Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

બાઇકમાં 'ભેદી ભડકો' થતાં દાઝી ગયેલા ગાંધીગ્રામ લાભદીપ સોસાયટીના નાનજીભાઇ સથવારાનું મોત

રાજકોટ તા. ૫: ગાંધીગ્રામની લાભદીપ સોસાયટી-૩/૫માં રહેતાં અને બાંધકામ કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં નાનજીભાઇ ભગવાનજીભાઇ પરમાર (ઉ.૪૫) નામના સથવારા આધેડ ગયા ગુરૂવારે રાત્રીના નવેક વાગ્યે બજરંગવાડી રોડ પર એરપોર્ટની દિવાલ પાસેથી પલ્સર બાઇક હંકારીને પસાર થઇ રહ્યા હતાં ત્યારે ભેદી રીતે બાઇક સળગતાં ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. તેમનું મોડી રાત્રે મોત નિપજ્યું છે.  આ પ્રોૈઢે અચાનક બાઇક સળગતાં દાઝી ગયાનું જ રટણ કર્યુ હતું. જો કે આગ જે રીતે લાગી હતી તે જોતાં શંકા ઉપજી હતી.

નાનજીભાઇ બાંધકામ કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં હતાં. તેણે સારવારમાં હતાં ત્યારે પુછતાછમાં જણાવ્યું હતું કે  પોતે ગુરૂવારે સાંજે રેલનગરમાં સાઇટ ચાલે છે ત્યાં ગયા હતાં. ત્યાંથી પોતાના બાઇક પર ઘરે આવી રહ્યા હતાં ત્યારે બજરંગવાડી રોડ પર એરપોર્ટની દિવાલ પાસે પહોંચતા અચાનક બાઇકમાં ભડકો થતાં પોતે પણ લપેટમાં આવી ગયા હતાં.  નાનજીભાઇએ આત્મહત્યાનો પ્રયાસ કર્યાની શંકા ઉપજી હતી. પરંતુ તેણે  જણાવ્યું હતું કે પોતાને જાતે સળગવું પડે તેવી કોઇ તકલીફ જ નહોતી. અકસ્માતે જ બાઇક સળગી ગયું હતું અને પોતે દાઝયા હતાં. નાનજીભાઇએ ગત મોડી રાત્રે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાયો છે. તેઓ ત્રણ ભાઇ અને ચાર બહેનમાં નાના હતાં. સંતાનમાં બે પુત્રો અરવિંદભાઇ અને રજનીભાઇ છે. એએસઆઇ રવજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.

(3:27 pm IST)