Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દિકરીએ પ્રેમલગ્ન કર્યા તેના સમાધાનના પિતાએ ૮ લાખ માંગી ધમકી દીધી!

ગોપાલનગરના હિતેન્દ્રભાઇ સોનીની ૨૦ વર્ષની દિકરીએ મિલપરાના ૩૫ વર્ષના મિથુન સોની સાથે લગ્ન કરતાં ઉભા થયેલા મનદુઃખમાં બબ્બે ગુના નોંધાયા : હિતેન્દ્રભાઇએ મિથુનના પિત્રાઇ ભાઇ વિજય પાટડીયાને ધમકી આપી કહ્યું-૮ લાખ નહિ આપ તો મારી નાંખીશ, ખોટા ગુનામાં ફીટ કરાવીઃ શનિવારે હિતેન્દ્રભાઇએ પોતાના પર વેવાઇ મણીલાલ પાટડીયા અને તેના બે પુત્રો મયુર તથા નિલેષે હુમલો કરી ધમકી દીધાની ફરિયાદ નોંધાવી'તીઃ બંને પક્ષના ત્રણની ધરપકડ

રાજકોટ તા. ૫: ગોપાલનગરમાં કિશન કનૈયા એપાર્ટમેન્ટમાં રહતાં અને જાગનાથ પ્લોટમાં કપડાની દૂકાન ધરાવતાં સોની વેપારી હિતેન્દ્રભાઇ અનિલભાઇ વાગડીયાની ૨૦ વર્ષની દિકરીને પરિચીત એવો મીલપરામાં રહેતો ૩૫ વર્ષનો સોની શખ્સ મિથુન પાટડીયા ભગાડી ગયો હોઇ અને પ્રેમલગ્ન કરી લીધા હોઇ ગયા શુક્રવારે રાત્રે આ વેપારી મિલપરામાં દિકરીને મળવા તેના સાસરે ગયા ત્યારે જમાઇ મિથુનના પિતા અને બે ભાઇઓએ માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવમાં ફરિયાદી બનેલા વેપારી હિતેન્દ્રભાઇ સામે હવે બળજબરીથી રૂ. ૮ લાખ કઢાવવા ધમકી આપ્યાની ફરિયાદ મિથુનના પિત્રાઇ ભાઇએ નોંધાવી છે.

પેલેસ રોડ પર વર્ધમાન નગર-૭ના ખુણે મનમંદિર એપાર્ટમેન્ટ એ-વિંગ ૪૦૧માં રહેતાં અને મજૂરી કરી ગુજરાન ચલાવતાં વિજય હરિલાલ પાટડીયા (ઉ.૪૦) નામના સોની યુવાનની ફરિયાદ પરથી ગોપાલનગરમાં રહેતાં હિતેન્દ્રભાઇ વાગડીયા સામે ભકિતનગર પોલીસમાં આઇપીસી ૩૮૬, ૩૮૯ મુજબ ગુનો દાખલ થયો છે.  વિજય પાટડીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે મારા કાકાના દિકરા મિથુન મણીલાલ પાટડીયાએ અમારી જ્ઞાતિના હિતેન્દ્રભાઇ વાગડીયાની દિકરી પરિતા સાથે ૧/૩/૧૮ના રોજ કોર્ટ મેરેજ કર્યા બાદ આર્ય સમાજ અને અમારી જ્ઞાતિના રિતીરિવાજ મુજબ લગ્ન કર્યા છે. તેણી હાલ અમારા કુટુંબ-પરિવાર સાથે રહે છે. ૪/૩ના રોજ હિતેન્દ્રભાઇ મને મળ્યા હતાં અને કહેલ કે  તમારા ભાઇ મિથુન સાથે મારી દિકરીએ મેરેજ કરી લીધા છે તેનું હવે શું કરવાનું છે? જેથી મેં કહેલ કે આપણે એક જજ્ઞાતિના છીએ, આપણે વેવાઇ-વેલા કહેવાઇએ. ભવિષ્યમાં સાથે રહેવાનું-મળવાનું હોઇ સમાધાન કરી લઇએ.

પરંતુ મારી આ વાત સાંભળી હિતેન્દ્રભાઇએ કહેલ કે સમાધાન કરવું હોય તો મને ૧૦ લાખ આપી દો. પણ અમે સમજાવટ કરતાં તેણે ૮ લાખ આપી દેવા કહ્યું હતું. તેણે ધમકી આપી હતી કે જો ૮ લાખ નહિ આપો તો મારી નાંખીશ, સાંજે મારી ઘરે આવજો. તેમ તેણે કહ્યું હતું. જેથી હું રવિવારે રાત્રે એકાદ વાગ્યે હિતેન્દ્રભાઇના ઘરે ગયો હતો. તે વખતે હિતેન્દ્રભાઇ પાર્કિંગના દરવાજા પાસે ઉભા હતાં. મેં તેને કહેલ કે અત્યારે હું તમને બે લાખ રૂપિયા આપુ છું અને બીજા એક લાખ સોમવારે સવારે આપીશ. બાકીના પાંચ લાખ દસ દિવસના સમયમાં આપી દઇશ.

પરંતુ હિતેન્દ્રભાઇ પૈસા લીધા વગર તેના એપાર્ટમેન્ટમાં જતાં રહ્યા હતાં. હું તેના દરવાજા પાસે ગયેલ અને બે લાખ લઇ લેવા સમજાવ્યા હતાં. પણ તેણે ધમકી આપેલ કે બધા પૈસા નહિ આપો તો મારી નાંખીશ અને બીજા ગુનામાં ફીટ કરાવી દઇશ. આ ધમકીથી હું ગભરાઇને જતો રહ્યો હતો. દિકરીના લગ્ન બાબતે હિતેન્દ્રભાઇ બળજબરીથી મારી પાસેથી ૮ લાખ વસુલવા ધમકી આપતાં હોઇ અંતે મેં ફરિયાદ કરી હતી.

પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પી.એસ.આઇ. એન.એ. શુકલ, એએસઆઇ મનહરદાન ગઢવી, નિલષેભાઇ મકવાણા, ભાવીનભાઇ ગઢવીએ  ગુનો નોંધી હિતેન્દ્રભાઇ અભયભાઇ વાગડીયા (ઉ.૪૬)ની ધરપકડ કરી લીધી છે.

ઉલ્લેખનિય છે કે શનિવારે હિતેન્દ્રભાઇ વાગડીયાની ફરિયાદ પરથી તેના વેવાઇ મનહરભાઇ પાટડીયા, વેવાઇના પુત્રો મયુર મનહરભાઇ પાટડીયા અને નિલેષ મનહરભાઇ પાટડીયા સામે ધમકી આપી મારકુટ કરવાનો ગુનો નોંધાયો હતો. એ ગુનામાં મયુર અને નિલેષની ધરપકડ થઇ હતી. હિતેન્દ્રભાઇએ ફરિયાદમાં એવું જણાવ્યું હતું કે પોતાની દિકરી પરીતાએ મનહરભાઇના પુત્ર મિથુન સાથે લગ્ન કર્યા હોઇ પોતે દિકરીને મળવા જતાં વેવાઇ અને તેના પુત્રોએ મળવાની ના પાડી ગાળો દઇ મારી નાંખવાની ધમકી આપી હતી. હવે હિતેન્દ્રભાઇ સામે મિથુનના પિત્રાઇ ભાઇએ ફરિયાદ કરી છે.

(3:42 pm IST)