Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

રાજકોટના બહુમાળી ભવન ચોકમાં વિશાળ જાહેર સભા યોજતુ ભાજપ

વિકાસનો વિજય રથ આગળ વધારવાની નેમઃ ભાજપના ૭૨ ઉમેદવારોએ ફોર્મ ભર્યા

પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂર્વ ડે. મેયર દર્શિતાબેન શાહ, શહેર ભાજપના મહામંત્રી દેવાંગ માંકડ, પૂર્વ સ્ટે. ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન મનિષ રાડીયા, જયમીન ઠક્કર, નેહલભાઈ શુકલ, પ્રદીપભાઈ ડવ, સુરેન્દ્રસિંહ વાળા, નરેન્દ્રભાઈ ડવ વગેરેએ વિજય મુહુર્તમાં ફોર્મ ભર્યા

રાજકોટ, તા. ૫ :. ૨૧મીએ યોજાનાર મ.ન.પા.ની ચૂંટણી માટે શાસકપક્ષ ભાજપે બહુમાળી ભવન ખાતે બપોરે ૧૨ વાગ્યે વિશાળ જાહેર સભા યોજી અને ત્યાર બાદ તમામ ૭૨ ઉમેદવારોએ પોતાના મતક્ષેત્રની ચૂંટણી કચેરીએ વિજય મુહુર્તમાં ફોર્મ ભર્યા હતા.

ભાજપ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની સુચના અનુસાર આ યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં જૂના જોગીઓની સાથે અનેક નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યુ છે. ૭૨ બેઠકો માટે યોજાનારી ચૂંટણીમાં પક્ષ દ્વારા જાહેર કરવામાં આવેલા મુખ્ય ઉમેદવારોમાં પૂર્વ સ્ટેન્ડીંગ ચેરમેન પુષ્કર પટેલ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, પૂ ર્વ ડે. મેયર દર્શિતાબેન શાહ, ભાજપના શહેર મહામંત્રી દેવાંગ માંકડ, બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન મનિષ રાડીયા, પૂર્વ સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન જયમીન ઠક્કર, શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા નેહલભાઈ શુકલ, પ્રદીપભાઈ ડવ, સુરેન્દ્રસિંહ વાળા વગેરેના નામોનો સમાવેશ થાય છે.

ભાજપના ઉમેદવારો વિજય મુહુર્ત એટલે કે બપોરે ૧૨.૩૯ કલાકે ઉમેદવારી પત્રો ભરશે. તેમણે કહ્યુ હતુ કે દરેક બેઠક પર વિજય બને તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે ગત ટર્મમાં કોર્પોરેશનમાં ૭૨માંથી ૪૦ બેઠકો ભાજપ પાસે હતી અને ૩૨ કોંગ્રેસ પાસે હતી.

આ તકે શહેર પ્રમુખ કમલેશ મીરાણી, ઉદય કાનગડ, ધનસુખ ભંડેરી, નિતીનભાઈ ભારદ્વાજ સહિતના નેતાઓએ શહેરના વિકાસ રથને આગળ વધારવાની નેમ દર્શાવી હતી.

(12:54 pm IST)