Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

તા. ૧૦ થી ૧પ વચ્ચે જિલ્લા પંચાયતના નવા સુકાનીઓની ચૂંટણી : ર૦ મી આસપાસ બજેટ અને સમિતિઓની રચના

પ્રમુખ તરીકે ભૂપત બોદર નકકી : ઉપપ્રમુખ પદ મહિલાને અપાય તેવી શકયતા

રાજકોટ, તા. ૪ : જિલ્લા પંચાયતના નવા ચૂંટાયેલા સભ્યોના નામ એક-બે દિવસમાં ગેઝેટમાં પ્રસિધ્ધ થઇ જશે. ત્યારબાદ પ્રમુખ, ઉપ્રમુખની ચૂંટણી માટે એજન્ડા બહાર પડશે. સરકાર ૬ કોર્પોરેશનની જેમ બજેટ મંજુર કરવાની ૩૧ માર્ચ સુધીની મુદત ન લંબાવે તો નવી ચુંટેલી પાંખે શાસન સંભાળીને તુરત બજેટ મંજુરીની કાર્યવાહી કરવાની રહેશે.

પંચાયતના સુત્રોના જણાવ્યા મુજબ સોમવાર સુધીમાં વિકાસ કમીશનરના આદેશ મુજબ જિલ્લા વહીવટી તંત્ર નવા સુકાનીઓની ચૂંટણી માટે એજન્ડા બહાર પાડે તેવી પ્રબળ શકયતા છે. એજન્ડા બહાર પડયાના દિવસ અને સુકાનીઓની ચુંટણીના સમયગાળા વચ્ચે ઓછામાં ઓછા ચોખ્ખા ૬ દિવસ હોવા જ:રી છે. તા. ૮ આસપાસ એજન્ડા બહાર પડે અને તા. ૧૦ થી ૧પ માર્ચ વચ્ચે સુકાનીઓની ચૂંટણી થઇ જાય તેવા સંજોગો છે. ત્યારપછી સમિતિઓની વરણી અને બજેટ માટે સાથે અથવા અલગ-અલગ સામાન્ય સભા બોલાવવાની જ:ર પડશે. ગયા વખતની કારોબારીએ બજેટ મંજુર કરેલ. સામાન્ય સભાએ પડતર રાખ્યું હતું. હવે બજેટ બાબતે આગળનો ર્નિય નવી શાસક પાંખે લેવાનો રહે છે. પંચાયતની સામાન્ય સભા તા. ર૦ આસપાસ મળે તેવા હાલના સંજોગો છે.

જિલ્લા પંચાયતના નવા પ્રમુખ તરીકે ભૂપત બોદર નિશ્ચિત જણાય છે. ઉપપ્રમુખ પદ મહિલાને અપાય તેવી શકયતા છે. કારોબારી અધ્યક્ષ પદ અન્ય જ્ઞાતિને અપાશે. ૧૧ સભ્યો સાથે કોંગ્રેસ વિપક્ષમાં બેસશે.

(11:44 am IST)