Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

માનવતાની મહેક : 'રોલેકસ એસએનકે કોવિડ સેન્ટર'માં કોરોનાના દર્દીઓની નિઃશુલ્ક સારવાર

બીએપીએસ, રાજકોટ બિલ્ડર એસોસીએશન, જીઆઇડીસી લોધીકા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, ઇન્ડીયન મેડીકલ એસોસીએશન તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો પણ વિશેષ સહયોગ : તબીબી દેખરેખ એચસીજી હોસ્પિટલ ગ્રુપ સંભાળશે : દર્દીને બન્નેટાઇમ ભોજન અને હળદરવાળુ દુધ તેમજ મનોરંજન માટે પણ સુવિધાઓ ઉપલબ્ધ : ટ્રાન્સપોર્ટેશન સેવા પણ ફ્રી

રાજકોટ તા. ૫ : કોરોના વાઇરસ સંક્રમણ વધતા લોકોમાં ચિંતા પ્રસરી છે. દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. હોસ્પિટલોમાં બેડ ન મળવાની સમસ્યાઓ સર્જાઇ રહી છે.

ત્યારે આવા કપરા સમયે માનવતાની મહેક પ્રસરાવવા રોલેકસ રીંગ્સના મુખ્ય આર્થીક સહયોગથી અને ધ ગેલેકસી એજયુકેશન સીસ્ટમ (ટીજીઇએસ) ના કેમ્પસ યોગદાનથી સૌરાષ્ટ્ર યુનિ. રોડ પર આવેલ એસ.એન.કે. સ્કુલ કેમ્પસમાં તદ્દન નિઃશુલ્ક ધોરણે 'રોલેકસ એસએનકે કોવિડ સેન્ટર' નો પ્રારંભ કરવામાં આવ્યો છે.

આ ઉમદા સેવાયજ્ઞમાં બોચાસણવાસી અક્ષરપુરૂષોતમ સ્વામીનારાયણ સંસ્થાના પૂ. અપૂર્વમુની સ્વામી, રાજકોટ બિલ્ડર એસોસીએશન, જીઆઇડીસી લોધીકા ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, રાજકોટ એન્જીનીયરીંગ એસોસીએશન, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસીએશન, ઇન્ડીયન મેડીકલ એસોસીએશન તથા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સનો પણ વિશેષ સહયોગ મળ્યો છે.

હાલ ઓકસીજન સાથે ૫૦ બેડની સુવિધા સાથે શરૂ કરાયેલ કોવિડ સેન્ટરમાં જરૂરયાત મુજબ ૫૦૦ બેડની સુવિધા ઉપલબ્ધ કરાવાશે. સમગ્ર કોવિડ સેન્ટરનું સંચાલન એચસીજી હોસ્પિટલ ગ્રુપ સંભાળી રહેલ છે.

દવા, ઓકસીજન, તબીબી માર્ગદર્શન, ચેકઅપ સહીતની સુવિધા નિઃશુલ્ક છે. ઉપરાંત સવારનો નાસ્તો અને બપોરે તથા રાત્રીનું ભોજન બીએપીએસ સંસ્થા તરફથી તેમજ બપોરની ચા અને રાત્રે હળદરવાળુ દુધ ટી પોસ્ટ તરફથી નિઃશુલ્ક આપવામાં આવે છે.

દર્દીઓનું મનોબળ વધારવા અહીં સવારે ભજન, આરતી, મોટીવેશનલ સ્પીચ પણ ગોઠવવામાં આવે છે. દરેક વોર્ડમાં ટી.વી. સેટ, મ્યુઝીક સીસ્ટમ લગાવવામાં આવી છે. દર્દીના હાલચાલ તેમજ રીપોર્ટ કાર્ડ વોટસએપ મારફત દરરોજ સાંજે દર્દીના પરિવારજનોને મોકલવામાં આવશે.

એસ.એન.કે. સ્કુલના ૬ વાહનોમાં ઓકસીજન સાથેની એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે. જેથી દર્દીને ટ્રાન્સપોર્ટેશનની સુવિધામાં મદદરૂપ બની શકાય.

કઆ કોવિડ સેન્ટરમાં દર્દીઓની સાર સંભાળ માટે અનુભવી અને કવોલીફાઇડ તબીબોની ટીમ તેમજ નર્સીંગ સ્ટાફ નિમણુક કરાયો છે. જેઓ કોવિડના તમામ પ્રોટોકોલનું કાળજીપુવ્ર્ક પાલન કરશે.

એસ.એન. કે. સ્કુલ ખાતે શરૂ કરાયેલ આ રોલકસ એસએનકે કોવિડ સેન્ટરમાં દાખલ થવા કે દર્દીની જાણકારી મેળવવા કે અન્ય વધુ માહીતી માટે મો.૬૩૫૮૮ ૪૫૬૮૪ ઉપર સંપર્ક કરવા જણાવાયુ છે.

(3:50 pm IST)