Gujarati News

Gujarati News

News of Saturday, 5th May 2018

ટયુનીશીયાના વિજ્ઞાન મેળામાં ધોળકીયા સ્કુલનો પ્રોજેકટ છવાયો

કાર્બન કણમાંથી કાળી શાહી તૈયાર કરનાર પ્રિન્સ અકબરી અને સિધ્ધાર્થ ભેટારીયાને ગોલ્ડ મેડલ એનાયત : દેશનું ગૌરવ આભને આંબ્યુ : ઠેરઠેરથી શુભેચ્છાવર્ષા

રાજકોટ તા. ૫ : ધોળકીયા સ્કુલ અંગ્રેજી માધ્યમના ધો.૯ ના વિદ્યાર્થી પ્રિન્સ પ્રવિણભાઇ અકબરી અને સિધ્ધાર્થ રામસિંહભાઇ ભેટારીયાએ કાર્બન કણમાંથી કાળી શાહી બનાવવાના તૈયાર કરેલ પ્રોજેકટ આફ્રિકાના ટયુનિશીયા ખાતેના વિજ્ઞાન મેળામાં છવાય ગયો હતો. આ સિધ્ધી બદલ ગોલ્ડ મેડલ એનાયત કરાતા દેશનું ગૌરવ આભને અંબાવવામાં ધોળકીયા સ્કુલના આ છાત્રો નિમિત બન્યા છે.

આ વિદ્યાર્થીઓએ શાળાના વિજ્ઞના શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વાહનના સાયલેન્સરમાં તેમજ ફેકટરીની ચીમનીમાં બળતણના દહન બાદ જમા થતી નકામી કાર્બન ડસ્ટનો ઉપયોગ કરી બ્લેક ઇન્ક તૈયાર કરેલ. આમાં વિવિધ પ્રકારના ખાદ્યતેલનો ઉપયોગ કયો હતો. અનેક સંશોધનો અને અવલોકનોના અંતે નકામા કાર્બન પાર્ટીકલને ગ્રાઇન્ડર અને ફિલ્ટરની મદદથી ર.પ પી.એમ. ના ફાઇન પાર્ટીકલ્સ તૈયાર કરવામાં સફળતા મળી હતી.

બાદમાં આ પ્રોજેકટ ભારતના રાષ્ટ્રીય કક્ષાના વિજ્ઞાન મેળામાં બેંગ્લોર ખાતે રજુ થતા બીજા ક્રમ સાથે સિલ્વર મેડલથી નવાજીત થયેલ.

દરમિયાન આફિક્રકાના ટયુનિશિયા દેશમાં યોજાયેલ 'આઇએફઇએસટી-૨૦૧૮' માં ભાગ લેવા ગુજરાતના વિજ્ઞાન રત્ન સમાન નેશનલ ઇનોવેશન ફાઉન્ડેશનના વડા તેમજ આઇઆઇએમ અમદાવાદના પ્રોફેસર ડો. અનિલ ગુપ્તાએ  આ બન્ને વિદ્યાર્થીઓના પ્રોજેકટને આમંત્રણ આપી તૈયારી કરાવી હતી.

આમ ટયુનીશીયામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં પણ ધોળકીયા સ્કુલના પ્રિન્સ અકબરી અને સિધ્ધાર્થ ભેટારીયાએ તૈયાર કરેલ કાર્બન કણમાંથી શાહી બનાવવાનો પ્રોજેકટ છવાય જતા ગોલ્ડ મેડલ એનાયત કરાયો હતો.

આફ્રીકાના ટયુનીયશીયા ખાતે છ દિવસ સુધી આયોજીત આ વિજ્ઞાન મેળામાં ૩૫૦ દેશમાંથી ૭૦૦ જેટલા બાળ વિજ્ઞાનિકોએ ભાગ લીધો હતો. જેમાં રાજકોટની ધોળકીયા સ્કુલના પ્રિન્સ અને સિધ્ધાર્થની સાથે ડો. પૂજા ધોળકીયા તથા વિરલ ધોળકીયાએ પણ ભાગ લીધો હતો. આ બાળક વૈજ્ઞાનિકોએ ગુજરાત અને ભારતની સિધ્ધી આભને અંબાવતા રાજકોટમાં વિજયસરઘસ યોજીને ધોળકીયા સ્કુલ પરિવારને તેમનો ભાવભર્યો સત્કાર કર્યો હતો.તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા બાળ વિજ્ઞાની સિધ્ધાર્થ રામશીભાઇ ભેટારીયા, પ્રિન્સ પ્રવિણભાઇ અકબરી સાથે માર્ગદર્શક કલ્પેશભાઇ કોઠારી (મો.૯૪૨૬૫ ૭૧૬૪૮) અને શાળાના ટ્રસ્ટી જીતુભાઇ ધોળકીયા (મો.૯૪૨૮૦ ૦૪૪૦૮) નજરે પડે છે. (તસ્વીર : વિક્રમ ડાભી)

(2:39 pm IST)