Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

ખલીલ નો ખાલીપો કદી નહીં પુરાય..

હું ખલીલ આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી, જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો : -૨૦ વર્ષે જ્યારે તેમને પહેલી પંકિત યાદ આવી ત્યારે તેમના હાથમાં કલમ નહીં દાતરડું હતું. : શબ્દ સહ ખેતી કરતા કરતા સાહિત્યની ખેતી પણ ખલીલ સાહેબ કરતા ગયા. : ખલીલ કાગળને કન્સલ્ટ કર્યા વિના બોલી શકે છે. જે મોજ મસ્તીથી ખલીલ ગઝલની રજુઆત કરે છે એ વિરલ છે.-સુરેશ દલાલ : આ માણસે જાસા ચિઠ્ઠી સિવાયનું બધું જ લખ્યું છે !-રઘુવિર ચૌધરી : મારા લખેલા સાહિત્ય પર છોકરાઓ પીએચડીની ડિગ્રી મેળવે છે જ્યારે મને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ મળતું નથી - ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાંજ છોડીને તને મળવા નહિ આવું,

કે દર્પણ તોડી ફોડીને તને મળવા નહિ આવું,

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,

હું મારી ટેવ છોડીને તને મળવા નહિ આવું...

 ગુજરાતી સાહિત્ય જગતના ઘરેણા સમાન ખલીલ ધનતેજવી આપણને અલવિદા કહી ઇશ્વરને મળવા ચાલ્યા ગયા.. ગુજરાતી અને ઉર્દુ ગઝલકાર એવા શિરમોર ખલીલ ધનતેજવીનું રવિવારે સવારે નિધન થયું. છેલ્લા કેટલાક સમયથી તેઓ શ્વાસ સબંધિત બીમારી સામે લડતા હતા. સવારે તેમની તબિયત વધુ લથડી અને ત્યારબાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ૮૫ વર્ષીય ખલીલ ધનતેજવીનો જન્મ વડોદરાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર, ૧૯૩૫ ના રોજ થયો હતો. તેમનું મૂળ નામ ખલીલ ઈસ્માઈલ મકરાણી હતું. તેમણે ધોરણ ૪ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું પરંતુ ગુજરાતી ભાષા ઉપર તેમની પકડ એટલી મજબુત હતી કે તેમનું નામ ગુજરાતી ભાષાના પ્રથમ પંકિતના કવિઓમાં લેવામાં આવતું હતું. મૂળભૂત તેઓ ખેડૂત હતા. ૨૧ વર્ષ સુધી તેઓએ ખેતરમાં રહી બધીજ પ્રકારની મજુરી પણ કરી હતી, ઢોર પણ ચાર્યા હતા. તેઓ ૮૫ વર્ષની જૈફ વય સુધી કાર્યરત રહ્યા હતા.

 સાહિત્ય તરફ લગાવ કઇ રીતે થયો? ખલીલ સાહેબે એક ઇન્ટરવ્યુંમા કહેલું કે, મારા ગામમાં ૫૦૦૦ વર્ષ પહેલાથી કોઇ સાહિત્યકારનો જન્મ નહોતો થયો. 'સાહિત્ય' એમ કહીએ એટલે અમારા ધનતેજ ગામમાં લોકો પૂછતા એટલે શું? મારી શાળામાં લાઇબ્રેરી હતી મને વાંચવાનો શોખ હતો. ૧૨ વર્ષની ઉંમરે સ્કૂલ છોડી દીધી. પછી ખેતીમાં લાગ્યો. ૨૦ વર્ષે જ્યારે મને પહેલી પંકિત યાદ આવી ત્યારે મારા હાથમાં કલમ નહીં દાતરડું હતું. મારી સાથે રહેલ મારા મિત્રોને તે સંભળાવતો. પછી દાદાને સંભળાવ્યું તેમણે કહ્યું ક્યાંથી લાવ્યો? મેં કહ્યું મારું લખેલું છે. તો કહે જા બીજુ લખી આવ.. બસ.. મારી કલમ અને કાગળની યાત્રા અહિંથી શરૂ થઇ.

 શબ્દ સહ ખેતી કરતા કરતા સાહિત્યની ખેતી પણ ખલીલ સાહેબ કરતા ગયા. ગઝલ માટે તોઓએ કહેલું કે, વાંચકોએ ગઝલ ને પેપરની જેમ વાંચવી જોઇએ નહીં ગઝલ વાંચવાનું પણ જ્ઞાન મેળવવું જોઇએ. ગઝલના ઢાળને પકડીને વાંચવાથી તેનો અર્થ સમજાશે અને સ્પર્શશે પણ ખરો. વિખ્યાત ગઝલકાર જગજીતસિંહ દ્વારા જ્યારે ગઝલ રજૂ થાય ત્યારે સામાજિક પરિસ્થિતિ પર ચોટ કરતી ગઝલના બોલ ઓડિયન્સના હૃદયમાં ઉતરી જતા અને તાળીઓ ગુંજી ઉઠતી! આ કમાલની રચના ખલીલ ધનતેજવીની હતી.

ખલીલની શાયરીઓ-કવિતાઓમાં એવો જાદુ હતો જે સાહિત્ય વિષે બેખબર એવા સામાન્ય-તદ્દન છેવાડાના માનવી ઉપર પણ 'ભૂરકી'ની જેમ અસર કરતો. સાથે જ વિવેચકોએ પણ એમના કામને વખાણવું પડે એટલી સજ્જતા એમની રચનાઓમાં રહેતી. ખલીલ ધનતેજવી સાહેબની એક ખાસિયત એ હતી કે તેઓ મુશાયરાઓમાં જાય ત્યારે ગમે એટલા લાંબા સમય સુધી રજૂઆત કરવાની હોય તો પણ તેઓ કોઈ પણ પ્રકારના કાગળ કે કાપલીમાંથી વાંચીને બોલવાને બદલે બધું મોઢે જ બોલતા. ગઝલો, કવિતાઓ બાબતે એમની યાદશકિત અદભૂત હતી. આથી જ જાણીતા કવિ સુરેશ દલાલે એમના વિષે કહેલું 'ખલીલ કાગળને કન્સલ્ટ કર્યા વિના બોલી શકે છે. જે મોજ મસ્તીથી ખલીલ ગઝલની રજુઆત કરે છે એ વિરલ છે. એમની ગઝલ ચોટદાર છે. એમના શબ્દોમાં એક -કારનું આકર્ષણ અને ઊંડાણ છે.' જાણીતા સાહિત્યકાર શ્રી રઘુવીર ચૌધરી સાહેબે ખલીલ ધનતેજવીના વિપુલ અને વૈવિધ્યપૂર્ણ સાહિત્ય સર્જન પ્રત્યે ધ્યાન દોરતા હળવી શૈલીમાં જણાવેલું કે 'આ માણસે જાસા ચિઠ્ઠી સિવાયનું બધું જ લખ્યું છે!'

 આજે ગુજરાતી સાહિત્યમાં ટોચનું નામ ગણાતા ખલીલ સાહેબ પોતે માત્ર ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવી શકેલા! પરંતુ ભાષા ઉપરની એમની પકડ અદભૂત હતી. પૂરતું અક્ષરજ્ઞાન મેળવવાથી વંચિત રહેલા આ કવિ હિન્દી-ઉર્દૂના પણ અચ્છા જાણકાર હતા. તેમના સાહિત્ય પર સંશોધન કરી ચાર છોકરાઓએ પીએચડી કર્યું છે જ્યારે ત્રણ છોકરીઓએ એમ.ફીલ કરેલું છે. એક કિસ્સો તેમણે એક ઇન્ટરવ્યુંમાં કહેલો કે તેઓ જ્યારે ડ્રાઇવીંગ લાઇસન્સ કઢાવવા ગયા ત્યારે તેમને લાઇસન્સ ન મળ્યું કારણ તેઓએ ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ લીધું હતું ત્યારે ખલીલ સાહેબે કહેલું કે મારા લખેલા સાહિત્ય પર છોકરાઓ પીએચડીની ડીગ્રી મેળવે છે જ્યારે મને ડ્રાઇવીંગ લાઇસન્સ પણ મળતું નથી.!

 ખલીલ સાહેબની કેરિયર અનેક ઉતાર-ચઢાવવાળી રહી. શરૂના વર્ષોમાં એમણે આર્થિક તંગી પણ વેઠી. તેઓએ પત્રકારત્વ, પ્રિન્ટીંગ પ્રેસ અને ફિલ્મ નિર્માણ જેવા ક્ષેત્રોમાં પણ કામ કરેલું. પત્રકાર તરીકે પણ એમણે ખાસ્સી નામના મેળવેલી. સાહિત્ય ઉપરાંત તેઓ પત્રકારત્વ સાથે પણ વર્ષો સુધી સંકળાયેલા હતા. તેમણે નવલકથાઓ લખી હતી જેના પરથી ગુજરાતી ફિલ્મો પણ બની હતી. ખલીલભાઈએ ઘણી ગુજરાતી ફિલ્મોમાં પટકથા લેખક તરીકે પણ કામ કર્યું હતું. છૂટાછેડા ફિલ્મના લેખન અને દિગ્દર્શન માટે તેમને રાજ્યકક્ષાના પુરસ્કારો પણ મળ્યા હતા.

 ખલીલ ધનતેજવી દાયકાઓથી મુશાયરાની શાન ગણાતા. એમના અસંખ્ય શેરો લોકજીભે રમતા થયેલા. તાજેતરમાં જ એમની બધી રચનાઓએ 'સમગ્ર ખલીલ' ગ્રંથ સ્વરૂપે પ્રકાશિત કરવામાં આવેલી. ખલીલ ધનતેજવીને ગુજરાતી ભાષાના સર્વાધિક લોકપ્રિય સાહિત્યકારોની શ્રેણીમાં મૂકી શકાય. તેઓની લોકપ્રિયતા એમની સરળ પ્રભાવવાહી ગઝલો અને એની શેરિયતને આભારી હતી. પ્રિન્ટ મીડિયામાં કટાર લેખક તરીકે લખેલા અસંખ્ય લેખો, ૨૦ નવલકથાઓ, પાંચથી વધુ ગઝલ સંગ્રહો, ચાર નાટકો, છ ગુજરાતી ફિલ્મો, એક લેખ સંગ્રહ... ઓહોહોહો ખલીલ સાહેબે જાણે ગુજરાતી ભાષાના ખોળે ખજાનો ધરી દીધો. તેમની કલમ અવિરત ચાલતી રહી અને એમણે વિપુલ સર્જન કર્યું.

 ઉચ્ચ કોટિના ગઝલકાર હોવાની સાથે જ તેમણે કેટલીક લોકપ્રિય નવલકથાઓ પણ લખેલી, જેમાં ડો. રેખા (૧૯૭૪), તરસ્યાં એકાંત (૧૯૮૦), મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪), લીલા પાંદડે પાનખર (૧૯૮૬), સન્નાટાની ચીસ (૧૯૮૭), સાવ અધૂરા લોક (૧૯૯૧), લીલોછમ તડકો (૧૯૯૪) નો સમાવેશ થાય છે. એ સિવાય એક મુઠ્ઠી ભીનાશ, મુકામ પોસ્ટ ઝાકળ, ભરચક એકાંત, નગરવધૂ, કોરી કોરી ભીનાશ જેવી લોકપ્રિય નવલકથાઓ પણ એમના ખાતે જમા છે.

 ખલીલ સાહેબે ખાપરો ઝવેરી, ડો રેખા જેવી ફિલ્મોના નિર્માણમાં રહ્યા, સાથે જ છૂટાછેડા જેવી જાણીતી ફિલ્મના સંવાદ પણ એમણે લખેલા. ફિલ્મોમાં ગીત લખવાથી માંડીને નિર્માણ-નિર્દેશન સુધીની જવાબદારી એમણે ઉપાડી હતી. તેમને ૨૦૦૩માં તેમને કલાપી પુરસ્કાર પણ અપાયો હતો. ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.

 ખલીલ ધનતેજવીની કલમને વાંચવી બહુ સરળ હતી પણ સમજવી એટલીજ રસાળ હતી. તેઓએ લખેલું છે 'વાત મારી જેને સમજાતી નથી, એ ગમે તે હોય ગુજરાતી નથી'.. ખલીલનો આ ખાલીપો કદી નહીં પુરાય.

પ્રશાંત બક્ષી

મો. ૭૯૯૦૫૫૮૪૬૯

(3:08 pm IST)