Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

જિલ્લા પંચાયતના સુકાનીઓની ચૂંટણી ૨૦મીએઃ ખરાખરીનો ખેલ

વિકાસ કમિશનરે તારીખ જાહેર કરીઃ કલેકટરના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળશેઃ રાજકીય ગરમાવો

રાજકોટ, તા. ૫ :. રાજ્યના વિકાસ કમિશનરે જુદા જુદા જિલ્લાઓના પંચાયત પ્રમુખો અને ઉપપ્રમુખોની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ૨૦ જૂને બુધવારે સવારે ૧૧ વાગ્યે કલેકટરની અધ્યક્ષતામાં બેઠક મળશે. ચૂંટણીની તારીખ જાહેર થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.

જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ વિરાણી અને ઉપપ્રમુખ અવસરભાઈ નાકીયાની મુદત તા.૨૧ જૂને પુરી થઈ રહી છે. તેના પૂર્વ દિને ચૂંટણી જાહેર કરવામાં આવી છે. બન્ને હોદા માટે તા. ૧૯મીએ સવારે ૧૧ થી બપોરે ૨ વાગ્યા સુધી ઉમેદવારી પત્રો રજુ કરવાના રહેશે. તે જ દિવસે ચકાસણી થશે. જો એક પદ માટે એકથી વધુ ઉમેદવારી પત્ર રજુ થાય તો બીજા દિવસે સામાન્ય સભામાં મતદાન કરાવવામાં આવશે નહિતર જે તે ઉમેદવારને બીનહરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આ વશે.

જિલ્લા પંચાયતમાં ૩૬માંથી ૩૪ બેઠકો કોંગ્રેસ પાસે છે. મુખ્યત્વે પાટીદાર, દલીત અને બક્ષીપંચ સમાજના સભ્યો ચૂંટાયેલા છે. આ વખતે સામાન્ય વર્ગની મહિલા માટે પ્રમુખ પદ અનામત છે. પ્રમુખ પદ અને કારોબારી ચેરમેન પદ માટે વિશેષ ખેંચતાણ છે. ટૂંક સમયમાં કોંગ્રેસ દ્વારા સભ્યોની સેન્સ લેવામાં આવશે. જિલ્લા પંચાયત કોંગ્રેસમાં નવાજૂની થવાની સંભાવનાના પગલે ભાજપના આગેવાનો પણ સજાગ થઈ ગયા છે.

(12:43 pm IST)