Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

રાજકોટથી દિલ્હી પ્રવાસે ગયેલ ભાજપના મહિલા કાર્યકર સવારે ઉઠયા જ નહીં: હૃદયરોગનો હુમલો જીવલેણ બન્યો

મહિલા મોરચાનાં ૪૩ બહેનો બે દિવસ અગાઉ પ્રવાસે રવાના થયેલઃ આજે સવારે વોર્ડ નં. ૧૪ના પીઢ કાર્યકર રંજનબેન બળવંતભાઈ ડાભી (ઉ.વ. ૬૪)નું અવસાન થતા સાંજે ૭ વાગ્યે ખાસ પ્લેન મારફત પાર્થિવદેહ રાજકોટ લવાશેઃ સાથે ગયેલ બહેનો પણ પ્રવાસ ટૂંકાવી પરત ફર્યા

રાજકોટ, તા. ૫ :. શહેર ભાજપના મહિલા કાર્યકર રંજનબેન બળવંતભાઈ ડાભી (ઉ.વ. ૬૪) આજે સવારે દિલ્હી ખાતેના પ્રવાસ દરમિયાન હૃદયરોગના જીવલેણ હુમલાથી દુઃખદ અવસાન થતા શહેર ભાજપમાં શોકનો માહોલ છવાયો હતો.

 આ અંગે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી તથા કાર્યાલય મંત્રી હરેશ જોષીએ વિગતો આપતા જણાવ્યુ હતુ કે 'બે દિવસ અગાઉ રાજકોટથી ભાજપ મહિલા મોરચાના ૪૩ બહેનો દિલ્હીના પ્રવાસે ગયા હતા. જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ ભવન, સંસદ ભવન વગેરેની મુલાકાત લીધી હતી.

દરમિયાન આજે આ તમામ બહેનો દિલ્હી દર્શન માટે સવારે નિકળવાના હતા પરંતુ કુદરતે કંઈ બીજુ જ ધાર્યુ હોય તેમ વોર્ડ નં. ૧૪ના પીઢ મહિલા કાર્યકર રંજનબેન (ઉ.વ. ૬૪) સવારે ઉઠયા જ નહી. તેઓને ઉંઘમાં જ હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું દુઃખદ અવસાન થતા દિલ્હી પ્રવાસ દરમિયાન થયુ હતું.

આથી દિલ્હી ભાજપ ના સહકારથી સદગત રંજનબેનના પાર્થીવદેહને આજે સાંજે ૭ વાગ્યે ખાસ પ્લેન મારફત રાજકોટ લાવવામાં આવશે. રંજનબેનના અવસાનના સમાચાર સાંભળી તેમના નિવાસ સ્થાને શહેર ભાજપના કાર્યકરો, સગા-સ્નેહીજનો પહોંચ્યા હતા. સદગત રંજનબેનના પતિ બળવંતભાઈ સહિત પરિવારજનોને સાંત્વના પાઠવી હતી.(૨-૨૧)

(3:27 pm IST)