Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

રાજકોટમાં એઈમ્સના નિર્માણ માટે જમીન સંપાદનનું કામ વિલંબમાં

૧૧૯૫ કરોડના ખર્ચે રાજકોટ નજીક ખંઢેરીમાં ૩૦૦ એકરમાં આ હોસ્પીટલનું નિર્માણ થવાનું હતુ પરંતુ હવે ૨૦૦ એકરમાં નિર્માણ કરવા કેન્દ્ર સરકારે નિર્ણય લીધોઃ રાજકોટ ખાતે જમીન સંપાદનનું કામ અટકાવી દેવાયું, હવે ચાર ખેડૂતોને બદલે માત્ર એક ખેડૂત પાસેથી જ જમીન સંપાદન કરવાની રહેશેઃ તંત્ર કેન્દ્ર તરફથી નવા આદેશોની રાહ જોઈ રહ્યુ છે

નવી દિલ્હી, તા. ૫ :. ભારત સરકારે રાજકોટમાં ઓલ ઈન્ડીયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ એટલે કે એઈમ્સના નિર્માણ માટે જરૂરી જમીનની સાઈઝમાં ફેરફાર કરતા સરકારને ફાળવવામાં આવનાર જમીન અધિગ્રહણ પ્રક્રિયા વિલંબમા પડી હોવાનું બહાર આવ્યુ છે.

ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના ટોચના વર્તુળોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર સરકારે એઈમ્સના નિર્માણ માટે અગાઉ જેટલી જમીન જાહેર કરી હતી તેના કરતા ઓછી જમીન જોઈશે તેવું જાહેર કર્યુ છે. જેને કારણે જે વિસ્તારમાં આ હોસ્પીટલ બંધાવાની છે ત્યાં પ્રાઈવેટ પાર્ટીઓ પાસેથી જમીન અધિગ્રહણની પ્રક્રિયા વિલંબમાં પડી છે.

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી કે જેઓ આરોગ્યનો હવાલો પણ સંભાળે છે તેમણે ૩ જાન્યુઆરીના રોજ જાહેર કર્યુ હતુ કે, કેન્દ્ર સરકારે ગુજરાત માટે એઈમ્સ મંજુર કરી છે. જે પાછળ રૂ. ૧૧૯૫ કરોડનો ખર્ચ થશે અને તે ૧૨૦ હેકટર એટલે કે ૩૦૦ એકરની જમીનમાં આકાર પામશે. જેને ગુજરાત સરકાર ભારત સરકારને ફ્રી ઓફ કોસ્ટ એટલે કે વિનામૂલ્યે આપશે.

તાજેતરમાં એવા અહેવાલો આવ્યા હતા કે રાજકોટના ખંઢેરી ખાતે પ્રાઈવેટ જમીન હસ્તગત કરવાની પ્રક્રિયા ગુજરાત સરકારમાં પેન્ડીંગ છે. હવે એવુ બહાર આવ્યુ છે કે એઈમ્સના નિર્માણ માટે જરૂરી જમીન ૩૦૦ એકરને બદલે ૨૦૦ એકર થશે. એટલે કે હવે ૩૦૦ને બદલે ૨૦૦ એકરમાં આ હોસ્પીટલ બંધાશે. જેને કારણે હસ્તગત કરવાની પ્રક્રિયા વિલંબમા પડી છે. ચાર વિવિધ ખેડૂતો પાસેથી ચાર જેટલા પ્લોટ કે જે ૮.૫ એકરના છે તે અગાઉ હસ્તગત કરવાના હતા, પરંતુ હવે આ માટે માત્ર એક જ પ્લોટની જરૂરીયાત છે.

આ બાબતે રાજકોટ જિલ્લા કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, એઈમ્સના નિર્માણ માટે જરૂરી જમીનનો વિસ્તાર હવે ઘટાડવામાં આવ્યો છે તેથી અમે જમીન મેળવવાનુ કામ હાલ પુરતુ થંભાવી દીધુ છે. એક વખત અમને જમીન માટેની નવી જરૂરીયાતોની જાણ કરવામાં આવશે એટલે કે કેટલી જમીન જોઈશે ? તે જણાયા બાદ આગળની કાર્યવાહી થશે. તેમણે કહ્યુ હતુ કે હવે અમારે ચારને બદલે માત્ર એક ખેડૂત પાસેથી જ જમીન લેવાની રહેશે.

અત્રે નોંધનીય છે કે, રાજકોટમાં ૧૧૯૫ કરોડના ખર્ચે એઈમ્સનું નિર્માણ થવાનુ છે જે ૭૫૦ બેડની હશે અને ૩૦૦૦થી વધુનો સ્ટાફ પણ રહેશે.(૨-૩)

 

(1:10 pm IST)