Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

પોલીસ પર હુમલો કરનારાઓની હવા કાઢી નખાઇ

પોલીસ કમિશનર કચેરીએ ‘લિમડાની કડવાણી' આપતી વખતે ‘ઓય માડી ઓય બાપા'ના અવાજ સંભળાયા : રાજૂ ઉર્ફ કૂકી શિયાળીયા અને ૪ સાગ્રીતોને કમિશનર કચેરીએ રજૂ કરાયા પછી તેની ખોડિયારનગરની ચામુંડા હોટેલ પાસે લઇ જઇ ‘કાર્યવાહી' કરવામાં આવતાં લોકોના ટોળા ભેગા થયાઃ ફરાર એવા ૧૩ આરોપીઓને શોધી કાઢવા પોલીસની ટીમોની દોડધામ

પોલીસ પર હુમલાના ગુનાના સુત્રધાર રાજૂ ઉર્ફ કૂકીને ખોડિયારનગરના ખુણે તેની ચામુંડા હોટેલ ખાતે પોલીસ બંદોબસ્‍ત સાથે લઇ જવાયો હતો ત્‍યારના દ્રશ્‍યો. પોલીસે પંચનામાની કાર્યવાહી હાથ ધરતાં લોકોના ટોળા ઉમટી પડયા હતાં. (ફોટોઃ સંદિપ બગથરીયા)

પોલીસ પર હુમલો કરનારા પાંચ આરોપીઓને પકડી લેવાયા હોઇ તેની તથા સગીરા પર સગા બાપે દૂષ્‍કર્મ આચર્યુ હોઇ તેની માહિતી પોલીસ કમિશનર કચેરી ખાતે આપી રહેલા ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ કે. એન. ભુકણ અને પીઆઇ જે. વી. ધોળા તથા પાછળ માલવીયાનગરની ટીમ અને તાલુકા પોલીસની ટીમ તથા નીચેની તસ્‍વીરમાં પોલીસ પર હુમલામાં પકડાયેલા પાંચ આરોપી જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૫: શનિવારે ભૂમાફીયા રાજૂ ઉર્ફ કૂકી અને તેના સાગ્રીતોને  ૧૫૦ રીંગ રોડ પર ખોડિયારનગર મેઇન રોડના ખુણે તેની ચામુંડા પાન એન્‍ડ હોટેલ ખાતે પકડવા ગયેલી માલવીયાનગર પોલીસની ટીમના પીએસઆઇ સહિત પર મંડળી રચી ફરજમાં રૂકાવટ કરી સોડા બોટલોના ઘા કરી તેમજ હાથોહાથની મારામારી કરી હાથના કડા, ચા બનાવવાના ડોયાથી હુમલો કરી તેમજ ઢીકાપાટુ મારી ઇજા પહોંચાડવાની ઘટનામાં પોલીસની ટીમે હુમલો થયો હોવા છતાં સામનો કરી સુત્રધાર કૂકી સહિત પાંચને પકડી લીધા હતાં. આજે આ તમામને પોલીસ કમિશનર કચેરી ખાતે લાવી લીમડાની કડવાણી અપાઇ હતી અને ઘટના સ્‍થળે લઇ જઇ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની આ કામગીરી જોવા ટોળા ભેગા થઇ ગયા હતાં.

કડવા પટેલ કારખાનેદારની જમીનમાં ઘુસણખોરી કરનારા રાજૂ ઉર્ફ કૂકીને કારખાનેદારે પોલીસ ફરિયાદ કરતાં પ્‍લોટ ખાલી કરવો પડયો હોઇ તેનો ખાર રાખી કાવત્રુ ઘડી માણસોને મોકલી આનંદ બંગલા ચોકમાં કારખાનેદાર પર હુમલો કરાવી તેના હાથ પગ ભંગાવી નાંખ્‍યા હતાંઉ આ મામલે માલવીયાનગર પોલીસમાં તેના સહિતના વિરૂધ્‍ધ ગુનો નોંધાયો હોઇ તેને પકડવા માટે પીએસઆઇ વી. કે. ઝાલા સહિતની ટીમ શનિવારે બપોરે ચામુંડા હોટેલ ખાતે જતાં રાજૂ ઉર્ફ કૂકીએ ટોળકી રચી હુમલો કર્યો હતો. આ અંગે કૂકી, રાજેશ ઉર્ફ રાજૂ સંગ્રામભાઇ મીર, લાલો સંગ્રામભાઇ મીર, છગન સંગ્રામભાઇ મીર, કરસન સોંડાભાઇ જોગરાણા, રતુ મધાભાઇ મીર, નવઘણ ધનાભાઇ જોગરાણા, ગેલા સામંતભાઇ શિયાળીયા, માલા ગેલાભાઇ શિયાળીયા, નયન ખીમજીભાઇ કરંગીયા, પિયુષ કાંતિભાઇ ચોૈહાણ અને અજાણ્‍યા સાત શખ્‍સો સામે આઇપીસી ૩૩૩, ૩૩૨, ૩૩૭, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધવામાં આવ્‍યો હતો.

આ ગુનામાં પાંચ આરોપીઓ રાજૂ ઉર્ફ કૂકી છેલાભાઇ શિયાળીયા, ગેલા સામંતભાઇ શિયાળીયા, માલા ગેલાભાઇ શિયાળીયા, નયન ખીમજીભાઇ કરંગીયા અને પિયુષ કાંતિભાઇ ચોૈહાણને આજે પોલીસ કમિશનર કચેરી ખાતે રજૂ કરવામાં આવ્‍યા હતાં. ધરપકડ અંગે પત્રકારોને ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ તથા પીઆઇ કે. એન. ભુકણે માહિતી આપી હતી. એ પછી આરોપીઓને લીમડાની કડવાણી ચખાડવામાં આવી હતી. એ વખતે ઓય માડી ઓય બાપાના અવાજ બધાને સંભળાયા હતાં.

ત્‍યારબાદ પાંચેય આરોપીઓને તેણે જ્‍યાં પોલીસ પર હુમલો કર્યો એ સ્‍થળે તપાસ માટે લઇ જવામાં આવ્‍યા હતાં. જેમાં ક્રાઇમ બ્રાંચની ટીમ અને એસઆરપી જવાનો પણ સાથે જોડાયા હતાં. અહિ પંચનામાની કાર્યવાહી હાથ ધરવામાં આવતાં પોલીસ કામગીરી નિહાળવા લોકો એકઠા થઇ ગયા હતાં. અન્‍ય આરોપીઓ રાજેશ ઉર્ફ રાજૂ સંગ્રામ મીર, લાલો સંગ્રામ મીર, છગન સંગ્રામ મીર, કરસન સોંડા જોગરાણા, રતુ મધા મીર, નવઘણ ધના જોગરાણા અને બીજા સાત શખ્‍સોની શોધખોળ થઇ રહી છે.

પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ વી. કે. ઝાલા, મશરીભાઇ ભેટારીયા, રોહિતભાઇ કછોટ, હરપાલસિંહ જાડેજા, મહેશભાઇ ચાવડા, મયુરભાઇ મિંયાત્રા, અરૂણભાઇ બાંભણીયા સહિતની ટીમ વધુ તપાસ કરી રહી છે.

રાજૂ ઉર્ફ કૂકી વિરૂધ્‍ધ રાયોટ, ચોરી, ધાક ધમકીના ૭ ગુના

પિયુષની બે ગુનામાં, રાજૂ મીરની પાંચ, કરસનની એક અને નવઘણની એક ગુનામાં સંડોવણી

 પોલીસ પર હુમલો કરવાના ગુનામાં સામેલ મુખ્‍ય સુત્રધાર રાજૂ ઉર્ફ કૂકી શિયાળીયા (ભરવાડ) વિરૂધ્‍ધ માલવીયાનગર, તાલુકા પોલીસમાં ચોરી, મારામારી, ધાકધમકી અને રાયોટના ૭ ગુના અગાઉ નોંધાઇ ચુક્‍યા છે. જ્‍યારે પિયુષ ચોૈહાણ વિરૂધ્‍ધ ગાંધીગ્રામમાં જૂગાર-ધમકીના બે ગુના, પકડવાના બાકી છે તે રાજેશ ઉર્ફ રાજૂ મિર વિરૂધ્‍ધ માલવીયાનગર, ચોટીલા પોલીસ સ્‍ટેશનમાં કાવત્રુ, વાહન અકસ્‍માત, મારામારી, આર્મ્‍સ એકટના પાંચ ગુના તથા કરસન વિરૂધ્‍ધ આજીડેમમાં ધમકીનો એક અને નવઘણ વિરૂધ્‍ધ ભક્‍તિનગરમાં રાયોટીંગનો એક ગુનો અગાઉ દાખલ થઇ ચુક્‍યો છે.

(4:48 pm IST)