Gujarati News

Gujarati News

News of Wednesday, 5th May 2021

આવુ પણ બને...ત્રંબાના શંભુભાઇ નિરાંતે વાડીએ જતા'તા, રસ્તામાં કારની ઠોકરે ચડ્યાઃ હોસ્પિટલે પહોંચાડ્યા તો ખબર પડી કોરોના છે!

પુત્ર અમિત નસિત લોકોનું ટોળુ જોઇ શું થયું તે જોવા ગયો...તો ખબર પડી કે તેમના પિતાજીને જ અકસ્માત નડ્યો છેઃ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા પણ ત્યાં બેડ નહોતોઃ કોવિડ-૧૯ રિપોર્ટ થતાં પોઝિટિવ આવતાં હોમ કવોરન્ટાઇન કરાયાઃ કાર ચાલક સામે ગુનો

રાજકોટ તા. ૫: હાલમાં કોરોનાનું સંક્રમણ ચોતરફ એટલી હદે ફેલાયેલુ છે કે કોણ કયારે કોરોનાની જાળમાં આવી જાય છે તેની ખબર પણ રહેતી નથી. કંઇક આવી જ એક ઘટના બની છે જેમાં ત્રંબા ગામના ૬૦ વર્ષના પટેલ ખેડૂતને પોતે કોરોના પોઝિટિવ હોવાની ખબર જ નહોતી. પરંતુ ઢાંઢણી ગામના પાટીયા પાસે તે ટુવ્હીલર સાથે રસ્તો ઓળંગવા માટે ઉભા હતાં ત્યારે કારની ઠોકરે ચડી જતાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલે ખસેડાયા તે વખતે કોવિડ-૧૯ રિપોર્ટ થતાં પોઝિટિવ હોવાનું ખુલ્યું હતું. હોસ્પિટલમાં જગ્યા ન હોઇ તેમણે હોમ કવોરન્ટાઇન રહીને સારવાર ચાલુ કરી છે. બીજી તરફ કાર ચાલક સામે પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે.

આજીડેમ પોલીસે ત્રંબા ગામમાં રહેતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં અમિત શંભુભાઇ નસિત (પટેલ) (ઉ.વ.૩૪)ની ફરિયાદ પરથી ભોમેશ્વર સોસાયટી-૯માં રહેતાં જીજે૦૧કેઇ-૬૭૦૦ નંબરની વેગનઆર કારના ચાલક રવિ રમેશભાઇ યાદવ સામે આઇપીસી ૨૭૯, ૩૩૭, એમવીએકટની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

અમિત નસિતે ફરિયાદમાં જણાવ્યું છે કે ૩/૫ના રોજ સવારે સાડા દસેક વાગ્યે હું મારી ત્રંબા ગામે રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલી ઢાંઢણીના પાટીયાની ગોળાઇ પાસેની વાડીએ હતો. આ વખતે ઢાઢણીના પાટીયા પાસે ગોળાઇમાં એક અકસ્માતનો બનાવ બન્યો હોઇ અને માણસો ભેગા થયેલા હોઇ ત્યાં જઇને જોતાં મારા પિતાજી શંભુભાઇ નસિત રોડ પર પડેલા જોવા મળ્યા હતાં. તેમને ડાબા પગે ગોઠણ નીચેના ભાગે ઇજા થઇ હતી અને ઉભા થઇ શકતાં નહોતાં.

મેં તેમને પુછતાં તેમણે કહ્યું હતું કે હું જ્યુપીટર ટુવ્હીલર ચલાવીને વાડીએ આવતો હતો અને ડિવાઇડર પાસે રોડ ક્રોસ કરવા વાહન સાથે ઉભો હતો ત્યારે ભાવનગરથી રાજકોટ તરફથી આવતી આ વેગનઆર કારની ઠોકરે ચડી ગયો છું.

બનાવ સ્થળે મારા પિતાનું ટુવ્હીલર રોડ પર પડેલુ હતું અને વેગનઆર કાર પણ ઉભી હતી. તેના ચાલકનું નામ પુછતાં  રવિ રમેશભાઇ યાદવ (રહે. ભોમેશ્વર સોસાયટી-૯) જણાવ્યું હતું.  કાર ચાલક ભાઇ અને હું મારા પિતાજીને પ્રાઇવેટ કારમાં બેસાડી રાજકોટ શિવ હોસ્પિટલે લઇ ગયા હતાં. ત્યાં કોરોનાના વધુ કેસને લીધે બેડ ખાલી નહોતો. પરંતુ હોસ્પિટલમાં કોવિડ-૧૯નો રિપોર્ટ કરાવતાં તે પોઝિટિવ આવ્યો હતો. હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધારે સંખ્યામાં હોઇ એકેય બેડ ખાલી ન હોવાથી મારા પિતાજી શંભુભાઇને દાખલ કરી શકાયા નહોતાં. જેથી હું મારા પિતાજીને ઘરે લાવ્યો હતો અને હોમ કવોરન્ટાઇન રાખી સારવાર ચાલુ કરાવી છે.

અકસ્માતમાં મારા પિતાજીને ઇજા પહોંચી હોઇ જેથી હવે ફરિયાદ નોંધાવી છે. તેમ વધુમાં અમિત નસિતે જણાવતાં આજીડેમના હેડકોન્સ. એસ. જે. બાલાસરાએ ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

(12:55 pm IST)