Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

રાજકોટમાં પોલીસ કડક બની : સવારથી વાહનોનું સઘન ચેકીંગ : વિના કારણે રસ્તા પર નીકળેલા વાહનચાલકો સામે કાનુની પગલા

રાજકોટ : લોકડાઉન પીરીયડના દિવસો વિતતા જાય છે તેમ તેમ લોકો નિયમોનો ઉલાળીયો કરી રહેલા નજરે પડે છે. છેલ્લા બે - ત્રણ દિવસથી રાજકોટ રાજમાર્ગો ઉપર રાહદારીઓ પાબંધીઓનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું તારણ નીકળતા આજે સવારથી જ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, ડીસીપી ઝોન - ૨ મનોહરસિંહ જાડેજા અને ડીસીપી ઝોન - ૧ રવિમોહન સૈની પોતપોતાના કાફલા સાથે જુદા જુદા વિસ્તારોમાં નીકળ્યા હતા અને લોકડાઉનનું કડકપણે પાલન કરાવ્યુ હતું. આ દરમિયાન કાલાવડ રોડ પરના કે.કે.વી. ચોક, મવડી ચોકડી, રૈયા સર્કલ સહિતના ક્રોસીંગ અને આઈલેન્ડ ઉપર જગ્યાએ જગ્યાએ પોલીસ ચેકીંગ સઘન બનેલુ નજરે પડે છે. રસ્તા પર વાહનો સાથે નીકળેલા લોકોને અટકાવી બહાર કયાં કારણોસર નીકળ્યા છે તે અંગેના ખુલાસા પુછી યોગ્ય પુરાવાઓ પોલીસે માગ્યા હતા. આ પૈકીના  કેટલાક લોકો અનિવાર્ય કારણોસર તો કેટલાક લોકો વિના કારણે ઘરથી બહાર નીકળ્યાનું બહાર આવ્યુ હતું. યોગ્ય કારણ વગર પાબંધી તોડનારા અસંખ્ય વાહનચાલકો સામે જાહેરનામાના ભંગ બદલ કાનુની પગલા લેવાયા હતા. કલાકો સુધી ઉચ્ચ અધિકારીઓ રસ્તા પર ખડેપગે રહ્યા હતા અને ચેકીંગ ઝુંબેશને અસરકારક બનાવી હતી.  (ફોટો : સંદિપ બગથરીયા)

(3:56 pm IST)