આ બાબતે જો ઉંડી તપાસ થશે અને રિકવરી થશે તો જબરૂ કૌભાંડ બહાર આવશે.

(3:09 pm IST)