Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

'એકસપાયરી ડેટવાળા કોલ્ડ્રીંકસ ખરીદવાની ના પાડતાં પટેલ વેપારી કાર્તિક ગાજીપરા પર તલવાર-ધોકાના ઘા

હરિધવા રોડની દૂકાનેથી આહિર ચોકમાં લઇ જઇ કરણા ભરવાડ અને ત્રણ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યોઃ કરણાએ જુની તારીખની થમ્સઅપની બોટલો આપતાં કાર્તિકે ના પાડતાં ડખ્ખો

રાજકોટ તા. ૫: હરિ ધવા માર્ગ પર ભવનાથ પાર્ક-૧માં રહેતાં અને કૂલક્રીમ અમુલ પાર્લર નામે ઠંડાપીણા અને આઇસ્ક્રીમની દૂકાન ધરાવતાં કાર્તિક રાઘવજીભાઇ ગાજીપરા (ઉ.૩૨) નામના પટેલ વેપારી યુવાને એકસપાયરી ડેટ વાળી ઠંડાપીણાની બોટલો ખરીદવાની ના પાડતાં સપ્લાયનું કામ કરતાં ભરવાડ શખ્સે તેને વાત કરવાના બહાને આહિર ચોકમાં લઇ જઇ બાદમાં બીજા ત્રણ જણા સાથે મળી તલવાર-ધોકાથી હુમલો કરી ઇજા કરતાં આ યુવાન હોસ્પિટલના બિછાને પહોંચ્યો છે.

ભકિતનગર પોલીસે કાર્તિક ગાજીપરાની ફરિયાદ પરથી થમ્સઅપની ડિલીવરીનું કામ કરતાં કરણા ભરવાડ અને ત્રણ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. કાર્તિકના કહેવા મુજબ તે પોતાની દૂકાનમાં વેંચાણ માટે થમ્સઅપની નાની-મોટી બોટલો કરણા ભરવાડ પાસેથી લે છે. પણ તેણે આ વખતે જુની તારીખની બોટલો આપતાં તેણે પોતે આવો માલ નહિ રાખે તેમ કહી બોટલો પાછી આપી દીધી હતી. આ બાબતનો ખાર રાખી તે રાત્રીના દસેક વાગ્યે દૂકાને આવ્યો હતો અને ફાકી ખાવાના તથા વાતચીત કરવાના બહાને આહિર ચોકમાં લઇ ગયો હતો. એ પછી બીજા ત્રણ શખ્સો ત્યાં આવી ગયા હતાં અને કરણાએ 'તું કેમ એકસપાયરી ડેટવાળો માલ પાછો આપી દે છે, કેમ વેંચ્તો નથી?' કહી ગાળો દઇ ડખ્ખો કર્યા બાદ તેની સાથેના શખ્સોએ તલવાર, ધોકાથી હુમલો કરી માથા-શરીરે ઇજા કરતાં લોહીલુહાણ થઇ ગયો હતો. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કાર્તિકે પિતા રાઘવજીભાઇ નાથાભાઇને ફોન કરતાં તેઓ દોડી આવ્યા હતાં અને તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. ભકિતનગરના પીએસઆઇ ડી.એન. વાંજાએ ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.

(3:26 pm IST)