Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

આર.ટી.ઓ. કચેરીના બોગસ લાયસન્સનાં કૌભાંડમાં એજન્ટ આરોપીઓના જામીન મંજુર

રાજકોટ, તા. ૫ :. રાજકોટ શહેરના આર.ટી.ઓ. કચેરીમાં બોગસ લાયસન્સ કાઢવા અંગેનુ કૌભાંડ રાજકોટની એસ.ઓ.જી. પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલ જેમાં એસ.ઓ.જી.ના પી.એસ.આઈ. એચ.એમ. રાણા ફરીયાદી બની આઈ.પી.સી. કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૭૪ તેમજ ૧૨૦(બી) મુજબની ફરીયાદ ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી હતી. જે કામે આ કામના આરોપીઓ (૧) પ્રવિણભાઈ જીવણભાઈ ઠુંગા તથા (૨) ગોપાલ સિંધાભાઈ લામકાની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેઓને તે દિવસથી જેલ હવાલે કરવામાં આવેલા. જેને સેશન્સ કોર્ટ દ્વારા જામીન અરજી કરતા આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

જુદા જુદા એજન્ટો મારફતે આર.ટી.ઓ. કચેરીમાં આ રીતનું મોટાપાયાનું બોગસ લાયસન્સ કઢાવવાનું કૌભાંડ બહાર આવેલ જેના અનુસંધાને પોલીસ દ્વારા આર.ટી.ઓ. કચેરીના જુદા જુદા એજન્ટો તેમજ લાયસન્સ કઢાવનાર વ્યકિતઓને આરોપીઓ બનાવી એસ.ઓ.જી. પોલીસ દ્વારા જુદી જુદી ૨૦ વ્યકિતઓની આ ગુન્હાના કામે ધરપકડ કરવામાં આવેલ જેમાં આ કામના એજન્ટ ઉપરોકત આરોપીઓને નામ. કોર્ટ સમક્ષ રજુ કરતા તે જ દિવસથી તેઓને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવવામાં આવેલ હતો. ત્યાર બાદ આરોપીએ ઉપરોકત કામ સબબ જામીન પર મુકત થવા માટે જામીન અરજી રાજકોટની સેશન્સ કોર્ટમાં ગુજારેલ હતી જે અન્વયે રાજકોટની સેશન્સ કોર્ટમાં આરોપીઓ વતી રોકાયેલા એડવોકેટ દ્વારા કરવામાં આવેલી રજુઆતો તેમજ વડી અદાલતમાં રજુ રાખેલ ચુકાદાઓને ધ્યાનમા લઈ રાજકોટની નામદાર સેશન્સ કોર્ટમાં આ કામના આરોપીઓને જામીન ઉપર મુકત કરવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, એમ.એન. સિંધવ રોકાયેલ હતા.

(4:40 pm IST)