Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

બ્રહ્મસમાજની ચૂંટણીનો ડખ્ખોઃ હત્યાની કોશિષનો ગુનો રદ્દ કરવાની માંગણી ફગાવાઈ

૨૦મી તારીખે ઈશ્વરીયા મહાદેવ ખાતે યોજાયેલી ચૂંટણી વખતે જૂથવાદના ભોરીંગે ફૂંફાડા નાખ્યા હતા : પ્રમુખપદના દાવેદાર પંકજ રાવલ v/s ભારત જાની વચ્ચે મતદાન થાય તે પહેલા જાની જૂથના પી.સી. વ્યાસે રિવોલ્વર કાઢી કૃણાલ દવે સામે ધરી દેતા ભારે હોબાળા બાદ ગુનો નોંધાયો હતો : વ્યાસ ભાઈઓએ ફરીયાદ રદ્દ કરવા કરેલી માંગણી હાઈકોર્ટે ફગાવી

રાજકોટ, તા. ૫ : સૌરાષ્ટ્ર - કચ્છ બ્રહ્મસમાજની ગત તા. ૨૦મીના રાજકોટ નજીકના ઈશ્વરીયા મહાદેવ ખાતે ચૂંટણી યોજાઈ તે પહેલા થયેલી માથાકૂટ સંદર્ભે નોંધાયેલા હત્યાની કોશિષના ગુનાની ફરીયાદ રદ્દ કરવા હાઈકોર્ટમાં થયેલી રીટને ન્યાયાધીશ સુશ્રી સોનિયાબેન ગોકાણીએ ફગાવી દીધી છે.

મળતી માહિતી મુજબ પી.સી. વ્યાસે ઉમેદવાર પંકજ રાવલ જૂથના કૃણાલ દવેના લમણે રિવોલ્વર તાકી હત્યાની કોશિષ કરી હતી. આ સમયે ભારે ધમાલ મચી ગઈ હતી અને પોલીસને દોડવુ પડ્યુ હતું. પાછળથી પ્રાથમિક છાન-ભીનના અંતે કૃણાલ દવેની ફરીયાદ પરથી પી.સી. વ્યાસ અને કે.સી. વ્યાસ સામે ૩૦૭ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. આ ફરીયાદ પોલીસે રાજકીય ઈશારે નોંધી હોવાના આક્ષેપો સાથે ફરીયાદ ખોટી છે તેવું જણાવી કે.સી., પી.સી. વ્યાસ દ્વારા હાઈકોર્ટમાં ફરીયાદ કવોશ કરવા રીટ કરવામાં આવી હતી. લાંબી દલીલો, સીસીટીવી ફૂટેજ, સાક્ષીના નિવેદનોને ધ્યાને લઈને આજે હાઈકોર્ટ જજ સોનિયાબેન ગોકાણીએ કવોશીંગ પીટીશન ફગવી દીધાનું જાણવા મળે છે.

આ બારામાં પ્રમુખપદના ઉમેદવાર પંકજ રાવલે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે, સત્યનો હંમેશા વિજય થાય છે. હરીફ જૂથ હાર ભાળી ગયું હોવાથી મતદાન થાય તે પૂર્વે જ સાચા - ખોટા મુદ્દા ઉભા કરી મતદાન થવા દીધુ ન હતું. એટલુ જ નહિં, ધાક - ધમકી અને હત્યાની કોશિષ સુધીની લુખ્ખાગીરી કરી હતી. હાઈકોર્ટે અમને ન્યાય આપ્યો છે.(૩૭.૮)

(3:04 pm IST)