Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

પાંચ વખત કારીગીરી કરી મહિપતસિંહ ઉર્ફે મંગો પાર્સલમાં મુંબઇથી દારૂ મંગાવતો'તો

ક્રાઇમ બ્રાંચે વિજય પ્લોટમાં 'રાધે ચેર' ઓફિસમાંથી દારૂની ૫૨ બોટલ સાથે દબોચ્યો

રાજકોટ તા. ૪ : વિજય પ્લોટમાં આવેલી 'રાધે ચેર' નામની ઓફિસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી દારૂની ૫૨ બોટલ સાથે એક શખ્સને પકડી લીધો હતો. તેમણે દારૂનો જથ્થો મુંબઇથી પાર્સલમાં મંગાવ્યો હોવાની કેફીયત આપી હતી.

મળતી વિગત મુજબ વિજય પ્લોટ શેરી નં. ૪માં ડોડીયાની લોખંડની જાળીવાળી ઓફિસમાં દારૂનો જથ્થો રાખેલ હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. ક્રિપાલસિંહ જાડેજા, અંશુમાન ગઢવી અને દેવાભાઇ ધરજીયાને બાતમી મળતા પી.આઇ. વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. પી.બી.જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમાનભા, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા, દેવાભાઇ ધરજીયા સહિતે વિજય પ્લોટ શેરી નં. ૪માં આવેલી 'રાધે ચેર' નામની ઓફિસમાં દરોડો પાડી રૂ. ૬૧૮૦૦ની કિંમતની દારૂની ૫૨ બોટલ સાથે મહિપતસિંહ ઉર્ફે મંગો ગંભીરસિંહ વાઘેલા (ઉ.૪૦) (રહે. ઢેબર રોડ, કાંતા સ્ત્રી વિકાસ ગૃહ સામે)ને પકડી લીધો હતો. પોલીસની પૂછપરછમાં દારૂનો જથ્થો ટ્રાન્સપોર્ટમાં મુંબઇથી પાર્સલથી મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું અને અગાઉ પાંચ વખત અલગ-અલગ રીતે કારીગીરી કરી પાર્સલમાં દારૂનો જથ્થો મંગાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે પોલીસે મહિપતસિંહ ઉર્ફે મંગો વાઘેલાના રીમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.

(2:51 pm IST)