Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ઓકસીજન વિતરણ કરતી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન ફરજીયાતઃ રેમ્યા મોહન

હદ થઈ...રાજકોટમાં ઓકસીજન બોટલોની સંગ્રાહખોરી-કાળાબજાર શરૂ થતા કલેકટરની કડકાઈ

રાજકોટ, તા. ૪ :. શહેરમાં કોરોનાની બીજી લહેરમાં ગંભીર દર્દીઓને તાત્કાલિક ઓકસીજનની જરૂર પડતી હોય શરૂઆતમાં ઓકસીજનની અછત વર્તાતી હતી, પરંતુ હવે ઓકસીજન સરળતાથી મળી રહ્યો છે તેવા વખતે કેટલાક નઠારા તત્વો ઓકસીજનની બોટલોની સંગ્રહાખોરી અને કાળાબજાર કરતા હોવાનું કલેકટર રેમ્યા મોહનના ધ્યાને આવતા તેઓએ હવેથી ઓકસીજન વિતરણની સેવા આપતી સંસ્થાઓ - એજન્સીઓનું રજીસ્ટ્રેશન ફરજીયાત બનાવ્યુ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં હવે કોરોના કાબુમાં આવી રહ્યો છે. તેવા વખતે કેટલાક લોકો ભયના માર્યા કોરોના ન થયો હોવા છતાં ઓકસીજનની ગમે તે વખતે જરૂર પડશે તેની તૈયારી માટે ઓકસીજનની બોટલોની સંગ્રહાખોરી કરી હોવાના અનેક કિસ્સાઓ કલેકટરના ધ્યાનમાં આવ્યા છે કેમ કે શરૂઆતમા ઓકસીજનની બોટલોનું વિતરણ કરનાર બોલબાલા ટ્રસ્ટની ૪૦ બોટલો હજી પરત નથી આવી આથી આવી બોટલોનો કાંતો સંગ્રહ થયો છે અથવા ૧૫ થી ૨૦ હજારમાં કાળાબજારમાં દેવાય ગયા હોવાનું અનુમાન તંત્રવાહકો લગાવી રહ્યા છે.આમ હવેથી ઓકસીજન વિતરણ કરતી ૨૦ જેટલી સંસ્થાઓનું રજીસ્ટ્રેશન કરી તેનો સ્ટોક મેન્ટેઈન કરવામાં આવશે. આ માટે આજે કલેકટર રેમ્યા મોહને ઓકસીજન વિતરણ કરતી સંસ્થાઓ સાથે બેઠક યોજી અને ઓકસીજન બોટલોની સંગ્રહાખોરી તથા કાળાબજારી રોકવા પ્રયત્નો શરૂ કર્યા છે.

(3:34 pm IST)