Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

સમસ્ત બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર આયોજીત શ્રી બાજ મહાકુંભ અંતર્ગત ભાગવત્ સપ્તાહના વિરામ પ્રસંગે વૃક્ષોના રોપાનું વિતરણ

રાજકોટઃ. સમસ્ત બાજ ખેડાવાળ બ્રાહ્મણ પરિવાર દ્વારા માં ક્ષીરજામ્બા માતાજીના જ્યોત મંદિર માટે ગોપાલ ચોક, સાધુ વાસવાણી રોડ ખાતે યોજાયેલ બાજ મહાકુંભ-૨૦૧૯, શ્રીમદ્દ ભાગવત્ સપ્તાહની પૂર્ણાહૂતિ થઈ હતી. શાસ્ત્રી ભાગવતાચાર્ય કૌશિકભાઈ ભટ્ટના વ્યાસાસને યોજાયેલ ભાગવત્ કથાના અંતિમ દિને આશિર્વચન પાઠવવા આચાર્ય મહાસભાના સંયોજક-મહામંત્રી અને રાજકોટ આર્ષ વિદ્યામંદિર-મુંઝકાના પરમાધ્યથી શ્રી પરમાત્માનંદજી સરસ્વતીજી ઉપસ્થિત હતા. તેઓએ કાર્યની સફળતા સાથે ભુદેવોની એકતા પર ભાર મુકયો હતો. વેદ-વેદાંતો પર પ્રકાશ પાડયો હતો અને માત્ર યુવાનો જ નહિ તેમના બાળકો પણ ખૂબ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. સાતેય દિવસ સૌરાષ્ટ્રભરમાંથી દાનનો પ્રવાહ અવિરત વહી રહ્યો હતો. જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને જ્ઞાતિના મહિલા અગ્રણી સીમાબેન (ઈન્દિરાબેન) દિનેશભાઈ જોષીના સહયોગથી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ, ભાજપ અગ્રણી નાગદાનભાઈ ચાવડા અને તાલુકા પંચાયતના પ્રમુખ અને સેવા કર્મી ઘોઘુભા જાડેજા દ્વારા એકાવન હજારનું પ્રેરક અનુદાન મળ્યુ હતું. જ્યારે કથાના અંતિમ દિને દરેક કુટુંબને વન્ય પર્યાવરણ પ્રત્યે શ્રધ્ધા, ચેતના જગાવતા કુંડામાં, ખાડામાં વાવી શકાય તેવા વૃક્ષોનું વિતરણ કરાયું હતું. તમામ જ્ઞાતિજનોએ માતાજીના જ્યોત મંદિર માટે અભિપ્રાય આપ્યા હતા. સમગ્ર બાજ ખેડાવાળ જ્ઞાતિના કાર્યકરો કાર્યરત હતા. આ સપ્તાહની સોમવારે પૂર્ણાહૂતિ થઈ હતી. દેશમાં દિવસેને દિવસે ગરમીનો પારો વધતો જોવા મળી રહ્યો છે. લોકો ગરમીના કારણે ત્રાહિમામ પોકારી ગયા છે. ઓફિસ કે ઘરમાં રહેલા એ.સી. પણ કામ નથી કરી રહ્યા ત્યારે તેની પાછળ પણ મનુષ્ય જ જવાબદાર છે. ગરમીથી બચવા માટેનો એક માત્ર ઉપાય છે વૃક્ષ વાવવા ત્યારે રાજકોટમાં યોજાયેલ ભાગવત્ સપ્તાહમાં ભાવિકોને પ્રસાદ રૂપે વૃક્ષો આપવામાં આવ્યા હતા, પ્રસાદ એટલે આપવામાં આવ્યો હતો કેમ કે પ્રસાદનો કોઈ અનાદર ના કરે અને તે વૃક્ષનું જતન થાય. સપ્તાહથી વ્યાસપીઠ પર બિરાજમાન શાસ્ત્રી કૌશિકભાઈ ભટ્ટે વૃક્ષનું કેવી રીતે જતન કરવું અને તેની કઈ રીતે સંભાળ રાખવી તેનુ મહત્વું છે ? તે સપ્તાહ દરમિયાન લોકોને સમજાવ્યું હતું.

(3:38 pm IST)