Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સનસીટી એન્કલેવમાં આઇટીઆઇના વિદ્યાર્થી જીત જોષીને ત્રણ જણે પાઇપ ફટકારી હાથ ભાંગી નાંખ્યો

ગેઇટમાં વાહન અથડાવા પ્રશ્ને વિરેન્દ્ર વસંત, સચીન પટેલ અને પ્રણવ ભટ્ટે હુમલો કર્યાની ફરિયાદ

રાજકોટ તા. ૫: રૈયાધાર પાણીના ટાંકા સામે સનસીટી એન્કલેવમાં રહેતાં અને આઇટીઆઇમાં અભ્યાસ કરતાં ૧૮ વર્ષના બ્રાહ્મણ છાત્રનું ટુવ્હીલર સનસીટીમાં જ રહેતાં આધેડના વાહન સાથે સ્હેજ અથડાતાં બોલાચાલી થતાં આધેડ સહિત ત્રણ જણાએ હુમલો કરી ઢીકા-પાટુનો અને પાઇપથી માર મારી આ છાત્રનો હાથ ભાંગી નાંખતાં ઓપરેશન માટે દાખલ કરવો પડ્યો હતો.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે સનસીટી એન્કલેવ એ-વિંગ ફલેટ નં. ૧૦૨માં રહેતાં અને નોકરી કરતાં સંજયભાઇ મુળશંકરભાઇ જોષી (ઉ.૫૨)ની ફરિયાદ પરથી સનસીટી એન્કલેવમાં જ રહેતાં વિરેન્દ્રભાઇ વસંત, સચીનભાઇ પટેલ અને પ્રણવભાઇ ભટ્ટ સામે આઇપીસી ૩૨૫, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

સંજયભાઇના કહેવા મુજબ તેનો દિકરો જીત આઇટીઆઇમાં અભ્યાસ કરે છે. તે ગઇકાલે બહારથી ટુવ્હીલર લઇને ગેઇટમાં આવ્યો ત્યારે વિરેન્દ્રભાઇના વાહન સાથે અથડાઇ જતાં તેના સહિત ત્રણ જણાએ ઝઘડો કરી હુમલો કર્યો હતો. ગાળો દઇ મોઢા નાક પર ધુંબા મારતાં લોહી નીકળી ગયા હતાં. તેમજ જમણા હાથમાં પાઇપ ફટકારાતાં ફ્રેકચર થઇ જતાં કોઠારી હોસ્પિટલમાં ઓપરેશન કરવું પડ્યું હતું. એએસઆઇ ખુશ્બુબેન આર. કાનાબારે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:58 pm IST)