Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

'કલ્પના'ને કલાનું રૂપ... કેનવાસ ઉપર કૌશલ્ય કંડારાયું

સૌ પ્રથમ વાર મહિલા ચિત્રકાર પૂજાબેન પોપટનું ૧૦૦થી વધારે ચિત્રોનું ભવ્ય સોલો, પેઇન્ટીંગ એકઝીબીશન : એબ્સ્ટ્રેકટ, મોર્ડન, ફલુઇડ, કન્ટેમ્પરરી, નાઇફ આર્ટ અને ઇન્ટયુટીવ ચિત્રકળાને ત્રણ દિ' નિહાળવાનો મોકો મળશે ડો.શ્યામાપ્રસાદ આર્ટ ગેલેરીમાં

રાજકોટ,તા.૫: શહેરમાં અવાર-નવાર કોઇને કોઇ કલાકારની કલાને નિહાળવાનો મોકો લોકોને મળતો રહે છે...માણસમાં ગમે તે પ્રકારની કલા ભગવાનની દેન ગણાય છે, એવી જ રીતે ચિત્રકલા પણ ભગવાનની ભેટ માનવામાં આવે છે ત્યારે સૌ પ્રથમ વાર ૧૦૦થી વધારે  સોલો અને ફીમેલ પેઇન્ટીંગ એકઝીબીશનમાં  પૂજાબેન પોપટની 'કલ્પના'ને કલાના રૂપમાં નિહાળવાનો કૌશલ્યપ્રેમી પ્રજાને મોકો મળવાનો છે.

ભગવાનની ભેટ સમાન ચિત્રકળા માનવ જાત માટે અનમોલ છે...કોઇ પણ કલામાં પારંગત થવા માટે પહેલા કોઇ જાણકાર વ્યકિત પાસેથી તાલિમ લેવી પડે છે અથવા તો એના અભ્યાસમાં જોડાઇને ડીગ્રી મેળવવાની હોય છે પરંતુ કોઇ ડીગ્રી કે તાલિમ વગર પારંગત થવું એ કાઇ સિધ્ધિથી ઓછુ નથી...એવી જ રીતે માત્ર પિતાની પ્રેરણા અને પોતાની સુઝબુઝથી ચિત્રકળામાં પારંગતતા હાંસલ કરનાર રાજકોટના સૌ પ્રથમ મહિલા ચિત્રકાર શ્રીમતી પૂજાબેન પિનાકભાઇ પોપટ દ્વારા ૧૦૦થી વધારે ચિત્રોનું સોલો, ફીમેલ પેઇન્ટીંગ એકઝીબીશન તા.૮ થી ૧૦ એમ ત્રણ દિવસ ડો. શ્યામાપ્રસાદ મુર્ખજી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે યોજાનાર છે...વિશિષ્ટરૂપ પ્રદર્શનનું ઉદઘાટન શુક્રવારે સવારે ૧૧ વાગ્યે થયા બાદ શનિ અને રવિવારે બપોરે ૩ વાગ્યાથી લોકો નિહાળી શકશે.

નવાઇની વાત એ છે કે, શહેરમાં સો પ્રથમ વખત યોજાનાર ત્રિદિસીય સોલો, ફીમેલ પેઇન્ટીંગ એકઝીબીશનમાં એબ્સ્ટ્રેકટ આર્ટ, મોર્ડન આર્ટ, ફલુઇડ આર્ટ, કન્ટેમ્પરરી આર્ટ, નાઇફ આર્ટ, સ્પીરીચ્યુઅલ આર્ટ, ઇન્ટયુટીવ આર્ટ અને એડીટીવ્સની મદદથી બનાવેલા ચિત્રોનો સમાવેશ થાય છે...પ્રદર્શનમાં મુકાનાર ચિત્રો કેનવાસ, વુડ પેપર જેવા વિવિધ પ્રકારના મટીરીયલ્સ ઉપર એક્રેલીક કલર્સ, ઇન્કકલર્સ, ચારકોલ સાથે સાથે અનેકવિધ મીડીયમ અને એડીટીવ્સની મદદથી બનાવી ે  આકર્ષકરૂપ અપાયુ હોવાથી જોનારા સૌ કોઇ બે ઘડી વિચારતા થઇ જશે એવો પૂજાબેન પોપટને પુરો વિશ્વાસ છે.

ચિત્રયાત્રા વિશે વર્ણવતા પૂજાબેન પોપટનું કહેવું છે ક, જુનાગઢમાં શાળાનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી રાજકોટમાં બેચલર ઓફ કોમ્પ્યુટર એન્જીનિયરીંગ અને માસ્ટર્સ ઓફ કોમ્પ્યુટર એન્જીનિયરીંગની ડીગ્રી મેળવી કોઇ પણ પ્રકારની તાલિમ કે ડીગ્રી લીધા વિના જ માત્ર પિતાના પ્રેરણાબળ અને આત્મવિશ્વાસના સહારે મહેનત કરી અંદર છુપાયેલી શકિતને ઉજાગર કરી છે...જેમ-જેમ શીખવાનો પ્રયાસ કર્યે રાખ્યો તેમ-તેમ મનોબળ વધતાની સાથે જ નિપુણતા પણ આવતી ગઇ, ૨૦૧૩માં રાજકોટની અમી છગ આર્ટ ગેલેરીમાં પ્રથમ વખત ચિત્ર પ્રદર્શન કર્યા બાદ કલાની યાત્રા આગળને આગળ વધવા લાગી...એવી જ રીતે રશિયન એબ્સ્ટ્રેકટ આર્ટીસ્ટ વસીલી કેન્ડીન્સ્કીના કલાભિગમથી પ્રેરિત થઇ આગળની યાત્રા એબ્સ્ટ્રેકટ ફોર્મમાં નિરૂપિત થઇ.

વધુમાં પૂજાબેને ઉમેર્ર્યુ હતુ કે, એબ્સ્ટ્રેકટ આર્ટ ફોર્મ આધુનિક કલા પધ્ધતિ છે.જે કલાકાર અને કલારસીક એમ બન્નેને કલા સાથે જોડવાની જેમ જ માણવાનો  એક જુદી જ પ્રકારનો સ્વતંત્ર દ્રષ્ટિકોણ પ્રદાન કરે છે...એવી જ રીતે અન્ય અત્યાધુનિક કલા પધ્ધતિ ફલુઇડ આર્ટ પણ જીવન જીવવાની રીતને દાર્શાનિક સ્વરૂપ આપે છે.

કલાયાત્રાને આગળ ધપાવવામાં કલા પ્રત્યેના અતૂટ લગાવ, દ્રઢ નિશ્ચય, ધીરજ અને પરિવારજનોના સાથ-સહકારને શ્રેયરૂપ ગણાવી  ચિત્ર પ્રદર્શનમાં એબ્સ્ટ્રેકટ ફલોરલ સીરીઝ, એબ્સ્ટ્રેકટ લેન્ડસ્કેપ, એબ્સ્ટ્રેકટ સીસ્કેપ, સ્પીરીચયુઅલ આર્ટ સમાવિષ્ટ હોવાથી એક વાર જરૂર માણવા પૂજાબેન પોપટ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવાયું છે.

શોખ શિરમોર... કોમ્પ્યુટરના કિબોર્ડ કે માઉસને બદલે પકડી પીંછી

દરેક વ્યકિતમાં કોઇને કોઇ પ્રકારની આંતરિક શકિત છુપાયેલી હોય છે... જો સમય રહેતા એને પારખી લેવામાં આવે તો જરૂર બેડો પાર થઇ જાય.

કહેવાય છે ને કે, માણસના જીવનમાં શોખ મોટી વાત છે.ગમે તે વ્યકિત પોતાના મનપસંદ કામમાં પરોવાય તો જરૂર એકના એક દિવસ પારંગત થઇને જ રહે છે.એવી જ રીતે પૂજાબેન પોપટે પણ માસ્ટર ઇન કોમ્પ્યુટર અન્જીનિયરીંગ જેવી ડીગ્રી મેળવ્યા બાદ આસી. પ્રોફેસર તરીકે નોકરી પણ કરી હતી.પણ મનમાં તો ચિત્રકાર થવાની ઇચ્છા હોવાથી પોતાના લક્ષ્યને પાર પાડવા માટે કોમ્પ્યુટરના માઉસ કે કિબોર્ડને છોડીને પીંછી પકડી લીધી...

તેમને પહેલેથી જ પીંછી પ્રત્યે લગાવ હોવાને નાતે ચાલુ અભ્યાસમાં પણ ચિત્રકલાના શોખને જીવંત રાખ્યો હતો.

અત્રે નોંધનીય છે કે, પૂજાબેન ચિત્રકળાની સાથે સાથે રાષ્ટ્રીય સ્તરના સારા એવા સ્વીમર પણ છે...તો ગાયન, હાર્મોનિયમ અને વાદનમાં પણ વિશારદની ડીગ્રી મેળવી ચુકયા છે.

Facebook  :   pooja's art studio

Gmail       :   Pinnacleartstudio@gmail.com

Youtube    :   Pooja vaishnav popat

Instagram  :   @poojavaishnavpopat_art

Vango      :   www.vangoart.co/pooja-popat1

Wordpress     :        Poojavaishnav.wordpress.com

(3:43 pm IST)